બનાસકાંઠાના પાડોસી માઉન્ટ આબુમાં હાડ થીજાવતી ઠંડી : 0 ડિગ્રી તાપમાનથી લોકો ઠુંઠવાયા, બરફના થર જામ્યા

Share

બનાસકાંઠાના પાડોસી રાજસ્થાનના સિરોહી જિલ્લામાં શિયાળાની કડકડતી અસર જોવા મળી રહી છે. જેના હિલ સ્ટેશન માઉન્ટ આબુના તાપમાનમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો, તેમજ આજે લઘુત્તમ તાપમાન 0 ડિગ્રી નોંધાયું હતું. તાપમાનનો પારો ગગડી જવાને કારણે મેદાની વિસ્તારો સહિત અન્ય સ્થળોએ બરફના થર જામેલા જોવા મળ્યા હતા.

રાજ્યના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં થોડાક દિવસોથી તાપમાનના પારામાં તીવ્ર ઘટાડો નોંધાયો છે, જ્યાં લઘુત્તમ તાપમાન 0 ડિગ્રી જોવા મળ્યું હતું. જોકે, પારો ગગડ્યા બાદ મેદાની વિસ્તારો, ઘરો અને હોટલોની બહાર પાર્ક કરેલી કારની છત, રેસ્ટોરાંમાં રાખવામાં આવેલા ટેબલો પર બરફ જામી ગયો હતો.

હોટલમાં રોકાયેલા પ્રવાસીઓ બરફ જોઈને રોમાંચિત થઈ ગયા હતા. ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી માઉન્ટ આબુ પહોંચેલા પ્રવાસીઓ હવામાનની મજા માણી રહ્યા છે, તેમજ બાળકો બરફ સાથે રમતા જોવા મળ્યા હતા. વહેલી સવારના પ્રવાસીઓ નક્કી લેકની ટૂર પર જતા જોવા મળ્યા હતા, તેમજ ચાની ગરમ ચુસ્કીઓની મદદથી ઠંડીને હરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

માઉન્ટ આબુમાં કડકડતી ઠંડી બાદ લોકોના જનજીવન પર અસર થઈ છે, લોકો લાંબા સમય સુધી ઘરમાં જ રહ્યા છે. શિયાળાની કડકડતી ઠંડીના કારણે વૃદ્ધોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શિયાળાનો આ પ્રકોપ આગામી દિવસોમાં વધુ વધી શકે છે તેવી શક્યતાઓ છે.

File Photo

હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ ગુજરાતમાં કોલ્ડ વેવની આગાહી કરી છે. કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં કોલ્ડ વેવની અસર જોવા મળશે. એ ઉપરાંત બનાસકાંઠા, ગાંધીનગર, રાજકોટ, પોરબંદર, અમરેલી, જૂનાગઢ જિલ્લામાં 10 ડીગ્રીથી ઓછું તાપમાન રહેશે. ગઈકાલે રાતથી જ અમદાવાદ સહિતના વિસ્તારોમાં ઠંડા પવનો શરૂ થયા હતા. આજે સવારે પણ ઠંડા પવનોને કારણે કોલ્ડ વેવની અસર વર્તાઈ હતી. વાતાવરણમાં પલટો આવવાને કારણે સવારના વાતાવરણમાં ધુમ્મસ જોવા મળ્યું હતું.

 

હવામાન વિભાગે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર-કચ્છ, નલિયા, કંડલા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ કોલ્ડવેવ રહેશે. ઉત્તર ગુજરાતમાં 18 ડિસેમ્બર સુધી કોલ્ડ વેવ રહેશે. 10 ડીગ્રી તાપમાન રહે છે. નલિયામાં હાલમાં 5 ડીગ્રી તાપમાન છે. બાદમાં બે દિવસ નલિયામાં 6 ડીગ્રી તાપમાન રહેશે. હાલ અમદાવાદમાં 12 ડીગ્રી તાપમાન છે. તો આવતીકાલે 11થી 10 ડીગ્રી તાપમાન રહેશે. ગાંધીનગરમાં પણ હવામાન વિભાગે કોલ્ડ વેવની આગાહી કરી છે. તો બનાસકાંઠા અને ગાંધીનગર કોલ્ડ વેવ રહેશે. ત્રણ દિવસ સુધી હાડ થીજવતી ઠંડી પડશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે.

 

હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 48 કલાકમાં કોલ્ડ વેવ શરૂ થશે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં લઘુતમ તાપમાન 2થી 3 ડીગ્રી ઘટશે. અમદાવાદમાં શુક્રવારે 11.7 ડીગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું, જે સામાન્ય કરતાં -2 ડીગ્રી ઓછું હતું, જેને કારણે શહેરમાં શીત લહેરનો અનુભવ શહેરીજનોને થયો હતો. મહત્તમ તાપમાન 26 ડીગ્રી સેલ્સિયસ રહ્યું હતું, જે સામાન્ય કરતાં -4 ડીગ્રી ઓછું હોવાથી દિવસે પણ લોકોએ ઠંડક અનુભવી હતી. આગામી ચારેક દિવસ સુધી લઘતમ તાપમાન 11થી 12 ડીગ્રી રહેશે. આમ, શહેરમાં શિયાળો જામ્યો હોય એવો માહોલ જોવા મળશે.

 

 

From – Banaskanthan Update


Share