ડીસાના ધરપડામાં વાડામાંથી બાવળ કાપવા બાબતે 3 વ્યક્તિઓ ઉપર 4 શખ્સોએ હુમલો કરતાં ચકચાર

Share

 

ડીસા તાલુકાના ધરપડા ગામના વાડામાંથી બાવળ કાપવા બાબતે ઠપકો આપવા ગયેલ યુવક સહીત 3 વ્યક્તિઓ પર 4 શખ્સોએ હુમલો કરતાં ચકચાર મચી ગઇ છે. આ અંગે ડીસા તાલુકા પોલીસ મથકે 4 શખ્સો સામે ફરિયાદ નોંધાઇ છે.

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં નજીવી બાબતે દિવસેને દિવસે મારામારીના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે ડીસા તાલુકાના ધરપડા ગામમાં રહેતાં વિકાસભાઇ સેધાભાઇ પરમારના વાડામાંથી તેમના જ ગામના ભૂપેન્દ્રભાઇ ભીખાભાઇ પરમારે પૂછ્યા વગર બાવળ કાપેલા જે બાબતે વિકાસભાઇ પરમાર ભૂપેન્દ્રભાઇ પરમારને ઠપકો આપવા ગયા હતા.

 

ત્યારે ભૂપેન્દ્રભાઇ પરમાર વિકાસભાઇ પરમારને મા-બેન સામા અપશબ્દો બોલવા લાગ્યા હતા. ત્યારે વિકાસભાઇ પરમારે અપશબ્દો બોલવાની ના કહેતાં ભૂપેન્દ્રભાઇ પરમાર એકદમ ઉશ્કેરાઇ જઇ વિકાસભાઇ પરમારને માર મારવા લાગ્યો હતો.

 

ત્યારે વિકાસભાઇના કાકાનો દીકરો પોપટભાઇ વચ્ચે પડી છોડાવ્યા હતા. ત્યારબાદ ભૂપેન્દ્રભાઇ પરમારે તેના ઘરે ફોન કરતા સંજયભાઇ ચેલાભાઇ પરમાર તેના હાથમાં વાસી લઇ આવ્યા હતા અને ચેલાભાઇ ધર્માભાઇ તેમજ શારદાબેન ચેલાભાઇ આ ચારેય શખ્સો ભેગા મળી વિકાસભાઇ પરમારને ગડદા પાટુનો માર મારવા લાગ્યા હતા.

 

જેથી વિકાસભાઇ પરમાર બૂમાબૂમ કરતાં તેમની બહેન સોનલબેન અને તેમની ભત્રીજી પૂજાબેન વચ્ચે પડી છોડાવવા જતાં તેમને પણ લાકડી વડે સોનલબેનને માથાના ભાગે માર માર્યો હતો. જે બાદ આ ચારેય શખ્સો ભેગા મળી વિકાસભાઇ પરમાર અને તેમની બહેન તેમજ તેમની ભત્રીજીને ગડદા પાટુનો માર મારવા લાગ્યા હતા.

 

જે બાદ આજુબાજુના લોકો દોડી આવી વધુ મારમાંથી છોડાવ્યા હતા. જે બાદ ભૂપેન્દ્રભાઇ ભીખાભાઇ પરમાર, સંજયભાઇ ચેલાભાઇ પરમાર, ચેલાભાઇ ધર્માભાઇ પરમાર અને શારદાબેન ચેલાભાઇ પરમાર જતાં જતાં કહેતા ગયા કે આજે તો બચી ગયા પરંતુ લાગ આવશે તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપીને ફરાર થઇ ગયા હતા.

 

જ્યારે વિકાસભાઇ પરમારની બહેન અને તેમની ભત્રીજીને સારવાર અર્થે 108 વાન મારફતે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જે બાદ વધુ સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગે ડીસા તાલુકા પોલીસ મથક 4 શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

From-Banaskantha update

 

 

 


Share