ડીસામાં હવામાં ઉડવા વાળા વરરાજાને હેલિકોપ્ટરમાં આવું પડ્યું ભારી : ઠગને પોલીસે છેતરપીંડીના ગુનામાં ઝડપી પાડ્યો

Share

ડીસામાં તાજેતરમાં એક વરરાજા ઠાઠ પાડવા માટે હેલિકોપ્ટર લઇને જાન લઇને ડીસાના એક ખાનગી પાર્ટી પ્લોટમાં આવ્યો હતો. પરંતુ ઠાઠ પાડવી વરરાજાને જ ભરી પડી ગઈ. હેલિકોપ્ટરમાં જાન લઈને આવનાર વરરાજા આ હેલિકોપ્ટરના કારણે જ મુસીબતમાં મુકાયો છે. અસલમાં વરરાજા સામે ઠગાઈના આરોપ છે અને ઘણા સમયથી ફરાર છે. પરંતુ શાહી ઢબે લગ્ન કરવાના કારણે સોશિયલ મીડિયા પર ઘટના વાઈરલ થઈ ગઈ અને તેને પકડી લેવાયો છે.

સુરેન્દ્ર રાઠોડ નામના આ શખ્સ સામે આરોપ છે કે તેણે રાજસ્થાનના બાંસવાડા ગામના એક શખ્સ પાસેથી હોટલ લીઝ પર અપાવવાના બદલે 74 લાખની રકમ પડાવી હતી. પરંતુ આ રકમ પાછી ન આપતા બાંસવાડાના જયંત પંચાલ નામના શખ્સે રાજસ્થાનના અરથુના પોલીસ મથકમાં 19 ફેબ્રુઆરી 2020ના રોજ ફરિયાદ નોંધાવી હતી.

 

હેલિકોપ્ટર લઈને પરણવા આવેલો સુરેન્દ્ર રાઠોડ અત્યાર સુધી ફરાર હતો. પરંતુ હેલિકોપ્ટરના વીડિયો વાઈરલ થતા પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી છે.

જાણો શું છે પૂરી ઘટનાઃ

16 નવેમ્બરે ડીસા ખાતેના એક ખાનગી પાર્ટી પ્લોટમાં આબુરોડથી હેલિકોપ્ટર લઈને સુરેન્દ્ર રાઠોડ નામનો શખ્સ પરણવા આવ્યો હતો. સુરેન્દ્ર રાઠોડના લગ્ન ડીસાની હની પઢિયાર સાથે નક્કી થયા હતા. કહેવામાં આવે છે કે લગ્ન પહેલાથી હનીએ સુરેન્દ્રને હેલિકોપ્ટર લઈને પરણવા આવવાની હઠ પકડી હતી અને પોતાની પત્નીની જિદ પૂરી કરવા માટે સુરેન્દ્ર રાઠોડ હેલિકોપ્ટરમાં પરણવા ડીસા પહોંચ્યો હતો. 20 લાખનો ખર્ચો કરી હેલિકોપ્ટર ભાડે કરી ડીસાની અંતરા હોટલના ગ્રાઉન્ડમાં હેલિકોપ્ટરનું લેન્ડિંગ કરાયું હતું.

 

આ ઘટના સોસિયલ મીડિયામાં ચમકી હતી અને પોલીસ સુધી પહોંચી હતી. ત્યારબાદ રાજસ્થાન પોલીસે તપાસ કરી તો સુરેન્દ્ર રાઠોડ છેતરપિંડીના ગુનાનો આરોપી હોવાનું બહાર આવ્યું હતું. સુરેન્દ્ર રાઠોડ પરણીને પરત ઘરે પહોંચતા જ પોલીસે તેની અટકાયત કરી લીધી હતી.

કેવી રીતે કરી હતી છેતરપિંડી?

રાઠોડે ચાર વર્ષ પહેલા રાજસ્થાનના બાંસવાડાના અરથુના ગામના જયંત પંચાલને થાઈલેન્ડમાં હોટલમાં ભાગીદારી કરવાની ઓફર કરી હતી. હોટલમાં ભાગીદારી અપાવવાના નામ પર 74 લાખ રૂપિયાની વાત કરી હતી. બદલામાં દર મહિને 10 લાખ રૂપિયા નફો કમાવવાની લાલચ આપી હતી.

આ ઉપરાંત જયંત થાઈલેન્ડ ન રહે તો તે પોતે થાઈલેન્ડમાં રહીને હોટેલ સંભાળશે અને દર મહિને 6 લાખ રૂપિયાનું વળતર જયંત પંચાલને ચૂકવશે તેવી ખાતરી આપી હતી. પરંતુ જયંત પાસે આટલી મોટી રકમ ન હોવાથી જયંત પંચાલે દિલિપ નામના એક વ્યક્તિને ભાગીદાર બનાવીને હોટલ માટેના નાણાં સુરેન્દ્રના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. બાદમાં સુરેન્દ્રએ થાઈલેંડ પહોંચીને કરાર તૈયાર કરાવ્યો જેમાં જયંતને તેની સાથે ઠગાઇ થઇ હોવાની આશંકા થઈ હતી. આ એગ્રીમેન્ટ ખોટો હોવાથી સુરેન્દ્ર સામે ફરિયાદ થઈ હતી. ત્યારથી તે ફરાર હતો.

 

ડીસામાં લગ્ન પ્રસંગ પછી પોલીસે તાત્કાલિક સુરેન્દ્ર રાઠોડના આબુરોડ નજીક આવેલા લૂણીયાપૂરા ગામ પહોંચી સુરેન્દ્રને પકડ્યો હતો. પોલીસે સુરેન્દ્રને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવ્યા હતા અને છેતરપિંડીની રકમ ક્યાં ગઈ તેની પૂછપરછ કરતાં સુરેન્દ્રએ પોલીસને જણાવ્યુ હતું કે, કેટલીક રકમ લગ્નમાં ખર્ચ કરી દીધી હતી અને કેટલીક રકમ શોખમોજ પાછળ ખર્ચી કાઢી હતી. રકમનો કેટલોક હિસ્સો તેણે પોતાના પિતાને આપ્યો હતો. આ દરમિયાન સુરેન્દ્રના પિતા રમેશભાઈ રાઠોડ ફરાર થઈ ગયા છે.

 

 

From – Banaskantha Update


Share