પાલનપુર નજીક નવો આકાર પામનાર બાયપાસ મામલે ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કરી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

Share

 

બનાસકાંઠા જીલ્લાના મુખ્ય મથક પાલનપુર હાઇવે પરની ટ્રાફીક સમસ્યાના નિરાકરણને લઇ સરકાર દ્વારા ખેમાણા નજીકથી બાયપાસને મંજૂરી અપાતાની જ વિવાદ ઉભો થયો છે.

 

 

મંજૂર કરાયેલા બાયપાસની આજુબાજુના વિસ્તારના ખેડૂતો દ્વારા ગુરૂવારે વિરોધ પ્રદર્શન કરી નવો પાસ થયેલો બાયપાસ રદ કરી અગાઉ કાર્યરત બાયપાસને પહોળો કરવાની માંગ સાથે જીલ્લા કલેક્ટર કચેરી પહોંચી કલેક્ટર આનંદ પટેલને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઇ છે.

 

 

બનાસકાંઠા જીલ્લાના મુખ્ય મથક પાલનપુર નજીકથી પસાર થતાં દિલ્હીથી મુન્દ્રા પોર્ટને જોડતાં નેશનલ હાઇવે પરથી દિવસ દરમિયાન મોટા પ્રમાણમાં મોટા વાહનો-માલ વાહકો પસાર થાય છે.

 

 

જેને લઇ પાલનપુર શહેરના એરોમા સર્કલ નજીક મોટા પ્રમાણમાં ટ્રાફીકની સમસ્યા છેલ્લા કેટલાંય વર્ષોથી પેચીદી બની હતી.

 

 

જો કે, તાજેતરમાં આ હાઇવેની ટ્રાફીક સમસ્યા દરમિયાન અકસ્માતમાં કેટલાંક લોકોના મોત નિપજતાં શહેરીજનો દ્વારા હાઇવેની ટ્રાફીક સમસ્યાના નિરાકરણની માંગ સાથે જન આંદોલન છેડાયું હતું.

 

ત્યારે સરકાર દ્વારા શહેરીજનોની માંગણીને ધ્યાને લઇ દિલ્હીથી પાલનપુર તરફ આવતાં માલવાહકોને સીધા ખેમાણાથી ચડોતર પસાર કરવા બાયપાસની મંજૂરી આપી દેવાઇ છે.

 

પરંતુ આ મંજૂરી મળતાં જ સરકારે મંજૂર કરેલા બાયપાસ નજીક પોતાની જમીન ધરાવતા ખેડૂતો રોષે ભરાયા છે અને આ ખેડૂતોએ સરકાર સામે મોરચો મંડયો છે. ખેડૂતોની માંગ નહીં સ્વીકારાય તો આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારી છે.

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share