ડીસામાં રૂ. 200 કરોડ ઉપરાંતના ખર્ચે બનેલ એલિવેટેડ ઓવરબ્રિજ પર મસમોટા ગાબડાથી વાહનચાલકોમાં આક્રોશ ભભૂકયો

Share

 

ડીસામાં રૂ. 200 કરોડ ઉપરાંતના ખર્ચે બનેલ બનાસ નદીથી ડીસા એ.પી.એમ.સી. સુધીના એલિવેટેડ ઓવરબ્રિજ પરના રોડ ઉપર ઠેર-ઠેર ડામર ઉખડી જતાં મસમોટા ગાબડા પડી ગયા છે. જેથી ઓવરબ્રિજની કામગીરી સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે.

 

 

બનાસકાંઠા જીલ્લાના વેપારી મથક ડીસા શહેરના મધ્યમાંથી પસાર થતાં નેશનલ હાઇવે પર ટ્રાફીક સમસ્યાના કાયમી નિવારણ માટે કેન્દ્ર સરકાર દ્વારા રૂ. 200 કરોડ ઉપરાંતના ખર્ચે એલિવેટેડ ઓવરબ્રિજ મંજૂર કરવામાં આવ્યો હતો. જેનું કામ મહેસાણાની રચના કન્સ્ટ્રક્શન કંપનીને આપવામાં આવ્યું હતું.

 

 

જે કામ બે વર્ષ બાદ પૂર્ણ થતાં સાડા ચાર માસ અગાઉ એટલે કે તા. 7 ઓગષ્ટ 2021 ના રોજ બનાસકાંઠાના સાંસદ પરબતભાઇ પટેલ, રાજ્યસભાના સાંસદ દિનેશભાઈ અનાવાડીયા, ડીસાના ધારાસભ્ય શશીકાન્તભાઇ પંડયા સહીત પદાધિકારીઓ, આગેવાનો અને અધિકારીઓની ઉપસ્થિતિમાં નવિન બનેલ ઓવરબ્રિજનું લોકાર્પણ કરાયું હતું.

 

 

બનાસ નદી તરફથી ડીસા એ.પી.એમ.સી. જવાના ઓવરબ્રિજ પર પાંચથી વધુ જગ્યાએ મોટા મોટા ગાબડા પડતાં અજાણ્યા વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. જેથી ઓવરબ્રિજની કામગીરી કરનાર કંપની સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.

 

 

જો કે, સાડા ચાર માસના જ સમયગાળા દરમિયાન નવિન બનેલ ઓવરબ્રિજ પર ઠેર-ઠેર ગાબડા પડી ગયા છે. જયારે ડામર ઉખડી જતાં રોડ પર આર.સી.સી. દેખાવા લાગ્યું છે. ઓવરબ્રિજની કામગીરી દરમિયાન પિલ્લર ઉભા કરવા માટે ઠેર-ઠેર ખાડાઓ કરીને હાઇવે રોડને તોડી નાખવામાં આવ્યો હતો.

 

જયારે કામગીરી પૂર્ણ થયા બાદ કંપની દ્વારા તૂટેલા રોડ ઉપર ઉચા નીચા થીગડા મારવામાં આવ્યા છે. જેથી ઓવરબ્રિજ નીચેના તમામ રોડ નવા બનાવવાની તાતી જરૂરીયાત છે તેમ ડીસાના યુવા કાર્યકર પરેશભાઇ ચાવડાએ જણાવ્યું હતું.

 

ડીસામાં ઓવરબ્રિજ ઉપર અને નીચે સર્વિસ રોડ સહીતના રસ્તાઓ પર સ્ટ્રીટ લાઈટો નાખવામાં આવી છે પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટી અને નગરપાલિકા વીજ બીલ ભરવાના મુદ્દે અસંમજસ ઉભી થઈ છે. જેથી સ્ટ્રીટ લાઈટો શોભાના ગાંઠીયા સમાન બની ગઈ છે.

 

 

 

From-Banaskantha update

 

 

 


Share