પાલનપુરમાં બનશે થ્રીલેયર બ્રીજ : અંડરપાસ સાથેના ઓવરબ્રિજના 139 કરોડની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ

Share

પાલનપુર શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી એરોમા સર્કલ ટ્રાફિકને લઇ લોકોમાં ભારે અસંતોષ હતો તેવામાં હંગામી ઉકેલ લાવવા માટે વહીવટી તંત્ર દ્વારા જુદા-જુદા પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા તેવામાં હવે સરકારે કાયમી ઉકેલના ભાગરૂપે ઓવરબ્રિજ માટેની રિવાઇઝ્ડ દરખાસ્ત જે અગાઉ રાજ્ય સરકારમાં પેન્ડિંગ હતી તેને મંજૂરીની મહોર મારી દીધી છે અને બે-ચાર દિવસમાં તેને સૈદ્ધાંતિક મંજૂરી આપ્યાનું વિધિસર જાહેર કરાશે.

 

સોમવારે શહેરના આગેવાનો સાથે રાજ્ય સરકારના મંત્રી પૂર્ણેશ મોદીએ બેઠક કરી રિવાઇઝ દરખાસ્ત અંગે ડિઝાઇન બતાવી હતી અને ડિઝાઇનમાં દર્શાવ્યા મુજબ ડીસા હાઈવેથી આબુ તરફ હાલ જે રીતે વાહન વ્યવહાર ચાલી રહ્યો છે તે રીતે જ્યારે આબુ હાઇવેથી ડીસા તરફ જવા માટે હનુમાન ટેકરીથી બ્રિજ શરૂ થશે જે ડીસા હાઈવે પર નીચે ઉતરશે. જ્યારે અમદાવાદથી આબુ હાઇવેનો માર્ગ સીધો પહોળો અંડરપાસ બનશે.

નવા એરોમાં સર્કલની સંભવિત ડિઝાઇન

આ અંગે જશવંતસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે “અમને માર્ગ અને મકાન વિભાગના મંત્રીએ રૂબરૂ બોલાવતા જુદા જુદા પ્રતિનિધિઓ સમક્ષ ઓવરબ્રિજ અંગેની ડિઝાઇન બતાવી હતી જે માટે અમો પહેલેથી જ શહેરીજનોને અન્યાય ન થાય તે માટે પ્રાઇવેટ એન્જિનિયર સાથે લઈને ગયા હતા અને ડિઝાઈન જોઈને જો આ પ્રકારની ડિઝાઈનથી વાહન વ્યવહારમાં સરળતા રહેતી હોય તો અમને વાંધો નથી તેમ જણાવ્યું હતું.” સિવિલ સોસાયટીના પ્રતિનિધિ શૈલેષભાઈ જોષીએ જણાવ્યું હતું કે “અગાઉ 100 કરોડ બ્રિજ માટે મંજુર થયા હતા પરંતુ વધારાની ગ્રાન્ટ માટે 28 જુલાઈ 2020ના રોજ સરકારમાં 139 કરોડની રિવાઇઝ દરખાસ્ત મોકલી હતી. જેની પર ફાઇનલ મોહર લાગી હતી.

 

જ્યારે આગામી 20 વર્ષના ટ્રાફિકના ભારણને ધ્યાનમાં રાખી 380 કરોડના ખર્ચે સોનગઢથી જગાણા 24 કિલોમીટર લંબાઇ ધરાવતા ચાર માર્ગીય બાયપાસ માટે રજૂઆત કરાઇ હતી જે દરખાસ્ત પણ સરકારમાં પેન્ડિંગ છે.” હાલમાં જે નવા બ્રિજ અંગેની ડિઝાઇન જોઈ છે એ મુજબ કેટલીક જમીન હાઇવે પર સંપાદિત કરવાની થાય છે. હાલમાં જ બેન્ક અને મોટા શોપિંગ આગળ વાહન પાર્કિંગના પ્રશ્નો છે તેવામાં લાંબા ગાળાનું આયોજન હોવા છતાં હાઇવે પર હયાત જગ્યા પણ જો લઈ લેવામાં આવશે તો વાહનો પાર્કિંગ ક્યાં કરવા પડે?”

 

ગાંધીનગર ગયેલા આગેવાનોને એરોમા સર્કલ પરના નવીન ઓવરબ્રિજ અંગેની ડિઝાઇન બતાવાઈ હતી જે ડિઝાઇન આઠ મહિના અગાઉ પાલનપુર માર્ગ અને મકાન વિભાગના અધિકારી દ્વારા તૈયાર કરવામાં આવી હતી પરંતુ જમીન સંપાદનની કામગીરીને લઇ તેની ઉપર ભારે સસ્પેન્સ રાખવામાં આવી રહ્યું હતું. જોકે હવે ડિઝાઇન જાહેર થયા બાદ કોની કોની કેટલી જગ્યા કપાય છે તેને લઈ વેપારીઓમાં ચર્ચા જાગી છે.

 

“હાલમાં પાલનપુર શહેરમાં સરેરાશ 24 કલાકમાં 16થી 18 હજાર નાના મોટા વાહનો અવરજવર કરે છે. જેમાં 7-8 હજાર ભારે વાહનો છે. જેથી શકયતા છેકે ચાર રસ્તા પર બ્રિજના નિર્માણ કાર્યમા ભારે અડચણો આવી શકે અને હાલની સ્થિતિએ ટ્રાફિક જામ રહે છે. તેવામાં નિર્માણ કરી વખતે ભારે વાહનો ડાયવર્ટ કરાય તો જ કામ થઈ શકશે.- સ્થાનિક રહીશ પાલનપુર

 

આ જગ્યા કપાઈ જવાની શક્યતા

સર્કિટ હાઉસનું અડધું પાર્કિંગ અને અડધો બગીચો,
વીજ કચેરીનું પાર્કિંગનો કેટલોક ભાગ અને બગીચો,
કે.કે.ગોઠી સ્કૂલનો આગળનો ભાગ,
એરોમાં સર્કલથી હનુમાન ટેકરી સુધીના તમામ ખાનગી શોપિંગના પાર્કિંગની અડધી જગ્યા
હાલ પાલનપુર શહેરમાં આ જગ્યાએ ઓવર બ્રિજ બની રહ્યા છે
ડીસા હાઈવે પર ડીએફસીસી ટ્રેકમાટે
આબુ હાઈવે પર ડીએફસીસી ટ્રેકમાટે
આરટીઓ રેલવે ફાટક પર ડીએફસીસી ટ્રેકમાટે
જગાણાં માર્ગ પર ગોબરી તળાવ ફાટક પર ડીએફસીસી ટ્રેકમાટે

 

 

From – Banaskantha Update


Share