થરાદના ખેલાડીએ રણજી ટ્રોફીમાં T-20 ટૂર્નામેન્ટમાં બેસ્ટ બોલરની ટ્રોફી જીતી, થરાદનું નામ રોશન કર્યું

Share

થરાદના લોરવાડા ગામના યુવકે તાજેતરમાં વિશાખાપટ્ટનમ (ચેન્નઈ) ખાતે રમાયેલી વાયજેગ સ્ટીલ પ્લાનેટ T-20 ટુર્નામેન્ટ (રણજી ટ્રોફી)માં બેસ્ટ બોલરની ટ્રોફી જીતી ગૌરવ વધાર્યું હતું. લોરવાડા ગામનો યુવા ખેલાડી રણજીતભાઈ વજરામભાઈ દરજી હાલ ગાંધીનગર રહે છે અને રણજી ટ્રોફીમાં ઇન્ડિયન નેવીની સર્વિસેસ તરફથી રમે છે. ભારતીય ક્રિકેટર રણજીત દરજીને ક્રિકેટ પ્રત્યે રસના કારણે 2010માં 15 વર્ષની ઉંમરે પડોશી મિત્ર પરેશ ગોસ્વામીને રમતા જોતાં એક દિવસે તેને લઈને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ગાંધીનગર) ગયા હતા. ત્યારથી ક્રિકેટની શરૂઆત થઈ હતી.

 

શાળા કક્ષાએથી રમતાં રમતાં અંડર-16 ગાંધીનગર જિલ્લા ટીમમાં ત્યારબાદ 2014-15માં ટીમ ગુજરાત માટે અંડર-23 Bcci ટ્રોફી રમી હતી. 2016માં મુંબઇમાં ઇન્ડિયન નેવીનું સીલેકશન હતું. ત્યારે ઇન્ડિયન નેવીની ક્રિકેટ ટીમમાં પસંદગી થઈ હતી. 2017-18, 2018-19માં સર્વિસીસ ક્રિકેટ કંટ્રોલ બોર્ડ માટે સૈયદ મુસ્તાક અલી ટ્રોફી ટી-20 રમ્યો હતો.

 

2 માર્ચ-2019 ના રોજ સૈદ મુસ્તાક અલી ટ્રોફી 2018-19માં સેવાઓ માટે ટ્વેન્ટી-20માં પ્રવેશ કર્યો હતો. ભારતીય નેવીમાં sailor પોસ્ટ પર ફરજ બજાવતા અને બોલર બ્રેટ લી અને ઈરફાન પઠાણને આદર્શ ગણતા રણજીત દરજી ભારતનો શ્રેષ્ઠ બોલર બનવાની ઈચ્છા ધરાવે છે. તા.27 ડિસેમ્બર-2021ના રોજ તેણે વિશાખાપટ્ટનમ (ચેન્નઈ) ખાતે રમાયેલી વાયજેગ સ્ટીલ પ્લાનેટ T-20 ટુર્નામેન્ટ (રણજી ટ્રોફી)માં બેસ્ટ બોલરની ટ્રોફી જીતી છે.

 

રણજીતે ઉમેર્યું હતું કે સફળતામાં સૌથી મોટો હાથ માતા-પિતા અને ત્યાર બાદ કોચ દામોદર નાડકર્ણી, સમીર, મિશ્રા, ચેતન માંકડ અને ગાંધીનગરના સિનિયર ખિલાડીએ હંમેશા મદદ કરી હોવાનું જણાવ્યું હતું. મોટાભાઈ રવિ જે અમ્પાયર છે અને નાની બહેન પ્રિયંકા જે હેન્ડબોલ સ્ટેટ પ્લેયર રહી ચૂકી છે.’


Share