બનાસકાંઠાના ડીસામાં એક યુવકે ગાયોના રક્ષણ માટે અને સંસ્કૃતિના જતન માટે સંસારનો ત્યાગ કર્યો. સાત વર્ષ સુધી સતત ગાયોની સેવા અને પ્રાકૃતિક ખેતી પ્રત્યે લોકોને જાગૃત કર્યા બાદ હવે આજે વિવિધ ગુરુઓ ના આશીર્વાદથી દીક્ષા લઇ આ યુવકે સમાજ સેવાના પથ પર આગળ વધવાનું શરૂ કર્યું છે.
બનાસકાંઠાના ડોડોણા ગામે જન્મેલા મહંત ભરતપુરીને નાનપણથી જ સમાજસેવા પ્રત્યે ખૂબ જ લગાવ હતો. ત્યારે એક દિવસ તેમના પિતાએ પણ ત્રણેય પુત્રોને બોલાવી સમાજ સેવા કોને કરવી છે તેમ પૂછતા ભરતપુરીએ તરત જ હા કહી દિધી અને માત્ર 15 વર્ષની ઉંમરે ગૃહ ત્યાગ કરી સમાજ સેવાનો માર્ગ પકડ્યો અને આ જ લગી તેઓ આ પથ પર ચાલી રહ્યા છે. ત્યારે તેમના બંને ભાઈ ડોકટર બનીને સેવા આપી રહ્યા છે.
ત્યારબાદ તેમણે સાયકોલોજી, MA અને બેંગ્લોર ખાતે B.Sc પણ કર્યું હતું તે સમયે તેમણે ધાર્યું હોત તો સારી જગ્યાએ નોકરી મેળવી સંસારનો આનંદ માણી શક્યા હોત પરંતુ તેમના મનમાં સમાજ પ્રત્યેની કરુણાનો ભાવ હોવાથી તેઓએ ડીસા તાલુકાના જુનાડીસા પાસે આવેલી રાધેક્રિષ્ના ગૌશાળામાં ગાયોની સેવા કરવાનું શરૂ કર્યું.
સતત 7 વર્ષ સુધી તેમને ગાયોના રક્ષણ માટે દિવસ રાત પ્રયાસો કર્યા અને લોકોને પણ રાસાયણિક ખેતીના બદલે પ્રાકૃતિક ખેતી કરી સમાજને રોગમુક્ત કરવા સમજાવ્યા. ત્યારબાદ તેઓએ પાલનપુરના હાથીદરા શિવમંદિરના નિરંજની અખાડાના મહંત દયાલપુરીના આશીર્વાદ મેળવી દીક્ષા ગ્રહણ કરવા માટેની કસોટી આપવા લાગ્યા.
સમાજ પ્રત્યેની તેમની નિષ્ઠા ચારિત્ર અને ગાયો પ્રત્યેનો પ્રેમ જોઈએ આખરે તેમને દીક્ષા મેળવવાની પરવાનગી મળી અને આજે તેમણે ગાયોના રક્ષણ માટે અને સંસ્કૃતિના જતન માટે દીક્ષા ગ્રહણ કરી હતી. દીક્ષા ગ્રહણ કરતા જ વિવિધ સંતો, મહંતોએ સમાજ કલ્યાણના માર્ગ પર સદાય તેઓ આગળ વધે તેવા આશીર્વાદ આપ્યા હતા.
સન્યાસ લીધા બાદ મહંત ભરતપુરીએ જણાવ્યું હતું કે, તેઓ હંમેશા જીવોના કલ્યાણ માટે તેમજ ખેડૂતો અને લોકો ગાયના મહત્વને સમજે, ગાયનું પાલન કરે અને ગાય રસ્તા પર રખડતી બંધ થાય તે માટે સતત પ્રયાસો કરતા રહેશે સાથે સાથે લોકો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને પોતાના પરિવાર, સમાજને રોગમુક્ત બનાવે તે માટે પણ તેઓ પ્રયાસો કરતા રહેશે.
આ પ્રસંગે મહંત દયાલપુરીએ જણાવ્યું હતું કે, ભરતપુરી પાસે કોઈ જ આધાર ન હોવા છતાં પણ તેઓ 150 જેટલી ગાયોનું પાલન છે. ગાય પ્રત્યેની તેમની નિષ્ઠા અને લગાવ જોઈ લોકો તેમને હંમેશા મદદ કરતા હતા તેમની આ વાતથી પ્રભાવિત થઈ અમે પરવાનગી આપીને તેમને દીક્ષા અપાવી.
From – Banaskantha Update