ડીસાના નવાથી અખિલ ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિની યાત્રાનો ઠેર-ઠેર વિવિધ સમાજો દ્વારા સન્માન કરાયું

Share

 

ડીસા તાલુકાના નવા ગામથી અખિલ ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિની યાત્રા શનિવારે નીકળી હતી. જે યાત્રા અંબાજીમાં પહોંચી 22 ગજની ધજા ચડાવી અને આગામી વિધાનસભાની ચૂંટણીને લઇ વ્યુ રચના તૈયાર કરી હતી.

 

 

આગામી વર્ષમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. ત્યારે આ ચૂંટણી પહેલાં જ ગુજરાતની બંને મોટી રાજકીય પાર્ટી માટે પડકારો શરૂ થઇ ગયા છે.

 

 

શનિવારે અખિલ ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિના અધ્યક્ષ નવઘણભાઇ ઠાકોરે ભાજપ અને કોંગ્રેસને પોતાના મુખ્યમંત્રીના ઉમેદવારો જાહેર કરવા ઉપરાંત ઠાકોર સમાજના જ મુખ્યમંત્રી બનાવવાની માંગ કરી છે.

 

 

જે અંતર્ગત ડીસા તાલુકાના નવા ગામથી ઠાકોર સમાજની યાત્રા નીકળી હતી. આ યાત્રામાં મોટી સંખ્યામાં ઠાકોર સમાજના લોકો જોડાયા હતા. નવા ગામથી નીકળેલી ઠાકોર સમાજને યાત્રાનો ઠેર-ઠેર વિવિધ સમાજો દ્વારા સન્માન પણ કરાયું હતું.

 

 

યાત્રા અંબાજીમાં પહોંચી હતી. મા અંબાના ધામમાં 22 ગજની ધજા ચડાવી આગામી સમયમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીમાં ઠાકોર સમાજને મજબૂત બનાવવા માટે વ્યૂહરચના બનાવી હતી.

 

 

2022 નું વર્ષ ચોક્કસ ચૂંટણીનું વર્ષ બની રહેવાનું છે. ચૂંટણી ભલે 2022 ના અંતમાં યોજાય પરંતુ આખા વર્ષ દરમિયાન ગુજરાતના બંને મહત્વના રાજકીય પક્ષ એવા કોંગ્રેસ અને ભાજપ પોતપોતાની અંતિમ તૈયારીઓને ઓપ આપી રહ્યા છે.

 

અગાઉ પાટીદાર સમાજના આગેવાન નરેશભાઇ પટેલે ગુજરાતના રાજકારણમાં પાટીદારોને સ્થાન આપવાને લઇ પોતાના ઇરાદા જાહેર કરી દીધા છે. ત્યારે હવે ગુજરાતના ઠાકોર સમાજે પણ બંને રાજકીય પક્ષો સમક્ષ પોતાની માંગણી મૂકી છે.

 

આ અંગે અખિલ ગુજરાત ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિના અધ્યક્ષ નવઘણજી ઠાકોરે જણાવ્યું હતું કે, ‘આગામી સમયમાં જે પણ રાજકીય પક્ષ પોતાના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી તરીકે ઠાકોર સમાજના નામની જાહેરાત કરશે તેની સાથે જ અખિલ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમિતિ સહકાર આપશે અને જે કોઇ પક્ષ ઠાકોર સમાજની અવગણના કરશે તેને આગામી ચૂંટણીમાં માઠા પરિણામ ભોગવવા પડશે.’

 

 

 

 

From-Banaskantha update

 

 

 


Share