ડીસાના ઝેરડા નજીક ઉઘરાણીના રૂ. 7 લાખ લઇને પરત આવી રહેલ ડીસાના વેપારીને બે અજાણ્યા શખ્સોએ છરીએ અણીએ લૂંટ ચલાવતાં ચકચાર

Share

 

ડીસાના એક મરચાના વેપારી રાજસ્થાનથી ઉઘરાણી કરી ડીસા આવી રહેલ તે દરમિયાન ઝેરડા નજીક બે અજાણ્યા શખ્સોએ ડીસાના વેપારીને ગળે છરો ભીડાવી રૂ. 7 લાખ ઉપરાંતની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા.

 

 

આ અંગે ડીસાના વેપારીએ ડીસા તાલુકા પોલીસ મથકે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

 

 

આ બનાવની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં દિન-પ્રતિદિન લૂંટ, ધાડની ઘટનામાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. ત્યારે શુક્રવારની મોડી રાત્રે એકબીજાના વેપારીને બે અજાણ્યા શખ્સો દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે લૂંટ ચલાવી ફરાર થઇ જતાં ચકચાર મચી ગઇ છે.

 

 

સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો ડીસાની ઓમ પાર્કમાં રહેતાં રસીકભાઇ કાન્તીલાલ ચોખાવાળા (મોદી) ડીસાની જી.આઇ.ડી.સી.માં મરચાની ફેક્ટરી ચલાવી તેમના પરિવારનું ગુજરાન ચલાવે છે.

 

રસીકભાઇ ચોખાવાળા મરચાના 25-25 કિલોગ્રામના પેકેટ બનાવી રાજસ્થાનના અલગ-અલગ ગામડાઓમાં દુકાનદારોને ઇકો ગાડીમાં છૂટક મરચાનું વેચાણ કરે છે અને છેલ્લા ત્રણ માસથી લુણપુર ગામના શામતુંજી દરબારની ઇકો ગાડી નં. GJ-38-BB-7040 ની લઇ ડીસાથી રાજસ્થાન ફેરી કરે છે.

 

ત્યારે શુક્રવારે ઇકો ગાડીમાં અંદાજીત 15 જેટલાં કટ્ટા મરચાના ભરી ડીસાથી રાજસ્થાન ગયા હતા અને વેડીયા ગામમાં આવતાં આર.કે. ટ્રેડીંગના માલિક રાણેખાન પાસેથી રસીકભાઇ ચોખાવાલાને રૂ. 45,000 લેવાના હોવાથી જેમાં રાણેખાને રસીકભાઇ ચોખાવાલાને એક બીલના રૂ. 22,500 આપ્યા હતા.

 

જયારે બીજા પછી આપવાનું કહ્યું હતું અને રાણેખાને ડીસા માર્કેટયાર્ડમાં આવેલ હિન્દુસ્તાન નામની પેઢીના રૂ. 7 લાખ આપ્યા હતા. તે રસીકભાઇ ચોખાવાલાને કહ્યું કે, ડીસા દીપક હોટલ નજીક જઇ તમે ફોન કરશો ત્યારે માણસ તમારી જોડે લેવા આવશે તેવું જણાવ્યું હતું.

 

તે બાદ રસીકભાઇ ચોખાવાળા અલગ-અલગ ગામડે જઇ ઉઘરાણી કરી જેની કિંમત રૂ. 50,650 તે લઇ ડીસા આવવા નીકળ્યા હતા. ત્યારે ધાનેરા નજીક બનાવેલ નવો ઓવરબ્રિજ પસાર કરતાં બે અજાણ્યા શખ્સોએ ઇકો ગાડીને રોકાવી હતી. ત્યારે ઇકો ગાડીના ચાલક શામતુંજી દરબારે રસીકભાઇ ચોખાવાળાને પૂછેલ કે, પેસેન્જર બેસાડવા છે.

 

ત્યારે રસીકભાઇ ચોખાવાળાએ કહ્યું કે, બેસાડી દે જે બાદ બે અજાણ્યા શખ્સોને ડીસા જવું હોવાથી તેમને ઇકો ગાડીમાં બેસાડયા હતા. જે બાદ ઇકો ગાડી ધાનેરાથી ઝેરડા ગામથી આગળ ઇકો ગાડીના ચાલક શામતુંજી દરબારે ગાડી પેશાબ કરવા ઉભી રાખી હતી.

 

ત્યારે ઇકો ગાડીમાં બેસેલ બે અજાણ્યા શખ્સોએ ગાડીમાં બેઠેલ રસીકભાઇ ચોખાવાલાને ગળાના ભાગે છરો ભીડાવી કહ્યું કે, તારી જોડે જે હોય તે આપી દે નહીતર જાનથી મારી નાખીશું તેમ કહ્યું હતું અને ઇકો ગાડીના ચાલક શામતુંજી દરબારે પણ ધમકાવ્યા હતા.

 

જે બાદ ઇકો ગાડીની સીટ નીચે પડેલ રૂ. 7 લાખ અને રસીકભાઇ ચોખાવાલાની ઉઘરાણીના રૂ. 50,650 અને બે મોબાઇલ તેમજ રસીકભાઇ ચોખાવાલાના ગજવામાં પડેલ રૂ. 1,500 આમ કુલ રૂ. 7,53,150 રોકડા અને ઇકો ગાડીની ચાવી લઇ ત્યાંથી ફરાર થઇ ગયા હતા.

 

જે બાદ સમગ્ર ઘટનાની જાણ રસીકભાઇ ચોખાવાલાએ ડીસા તાલુકા પોલીસને જાણ કરતાં ડીસા તાલુકા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી. આ અંગે ડીસા તાલુકા પોલીસ મથકે બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share