બનાસકાંઠામાં કમોસમી વરસાદથી દાડમના પાકને નુકશાનથી સરકાર ટેકાના ભાવે ખરીદી કરે તેવી ખેડૂતોની માંગ

Share

બનાસકાંઠા જીલ્લામાં આ વખતે વારંવાર કમોસમી માવઠું અને વાદળછાયું વાતાવરણ રહેવાના કારણે દાડમના પાકને પણ મોટું નુકશાન થયું છે.

દાડમમાં સડાના કારણે તેના ભાવ ગગડી જતાં ખેડૂતોને મોટું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે હવે સરકાર અન્ય પાકની જેમ દાડમની પણ ટેકાના ભાવે ખરીદી કરે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.

 

રણની કાંધીએ અડીને આવેલા બનાસકાંઠાના જીલ્લાના સરહદી વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી દાડમની મોટાપાયે ખેતી થાય છે.

 

 

ત્યારે ડીસા તાલુકાના કંસારીમાં પણ છેલ્લા ત્રણ-ચાર વર્ષથી દાડમની ખેતી કરતાં ખેડૂતો વારંવાર નુકશાન વેઠી રહ્યા છે. આ વર્ષે પણ શિયાળાની શરૂઆત સાથે જ વારંવાર કમોસમી માવઠું અને વાતાવરણ ખરાબ રહેતાં દાડમમાં રોગ આવી ગયો છે.

 

ફ્રૂટ રોગ એટલે કે, દાડમમાં સડો લાગી જતાં 80 ટકા દાડમ ખરાબ થઇ ગયા છે. આ રોગમાં છોડ પર જ દાડમના ફળમાં કાળી ટપકી પડવા લાગે છે અને પછી ધીમે ધીમે આખું ફળ સડીને પડી જાય છે.

ખરાબ ફળના ભાવો પણ પૂરતાં ન મળતાં ખેડૂતો મોટું નુકશાન વેઠી રહ્યા છે. પહેલાં જે દાડમ રૂ. 100 પ્રતિ કિલો હોલસેલ માર્કેટમાં વેચાતાં હતા. તે હવે માત્ર રૂ. 30 થી 40 કિલો છે. જેથી ખેડૂતોને પડતર ભાવ પણ મળતાં નથી.

 

ફળમાં સડો લાગી જતાં ખેડૂતોને દાડમના પૂરતાં ભાવ મળતાં નથી. આ વખતે મબલખ ઉત્પાદનથી માર્કેટયાડમાં દાડમની આવકથી ઉભરાઇ રહ્યો છે.

જ્યાં જુઓ ત્યાં માત્ર દાડમ દાડમ દેખાઇ રહ્યા છે. પરંતુ પૂરતાં ઉત્પાદનની સામે ખેડૂતોને પૂરતાં ભાવ મળતાં નથી. જેથી ખેડૂતોને નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે. ત્યારે હવે સરકાર બાગાયતી પાકને પ્રોત્સાહન આપવા માંગે છે. તેવામાં દાડમની પણ ટેકાના ભાવે ખરીદી કરે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.

 

From – Banaskantha Update


Share