ઓઢવામાં 39 શૌચાલય ન બનાવી રૂ. 4.44 લાખની બે કોન્ટ્રાક્ટરોએ ગેરરીતી આચરતાં ખળભળાટ

Share

 

ડીસા તાલુકાના ઓઢવા ગામમાં સરકારના સ્વચ્છ ભારત ગ્રામિણ યોજના હેઠળ ફાળવેલા શૌચાલયો ઓછા બનાવી રૂ. 4.44 લાખનું કૌભાંડ બહાર આવ્યું છે. આ અંગે પાલનપુર અને ભીલડીના બે કોન્ટ્રાક્ટરો સામે ડીસા તાલુકા વિકાસ અધિકારીએ ફરિયાદ નોંધાવતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના ઓઢવા ગામમાં સરકારની સ્વચ્છ ભારત મિશન ગ્રામિણ યોજના હેઠળ વર્ષ-2017-18 દરમિયાન 640 શૌચાલયો મંજૂર થયા હતા. જેનું બાંધકામ તત્કાલીન તાલુકા વિકાસ અધિકારીએ પાલનપુરની શિવ સખી મંડળના કોન્ટ્રાક્ટર પ્રકાશભાઇ કે. પટેલ અને ભીલડીના સાક્ષી સખી મંડળના કોન્ટ્રાક્ટર મહેશવન શાંતિવન વૈરાગી સાથે એમ. ઓ. યુ. કર્યાં હતા.

 

 

જો કે, પ્રકાશ પટેલે 509 શૌચાલય બનાવ્યા હતા. 23 શૌચાલયો ન બનાવી રૂ. 2,62,200 ના ખોટા બીલો રજૂ કરી નાણાં મેળવ્યા હતા.જ્યારે મહેશવને 53 શૌચાયલ બનાવ્યા હતા. 16 શૌચાલય ન બનાવી રૂ. 1,82,400 ના ખોટા બીલ મૂકી નાણાં મેળવી લીધા હતા.

 

 

આમ કુલ 640 શૌચાલયો બનાવ્યા હોવાનું જણાવી રૂ. 4,44,600 ના ખોટા બીલો રજૂ કરી સરકાર સાથે છેતરપિંડી આચરી હતી. આ અંગે ડીસા તાલુકા વિકાસ અધિકારી પાલનપુર સૂર્યનગરમાં રહેતાં ભૂપેન્દ્રભાઇ ધુડાભાઇ સોલંકીએ ભીલડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે બંને સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share