બનાસકાંઠામાં 25 વર્ષ બાદ ફરી એકવાર ખેડૂતો મહારાષ્ટ્ર-રાજસ્થાનથી શેરડી લાવી ગોળ બનાવવા લાગ્યા છે

Share

 

બનાસકાંઠાના ધાણધાર પંથકમાં વર્ષો પહેલાં જુવાર, શેરડી અને ચણા જેવા પાકો લહેરાઇ રહ્યા હતા. આ પંથકમાં શેરડીનું મોટાપાયે વાવેતર થતું હતું. જે શેરડીમાંથી દેશી ગોળ અને પાતળો ગોળ ખૂબ મોટા પ્રમાણમાં બનતો તેમજ લોકોનો મુખ્ય ખોરાક પણ ગોળ હતો.

 

 

પરંતુ સમય જતાં પાણીના અભાવે આ વિસ્તારમાં આ પાકો હવે જોવા મળતાં નથી. ત્યારે આ પંથકમાં ફરીથી ખેડૂતોએ બહારના રાજ્યમાંથી શેરડી લાવી ગોળ બનાવી રહ્યા છે. ત્યારે દૂરદૂરથી લોકો આ ગોળ લેવા માટે આવી રહ્યા છે.

 

 

એક સમયે જ્યાં શેરડીના પાક સતત લહેરાતા હતા. શેરડીમાંથી ગોળ મોટા પ્રમાણમાં બનતો અને લોકો દેશી શુદ્ધ ગોળનો રોજીંદા જીવનમાં ખૂબ ઉપયોગ કરતાં તેવા ધાણધાર વિસ્તારમાં પાણીના તળ ઉંડા ગયા બાદ શેરડીનું વાવેતર બંધ થઇ ગયું હતું.

 

 

જેને કારણે ગોળ બનાવવાનું પણ બંધ થઇ ગયું હતું. જો કે, હવે 25 થી 30 વર્ષ બાદ આ વિસ્તારના ખેડૂતોએ મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર અને રાજસ્થાન જેવા રાજ્યોમાંથી શેરડી લાવી એને પીલીને-ઉકાળીને ગોળ બનાવવાનું શરૂ કર્યું છે. જે ગોળ હાલમાં મોટી સંખ્યામાં લોકો પોતાના ઘરે લઇ જઇ રહ્યા છે.

 

 

શેરડીનું વાવેતર બંધ થઇ જતાં હવે ખેડૂતો બહારના રાજ્યોમાંથી શેરડી લાવી પાતળો ગોળ બનાવી રહ્યા છે. શેરડીને કોલુ મશીનમાં પીલવામાં આવે છે. ત્યારબાદ તેના રસને અલગ-અલગ રીતે થાળમાં ઉકાળવામાં આવે છે. જેના 5 થી 6 કલાક બાદ આ ગોળ તૈયાર થાય છે.

 

 

એને આ વિસ્તારના લોકો પાતળો ગોળ કહે છે. શિયાળાની કડકડતી ઠંડીમાં આ ગોળ શરીર માટે ખૂબ લાભદાયી ગણાય છે. એને લઇ લોકો આ ગોળનો મોટી માત્રામાં ખોરાકમાં ઉપયોગ કરે છે.

 

 

આ અંગે ગોળ બનાવનાર અસરફભાઇએ જણાવ્યું હતું કે, ‘ગામડાઓમાં વર્ષોથી આ ગોળ ખૂબ ખવાય છે. પરંતુ આ ગોળ કોઇ બનાવતું ન હતું.

 

 

પરંતુ અમે શેરડી લાવી ગોળ બનાવવાનું શરૂ કર્યું જેનાથી લોકો હવે દૂરદૂરથી ગોળ લેવા આવે છે. શિયાળામાં 4 માસ સુધી આ ગોળ બને છે. જે ઠંડીમાં ખૂબ ફાયદાકારક ગણાય છે.’

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 


Share