પાલનપુરમાં મંત્રીના અધ્યક્ષસ્થાને કોરોના કાળમાં મૃત્યુ પામનારા શિક્ષકોના વારસદારોને સહાય અપાઇ

Share

 

કોરોના કાળમાં મૃત્યુ પામનારા શિક્ષકોના વારસદારોને સહાય આપવા પાલનપુરમાં શિક્ષણ રાજ્ય મંત્રી કિર્તીસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને શનિવારે સંવેદના સભર કાર્યક્રમ યોજાયો હતો.

 

 

જેમાં બનાસકાંઠા જીલ્લામાં કોરોના કાળમાં મૃત્યુ પામેલા 45 શિક્ષકોના પરિવારજનોને શિક્ષકોની મંડળી દ્વારા રૂ. 1-1 લાખ અને રાજ્ય સરકાર દ્વારા રૂ. 8-8 લાખની ઉચ્ચક સહાયના ચેક મંત્રીના હસ્તે એનાયત કરાયા હતા. શિક્ષકોને મળવાપાત્ર ઉચ્ચત્તર પગાર ધોરણના હુકમો પણ આપવામાં આવ્યા હતા.

 

 

શિક્ષણ રાજ્ય મંત્રી કિર્તીસિંહ વાઘેલાએ કોરોના કાળમાં મૃત્યુ પામેલા શિક્ષકોને શ્રદ્ધાંજલિ પાઠવતાં જણાવ્યું હતું કે, ‘સ્વજનોની ખોટ ક્યારેય પુરી શકાતી નથી. પરંતુ મૃતક શિક્ષકોના પરિવારોને હૂંફ અને સંવેદના પુરી પાડવા આ કાર્યક્રમ યોજાયો છે. કોરોનાના કપરા કાળમાં શિક્ષકોના પરિવારે ઘણું બધુ ગુમાવ્યું છે.

 

 

તેની સાથે સાથે શિક્ષણ પરિવારે સમાજને ઘણું બધુ આપ્યું પણ છે. કોરોનાના સમયમાં શિક્ષકોએ રૂ. 50 લાખથી વધુ કીટ ગરીબ અને જરૂરીયાતમંદ લોકોને વિતરણ કરી છે. આ ઉપરાંત બનાસકાંઠા જીલ્લાના શિક્ષકોએ કોરોના સામે લડવા મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂ. 2 કરોડની માતબર રકમનું દાન કરી સામાજીક દાયિત્વ સારી રીતે નિભાવ્યું છે.

 

 

બનાસકાંઠા જીલ્લો વિશિષ્ટ ભૌગોલિક સ્થિતિ ધરાવતો આંતરરાષ્ટ્રીય સરહદ સાથે જોડાયેલો જીલ્લો છે. ભૂતકાળમાં પછાત ગણાતા બનાસકાંઠા જીલ્લાએ આજે આર્થિક અને શૈક્ષણિક રીતે વિકાસની હરણફાળ ભરી છે.’

 

તેમણે શિક્ષકોને અનુરોધ કરતાં જણાવ્યું હતું કે, ‘કોરોનાના લીધે પડેલી ટિચિંગ લોસને પુરી કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી સરકારે 100 કલાક સમયદાન આપવાનો ઉમદા નિર્ણય કર્યો છે. ત્યારે આ સમય દાનના કાર્યક્રમમાં જોડાઇને આવતીકાલના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ કાર્યમાં સહભાગી બનવા તેમણે અનુરોધ કર્યો હતો.

 

આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતને વિશ્વ ગુરૂ બનાવવા માંગે છે. તેમાં શિક્ષણ વિભાગનું બહુ મહત્વનું યોગદાન છે. કેન્દ્ર સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિના અમલીકરણથી સરકારી શાળાઓમાં શિક્ષણ અને શિક્ષણ સંકુલોને અપગ્રેડ કરી શિક્ષણ ક્ષેત્રે આમૂલ પરિવર્તન લાવવામાં આવશે.

 

રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે. છેલ્લા બે વર્ષમાં 2 લાખથી વધુ બાળકોએ ખાનગી શાળાઓ છોડીને સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે તેમ તેમણે જણાવ્યું હતું.’

 

આ પ્રસંગે રાજ્ય પ્રાથમિક શિક્ષણ નિયામક ર્ડા. એમ. આઇ. જોષી, અગ્રણી નંદાજી ઠાકોર અને ગુમાનસિંહ ચૌહાણે પ્રાસંગિક પ્રવચનમાં મૃતક શિક્ષકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. કાર્યક્રમમાં બે મીનીટનું મૌન પાળી મૃતક શિક્ષકોને શ્રદ્ધાંજલિ અપાઇ હતી.

 

 

 

From-Banaskantha update

 

 

 


Share