ડીસાના મુખ્ય માર્કેટયાર્ડમાં બટાકાની જાહેર હરાજીનો શુભારંભ : પ્રથમ દિવસે પાંચ હજાર કટ્ટાની આવક

Share

ડીસા પંથકમાં નવા બટાકા કાઢવાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે સોમવારે ડીસાના મુખ્ય માર્કેટયાર્ડમાં બટાકાની જાહેર હરાજીનો શુભારંભ થયો હતો. જેમાં પ્રતિ મણ (20 કિલો) બટાકાનો ભાવ રૂપિયા 191થી 221 રહ્યો હતો.

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ડીસા સંચાલિત વિનોદચંદ્ર જેઠાલાલ પટેલ શાકભાજી સબ માર્કેટયાર્ડમાં અલગથી શાકભાજી બજાર ભરાય છે પરંતુ બટાકાની સિઝન દરમિયાન આવક વધુ હોવાથી ખેડૂતો તેમજ વેપારીઓને મુશ્કેલી ન પડે તે માટે ડીસા માર્કેટયાર્ડના ચેરમેન માવજીભાઈ દેસાઈ તેમજ સેક્રેટરી અમૃતભાઈ જોષી દ્વારા ડીસાના મુખ્ય માર્કેટયાર્ડમાં બટાકાની જાહેર હરાજી માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે.

જેથી સોમવારે ડીસા માર્કેટયાર્ડના સેક્રેટરી અમૃતભાઈ જોષી તેમજ શાકભાજી વેપારી એસોસિયેશનના પ્રમુખ કમલેશભાઈ માળી સહિત વેપારીઓ અને ખેડૂતોની ઉપસ્થિતિમાં બટાકાના કટ્ટા પર ફુલહાર તેમજ અગરબત્તી પુજા કરી જાહેર હરાજીનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.

પ્રથમ દિવસે ડીસા માર્કેટયાર્ડમાં બટાકાની પાંચ હજાર જેટલા કટ્ટાની આવક નોધાઈ હતી. તેમજ પ્રતિ મણ (20 કિલો) બટાકાનો ભાવ રૂપિયા 191થી 221 રહ્યો હતો. આ અંગે સેક્રેટરી એ.એન.જોષી એ જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ડીસાના મુખ્ય માર્કેટયાર્ડમાં નવા બટાકાની આવક શરૂ થઈ છે તેમજ ખેડૂતોને પોતાના માલનો પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે પુરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

 

 

From – Banaskantha Update


Share