અંબાજીના કુંભારીયા પાસે મહાદેવજી મંદિરના પૂજારીએ 4 ગૂંઠા સરકારી જમીન પચાવી પાડતા ફરિયાદ નોધાઇ

Share

અંબાજીના કુંભારીયા નજીક આવેલા મહાદેવજીના મંદિરના પુજારી અને તેમના સ્વર્ગસ્થ ભાઇના વારસદારોએ 4 ગૂંઠા સરકારી જમીન પચાવી પાડી ખેતી કરતાં હતા. જેમની સામે દાંતા મામલતદારે કાર્યવાહી કરવા સૂચના આપતાં મહેસુલી તલાટીએ અંબાજી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે લેન્ડ ગ્રેબિંગનો ગૂનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રતીકાત્મક તસવીર

આ અંગે કુંભારીયાના રેવન્યુ તલાટી જિજ્ઞેશકુમાર ગૌતમભાઇ પંડ્યાએ જણાવ્યું કે, રમેશભાઇ અંબાલાલ જોષી કુંભારીયા નજીક આવેલા મહાદેવજીના મંદિરના પુજારી છે. તેમણે તેમજ તેમના સ્વર્ગસ્થ ભાઇ અરવિંદકુમાર અંબાલાલ જોષીના વારસદારોએ ગામની સર્વે નં. 129 પૈકી 4 ગુંઠા સરકારી જમીનમાં પાકા મકાન બનાવી ખેતી કરતા હતા. જેમની સામે કાર્યવાહી કરી પગલાં ભરવા માટે દાંતા નાયબ કલેકટર દ્વારા જિલ્લા કક્ષાની સમિતીમાં દરખાસ્ત કરી હતી. આ શખ્સો સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ મુજબ કાર્યવાહી કરવાનો હૂકમ કરાતાં દાંતા મામલતદારની સૂચનાથી અંબાજી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

પ્રતીકાત્મક તસવીર

અંબાજી સર્કલની રૂબરૂમાં તા.15/9/2021ના રોજ પંચ રોજકામ મુજબ આ જમીન પુજારી અને તેમના વારસદારોના કબ્જામાં હોવાનું જણાયું હતુ. દબાણકાર પૈકી વિજયકુમાર અંબાલાલ જોષીએ પોતાનો કબ્જો હોવાનું સ્વીકાર્યુ હતું. આથી દાંતા મામલતદારે જમીનનું દબાણ દૂર કરવા માટે નોટીસ આપી હતી. જે રેવન્યુ તલાટીએ રજીસ્ટર પોસ્ટ એડી કરી હતી. પરંતુ દબાણકારોએ નોટિસ ન સ્વીકારતાં રીફયુજ શેરાથી પરત આવી હતી.

પ્રતીકાત્મક તસવીર

યાત્રાધામ અંબાજીમાં અન્ય ભૂમાફિયાઓ દ્વારા પણ સરકારી જમીન ઉપર દબાણો કરવામાં આવ્યા છે. અંબાજી, કુંભારીયા, પાન્છા, જેતવાસ, ચીખલા જેવા હાઇવે ટચ ગામોની સરકારી જમીન તેમણે પચાવી પાડી છે. કેટલાકે સ્ટેમ્પ કરી જમીન ભાડે આપી દીધી હોવાના પણ આક્ષેપો ઉઠવા પામ્યા છે. ત્યારે તંત્ર દ્વારા તપાસ થાય તો મોટા પ્રમાણમાં સરકારી જમીન ખુલ્લી થઇ શકે છે. જ્યાં યાત્રાધામના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત સરકારી જમીન ખુલ્લી કરાવવા માટે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 

From – Banaskantha Update


Share