ડીસાના કંસારી નજીક અજાણ્યા વાહનની ટક્કરે કાર ચાલકનું મોત, અકસ્માત સર્જી વાહન ચાલક ફરાર

Share

ડીસા તાલુકાના કંસારીથી ગોગાડેરી હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. જેમાં ફોર્ડ ફિગો કારને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. અકસ્માતમાં ફોર્ડ ફિગો કાર ચાલકનું મોત થયું હતું.

પ્રતીકાત્મક તસવીર

બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવોમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે ડીસાના કંસારીથી ગોગાડેરી વચ્ચે હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો ડીસા તાલુકાના ધનાવાડા ખાતે રહેતા જયેશભાઇ ઈશ્વરભાઈ રબારી પોતાની ફોર્ડ ફીગો નંબર GJ-18-BB-0904 ડીસાથી પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા.

પ્રતીકાત્મક તસ્વીર

તે દરમિયાન ડીસાના કંસારીથી ગોગાડેરી વચ્ચે હાઇવે પર કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જી ત્યાંથી નાશી છૂટ્યો હતો. અકસ્માતમાં ફોર્ડ ફીગોમાં સવાર જયેશભાઇ ઈશ્વરભાઈ રબારીને ગંભીર ઇજા થતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

 

જ્યાં ફરજ પરના તબીબે જયેશભાઇ ઈશ્વરભાઈ રબારીને મૃત જાહેર કરતા મૃતક જયેશભાઇ રબારીની લાશને ડીસા સિવિલ પી.એમ અર્થે ખસેડાઇ હતી. જે બાદ નારણભાઇ જીવાભાઈ રબારીએ ડીસા તાલુકા પોલીસ મથકે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share