ઈલેક્ટ્રીક બાઈકના બુકિંગના નામે લોભામણી સ્કીમ બનાવી કરોડો રૂપિયાની ઠગાઈ કરનાર ભેજાબાજને પોલીસે ઝડપી પાડ્યો

Share

વલસાડ જિલ્લાના અંતરિયાળ આદિવાસી વિસ્તાર એવા ધરમપુરમાં મોબાઈલ અને ઈલેક્ટ્રીક બાઈક બુકિંગ નામની લોભામણી સ્કીમ બનાવી એક ભેજા બાજે કરોડો રૂપિયાની ઠગાઇ કરી હોવાને મામલે ધરમપુર પોલીસે ફરિયાદ દાખલ કરી છે અને ધરમપુરના ખારવેલમાં આવેલી ઇગલ સ્માર્ટ ઇન્ડિયા કોન્ટ્રાક્ટ પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીના સંચાલક જીતેન્દ્ર ઉર્ફે જીતુ સચિન પટેલની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધો છે.

ધરમપુર પોલીસે મળેલી બાતમીના આધારે ધરમપુરના ખારવેલ વલસાડ રોડ પર ઓફિસ ધરાવતી ઇગલ સ્માર્ટ ઇન્ડિયા કોન્ટ્રાક્ટ પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીમાં રેડ કરી હતી. આ રેડ દરમિયાન કંપનીના સંચાલક જીતેન્દ્ર ઉર્ફે જીતુ સચિન પટેલ ઝડપાઈ ગયો હતો. ધરમપુર પોલીસે ઇગલ સ્માર્ટ ઇન્ડિયા કોન્ટ્રાક્ટ પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીમાં કરેલી રેઇડ દરમિયાન સ્થળ પરથી મોબાઇલ, લેપટોપ અન્ય રોકાણના દસ્તાવેજો, રજીસ્ટર અને બિલબુક સહિતના મહત્વના દસ્તાવેજો હાથ લાગ્યા છે.

પ્રતીકાત્મક તસ્વીર

તેની પણ પોલીસે તપાસ હાથ ધરી છે. તેમજ રેઇડ દરમિયાન પોલીસને કંપની સંચાલકની ઓફીસમાંથી 14 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. સાથે જ પોલીસ તપાસમાં આરોપીના બેન્ક એકાઉન્ટમાં 57 લાખ રૂપિયા જમા હોવાનું જાણવા મળ્યું હતું અને પોલીસે આરોપીનું બેંક એકાઉન્ટ સીઝ કરાવી દીધું હતું.

પ્રતીકાત્મક તસ્વીર

પોલીસની પ્રાથમિક તપાસમાં જે હકીકત બહાર આવી છે તે મુજબ આરોપી જીતેન્દ્ર ઉર્ફે જીતુ સચિન પટેલ સ્માર્ટ ઇન્ડિયા કોન્ટ્રાક્ટ પ્રાઈવેટ લિમિટેડ નામની કંપની ખોલી અને આ કંપનીમાં ઈલેક્ટ્રીક બાઈક અને મોબાઇલના બુકિંગના નામે વિવિધ આકર્ષક અને લોભામણી સ્કીમો ચલાવતો હતો અને રોકાણકારો પાસે આ સ્કીમમાં રોકાણ કરાવી અને તેના બદલામાં ઊંચું કમિશન આપવાની લાલચ આપતો હતો.

પ્રતીકાત્મક તસ્વીર

આ સ્કીમમાં સભ્ય બનનાર રોકાણકાર 1,700 રૂપિયા ભરી અને સભ્ય બની શકતો હતો અને ત્યારબાદ નવા બનેલા સભ્યો અન્ય લોકોને પણ સભ્ય બનાવી અને રોકાણ કરાવતા હતા. આ રીતે રોકાણ કરવાની અને કમીશન આપવાની ચેઈન ચલાવતા હતા અને ત્યારબાદ તેમની સાથે છેતરપિંડી કરતા હોવાનું મનાઈ રહ્યું છે.

પ્રતીકાત્મક તસ્વીર

પોલીસની પ્રાથમિક તપાસમાં અત્યાર સુધી ભેજાબાજ આરોપીએ જુદી જુદી સ્કીમો હેઠળ આ વિસ્તારના 40 હજારથી વધુ લોકોને સભ્યો બનાવી અને તેમને ઊંચું કમિશન આપવાની લાલચ આપી અને રોકાણ કરાવ્યું હોવાનું બહાર આવ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જે આંકડો બહાર આવ્યો છે તે મુજબ આ ભેજાબાજ આરોપીએ કંપની ખોલી હજારો રોકાણકારો પાસેથી રૂપિયા 6 કરોડથી વધુનું રોકાણ કરાવ્યું છે. જોકે, આથી આગામી સમયમાં આરોપીની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતાઓ જોવાઈ પણ રહી છે.

 

 

From – Banaskantha Update


Share