પાલનપુરમાં ગોબરી તળાવ પાસેના ઓવરબ્રિજનું 80% કામ પૂર્ણ, માર્ચ સુધીમાં પૂરુ થઈ જશે બ્રીજનું કામ

Share

પાલનપુરમાં એક તરફ જયાં ગોકળગાયની ગતિએ ચાલતા ઓવરબ્રિજના કામોને લઈ વાહનચાલકો રોષ વ્યક્ત કરી રહ્યા છે. ત્યાં નવા માર્કેટયાર્ડથી અમદાવાદ હાઈવેને જોડતા ગોબરી તળાવ પાસેના રેલવે ફાટક પર બની રહેલો બ્રીજ સમય મર્યાદા કરતાં બે મહિના વહેલો તૈયાર થઈ જશે.

 

ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરને લઈ ફાટક બંધ કરવામાં આવનાર છે. જેથી આ સ્થળે 28 પિલ્લર પર 1390 મીટર (સવા કિલોમીટર) લાંબો ઓવરબ્રિજ 18 ઓગ.2020ના રોજ શરૂ કરવામાં આવ્યો હતો. જોકે માત્ર 16 મહિનામાંજ બ્રિજનું નિર્માણ કાર્ય 80 ટકા પૂર્ણ થઈ ગયુ છે.

ડીએફસીસીના સૂત્રોએ જણાવ્યું હતું કે, બ્રિજના નિર્માણ કાર્યોમાં અગાઉ જ્યાં ભૂલો થઇ હતી તે ભૂલોને નવા બ્રિજનું બાંધકામ વખતે પહેલેથી જ સુધારી દેવામાં આવી હતી. આસપાસના વિસ્તારમાં જમીનસંપાદનની કાર્યવાહી બહુ ઝડપથી પૂરી કરવામાં આવી હતી. પુલના બંને છેડે ભારે વાહનોને વળાંકમાં તકલીફ ન પડે તે માટે ભૂતકાળના અનુભવોને ધ્યાને લઇ જરૂરી છૂટછાટ મળી રહે તે રીતે બાંધકામ કરવામાં આવ્યું છે.

 

એજન્સીએ વધુ પડતો મેનપાવર અને મશીન પાવર યુઝ કરીને બ્રિજનું નિર્માણ કર્યું છે. સંભવત: ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં કામ પૂર્ણ થવાનો અંદાજ છે. જોકે બ્રિજના નિર્માણની અવધિ ઓગસ્ટ 2022 છે.

 

From – Banaskantha Update


Share