પાલનપુરના ફતેપુરમાં છેલ્લા 45 વર્ષથી ચૂંટણી જ થતી નથી : જેથી ગામમાં છેલ્લા 45 વર્ષથી સમરસ બની અન્ય ગામો માટે પ્રેરણારૂપ બન્યું છે

Share

ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઇને ગામડાઓનું રાજકારણ ગરમાયું છે. સરપંચ પદ મેળવવા માટે ગામડાઓમાં રસાકસી જામી છે. ત્યારે બીજી તરફ પાલનપુર તાલુકાનું ફતેપુર ગામમાં છેલ્લા 45 વર્ષથી ચૂંટણી જ થતી નથી. જેથી ફતેપુર ગામ છેલ્લા 45 વર્ષથી સમરસ બની અન્ય ગામો માટે પ્રેરણારૂપ બન્યું છે.

 

 

ગ્રામ પંચાયતની ચૂંટણીના માહોલ વચ્ચે પાલનપુરના ફતેપુર ગામમાં આજે પણ ચૂંટણીનો માહોલ જોવા મળતો નથી. આઝાદીના થોડા વર્ષો બાદથી આ ગામમાં ચૂંટણી જ યોજાઈ નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્રામ પંચાયતો સમરસ બને તેવું આહવાહન કર્યું એ પહેલાંથી જ આ ગામ એકતાનું પ્રતીક બન્યું હતું. ફતેપુર ગામે સમરસ પંચાયતોનું આજદિન સુધી પાલન કર્યું છે. ગામમાં છેલ્લા 45 વર્ષથી ચૂંટણી થઈ નથી. ચૂંટણી આવે ત્યારે ગામલોકો ભેગા મળી ગામને સમરસ જાહેર કરે છે.

 

સમરસ ગામને લઇને ગામમાં પાકાં રોડ, ગટર લાઇન તેમજ પીવાના પાણી સહીતની વ્યવસ્થા સરપંચ સહીત ગ્રામજનોએ ભેગા મળીને એકસંપ થઈને કરી છે. આજદિન સુધી સમરસ ગ્રામ પંચાયત હોવાથી સરકાર દ્વારા આપવામાં આવતી ગ્રાન્ટોથી ગામના વિકાસમાં વધારો થયો છે. ત્યારે આ વખતે પણ ફતેપુર ગામે ચૂંટણીને લઇને ગામના વડીલો-યુવાનોની મિટિંગ યોજાઇ હતી. જેમાં વડીલોના પ્રયત્નોને યુવાનોએ વધાવી લઇ તમામ સમાજના લોકોએ ભેગા મળી ગ્રામ પંચાયતને સમરસ કરતાં ગામમાં ખુશી જોવા મળી હતી.

 

ફતેપુર ગામ શિક્ષિત ગામ છે. ગામમાં 35થી વધારે યુવાનો પોલીસ તેમજ ભારતીય સેના સાથે જોડાયેલા છે. ગામના તમામ સમાજના લોકો સરકારી નોકરીઓમાં ફરજ બજાવી રહ્યા છે. તો પશુપાલન કરીને પણ ગામના લોકોએ સારી પ્રગતિ કરી છે. ત્યારે શિક્ષિત લોકોના કારણે પણ ગ્રામ પંચાયતના સમરસ બનવામાં મહત્વનો ફાળો રહ્યો છે.

 

જીલ્લામાં 588 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરપંચ પદ માટે 3 હજાર 550 ફોર્મ ભરાયા છે. તો સભ્ય પદ માટે 9 હજાર 809 ફોર્મ ભરાયા છે. નોંધનીય છે કે 45 વર્ષથી આ ગામના યુવાનોએ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વોટિંગ પણ નથી કર્યું. ફતેપુર ગામની સમરસ ગ્રામ પંચાયત વિકાસના કામોમાં અગ્રેસર રહી છે.

 

 

ગામમાં પાકા રોડ, આર.સી.સી રોડ, પેવર બ્લોક, સ્ટ્રીટ લાઈટ, પીવાના પાણી અને ગટરની વ્યવસ્થા સહીતની પ્રાથમિક સુવિધા જોવા મળી રહી છે. અંદાજે 3 હજારની વસ્તી ધરાવતા ફતેપુર ગામમાં 2 હજારથી વધુ મતદારો છે. તમામ સવલતોથી સજ્જ ફતેપુર ગામ આ વર્ષે પણ સમરસ બન્યું છે. જેના સરપંચ તરીકે આ વખતે ગામના ચમન સિંહ પર પસંદગીને કળશ ઢોળવામાં આવ્યો હતો.

 

From – Banaskantha Update


Share