ડીસામાં સરકારી નોકરીઓનો ક્રેઝ વધતાં વહેલી સવારે મેદાનમાં યુવક-યુવતીઓ દોડ લગાવી રહ્યા છે

Share

કહેવત છે કે, ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર અને નીચ નોકરી માનવામાં આવે છે. પરંતુ આજે સ્થિતિ બદલાઇ ચૂકી છે અને આજની યુવા પેઢી નોકરી પાછળ ઘેલી જોવા મળી રહી છે અને તેનું ઉદાહરણ અત્યારે પોલીસની બહાર પડેલી ભરતીને લઇ જોવા મળી રહી છે.

 

 

 

આજની યુવા પેઢી માટે રોજગાર એટલે માત્ર સરકારી નોકરી જ માનવામાં આવે છે અને તેના લીધે જ ભારતમાં નોકરી પાછળ યુવાઓમાં ઘેલું જોવા મળી રહ્યું છે. આજના સમયમાં લોક રક્ષક દળ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ભરતી બહાર પડી છે અને તેને લઇ વહેલી સવારના સૂરજ બાદમાં ઉગે છે પરંતુ ભરતીની તૈયારી કરતાં યુવાનો મેદાનમાં પહેલાં પહોંચી જાય છે અને ભરતી માટે શારીરિક કસોટી પાસ કરવા માટે ફૂલગુલાબી ઠંડીમાં પણ પરસેવો પાડી રહ્યા છે.

 

 

 

હજારોની સંખ્યામાં યુવાનો અને યુવતીઓ મેદાનમાં દોડ લગાવી રહી છે. લગભગ પાંચ કિલોમીટરની દોડ આ યુવાનો અને યુવતીઓ 20 મિનિટ કરતાં પણ ઓછા સમયમાં પૂરી કરી રહ્યા છે અને વિવિધ શારીરિક વ્યાયામ કરી રહ્યા છે. વહેલી સવારના મજબૂત મનોબળ સાથે આ યુવક-યુવતીઓ આવીને શારીરિક કસોટીની તૈયારીમાં મગ્ન જોવા મળી રહ્યા છે અને શારીરિક કસોટી પાસ કરવાનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે.

 

 

 

 

આટલી મોટી સંખ્યામાં યુવક અને યુવતીઓ સરકારી નોકરી મેળવવા માટે પરસેવો પાડી રહ્યા છે. એટલે સ્વભાવિક રીતે સમજી શકાય છે કે, આજની યુવા પેઢીમાં સરકારી નોકરીનો ક્રેઝ કેટલો છે. ત્યારે અમારી ટીમે આજની પેઢીમાં યુવક-યુવતીઓ સરકારી નોકરી પાછળ કેમ આટલી ઘેલી બનેલી છે તે અંગે જાણવાનો પણ પ્રયાસ કર્યો હતો. ત્યારે એલ.આર.ડી. અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ભરતીની તૈયાર કરતાં યુવકો જણાવી રહ્યા છે કે, સરકારી નોકરીમાં તેમનું ભવિષ્ય સુરક્ષિત લાગવા ઉપરાંત સરકારી નોકરીમાં માન અને સન્માન મળે છે અને સમાજમાં સરકારી નોકરી કરનાર વ્યક્તિને સન્માનથી જોવામાં આવે છે અને એટલાં જ માટે તેઓ સરકારી નોકરી પ્રત્યે આકર્ષાઇ રહ્યા છે.

 

 

 

આજની યુવા પેઢી જે રીતે સરકારી નોકરી પાછળ ઘેલી બનેલી છે તેના લીધે ચોક્કસ બેરોજગારી દર પણ વધતો જઇ રહ્યો છે અને યુવા પેઢીમાં સરકારી નોકરી ધરાવતાં લોકોને સમાજમાં માન અને સન્માન મળતું હોવાની માનસિકતા ઘર કરી ગઇ છે તે પણ બદલવી જરૂરી છે. કારણ કે, સરકારી નોકરી માટે મર્યાદીત બેઠકો હોય છે અને ઉમેદવારોની સંખ્યા ખૂબ જ વધારે હોય છે. ત્યારે આપણી યુવા પેઢીને નોકરી સિવાય વેપાર-ધંધા પ્રત્યે પણ જાગૃત કરવા જોઇએ. તો જ દેશમા બેરોજગારી ઘટાડી શકાશે અને યુવાનોને રોજગારીનો સાચો અર્થ સમજાવી શકશે.

 

From – Banaskantha Update

 


Share