પાલનપુર: કિશોરીને ઇન્સ્ટાગ્રામ પર યુવક સાથે પ્રેમ થયો, ગર્ભ રહ્યા બાદ એક સંતાનના પિતા પ્રેમીએ તરછોડી

Share

વડનગરનો એક કિસ્સો માતપિતાને ચેતવણી સમાન છે. હાલ થોડા સમયથી ઇન્સ્ટાગ્રામ પર વાતચીત બાદ પ્રેમ થયા બાદ તરછોડવાના અનેક કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે વડનગરની કિશોરી સાથે પણ કાંઇક આવું જ થયુ છે. વડનગરની એક કિશોરીને ઇન્સ્ટાગ્રામ ઉપર પાલનપુરના યુવક સાથે વાતો કર્યા બાદ પ્રેમ થયો હતો.

 

કિશોરી 28 વર્ષના યુવાન સાથે ફરવા લાગી હતી. જે બાદ તેને ગર્ભ રહી ગયાની જાણ થતા એક સંતાનના પિતાએ કિશોરીને તરછોડી દીધી હતી. આ અંગેની જાણ થતા તેના માતા પિતાએ પણ કિશોરીને ઘરમાંથી કાઢી મૂકી હતી. જે બાદ તેણે બનાસકાંઠા 181 અભયમની મદદ લીધી હતી.

 

બનાસકાંઠા 181 અભયમના કાઉન્સેલર લક્ષ્મીબેન સોલંકીએ જણાવ્યું કે, વડનગરની કિશોરી પાલનપુરના એક 28 વર્ષિય યુવક સાથે ઇન્સ્ટાગ્રામ ઉપર સંપર્ક થયો હતો. બંને વચ્ચે મેસેજની આપ-લે થતાં પ્રેમ પ્રાંગર્યો હતો. યુવક સગીરાને અવાર-નવાર પાલનપુર બોલાવતો હતો અને બંને જણાં હરવા જતાં હતા. જે દરમિયાન બંનેએ સબંધ બાંધતાં કિશોરીને ગર્ભ રહી ગયો હતો.

 

આથી તેણીએ લગ્ન કરવાનું દબાણ કરતાં યુવકે પોતે પરિણીત અને એક સંતાનનો પિતા હોવાનું કહી સગીરાને તરછોડી દીધી હતી. પ્રેમમાં દગો થયો હોવાનું જણાતાં બનાસકાંઠા 181 અભયમને કોલ કરતાં કાઉન્લેસર લક્ષ્મીબેન સોલંકીએ મહિલા પોલીસ શિલ્પાબેન અને ચાલક અમરતભાઇ સાથે જઇ સગીરાનું કાઉન્સેલીંગ કરી કાયદાકીય સલાહ આપી પાલનપુરમાં સુરક્ષિત સ્થળે ખસેડી હતી.

 

સગીરા તેના પ્રેમી યુવકથી ગર્ભવતી બની હોવાની જાણ થતાં વડનગર સ્થિત તેના માતા-પિતાએ ઘરમાંથી હાંકી કાઢી હતી. બીજી તરફ સગીરાએ પોતાના પ્રેમી પાસે જ રહેવાની જીદ કરી રહી છે. જોકે, તેની વય ઓછી હોવાથી અત્યારે સુરક્ષિત સ્થળે રાખવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

 

કાઉન્સેલર જીનલબેન પરમારે જણાવ્યું કે, બનાસકાંઠા જિલ્લાના શખ્સોએ ઇન્ટાગ્રામ ઉપર બે કિશોરીઓને ફસાવી હોય તેવો એક જ સપ્તાહમાં આ બીજો ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. ત્યારે આ કિસ્સા ઉપર વાલીઓએ પણ ચિંતા કરવાની સાથે તકેદારી રાખવા જેવી છે કે, બાળકોને ઓનલાઇન શિક્ષણ માટે જે મોબાઇલ લઇ આપ્યો છે. તેમાં બાળકો સોશિયલ મીડિયાનો કઇ કઇ એપ્લિકેશનનો ઉપયોગ કરે છે. તેમનું મિત્ર વર્તુળ કોણ કોણ છે. તે ખરેખર જાણવું જરુરી છે.

 

From – Banaskantha Update


Share