દુકાનના સંચાલક પાસેથી રૂા. 10 હજારની લાંચ લેતાં રંગેહાથ નાયબ મામલતદાર ઝડપાયો
સસ્તા અનાજની દુકાનના ઓડીટમાં ખામી ન કાઢવા માટે લાંચ માંગવાનો આક્ષેપ.
બનાસકાંઠા જીલ્લામાં ગુરૂવારે વધુ એક અધિકારી એ.સી.બી.ના છટકામાં રંગેહાથ ઝડપાયો હતો. જેમાં દિયોદરમાં નાયબ મામલતદાર પી.આર.ઠાકોરે એક સસ્તા અનાજની દુકાનના ઓડીટમાં ખામી નહીં કાઢવા અને અન્ય કોઇ રીતે હેરાન નહીં કરવા માટે સંચાલક પાસે રૂા. 10 હજારની માંગણી કર્યાંનો તેમની સામે આક્ષેપ છે. જ્યાં ગુરૂવારે તે દુકાનદાર પાસેથી રૂા. 10 હજારની લાંચ લેતા રંગેહાથે ઝડપાયો હતો. જ્યારે બે દિવસ અગાઉ જ આ અધિકારી તેમની ટીમ સાથે તપાસ કરતાં દિયોદર જી.આઇ.ડી.સી.માંથી સરકારી અનાજના જથ્થા અને ટ્રક સાથે કુલ રૂા. 8.64 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો હતો.
[google_ad]
આ અંગેની વિગત એવી છે કે, દિયોદરના નાયબ મામલતદાર રૂા. 10 હજારની લાંચ લેતાં રંગેહાથ ઝડપાયો હોવાની ઘટના સામે આવી છે. એક સસ્તા અનાજની દુકાનના ઓડીટમાં કોઇ જ ખામી નહીં કાઢવાની અને કોઇપણ રીતે દુકાનદારને હેરાન નહીં કરવા માટે નાયબ મામલતદાર પી.આર.ઠાકોરે દુકાનદાર પાસેથી રૂા. 10 હજારની માંગણી કરી હતી.

[google_ad]
આ રકમ દુકાનદાર આપવા માંગતા ન હોવાથી તેમણે એ.સી.બી.માં ફરિયાદ કરી હતી. જેથી ગુરૂવારે એ.સી.બી.ની ટીમે ગોઠવેલા છટકા મુજબ દુકાનદાર મામલતદાર કચેરી ખાતે નાયબ મામલતદારને લાંચ આપવા માટે આવ્યો હતો. જ્યાં નાયબ મામલતદાર પી.આર.ઠાકોરને આ સંચાલક પાસેથી રૂા. 10 હજારની લાંચ લેતાં એ.સી.બી.ની ટીમે રંગેહાથ ઝડપી પાડ્યો હતો. મામલતદાર કચેરીની અંદર જ નાયબ મામલતદાર લાંચ લેતાં રંગેહાથ એ.સી.બી.ના છટકામાં ઝડપાઇ જતાં સમગ્ર કચેરીમાં હડકંપ મચી ગયો હતો.

[google_ad]
જોકે, આ અધિકારી મામલતદાર અને તેમની ટીમ દ્વારા દિયોદર જી.આઇ.ડી.સી.માં ખાનગી ગોડાઉનમાંથી રેશનીંગના ઘઉં અને ચોખાના જથ્થો પુરવઠા વિભાગે ઝડપી પાડ્યો હતો. જેમાં સરકારી અનાજનો જથ્થો અને ટ્રક સાથે કુલ રૂા. 8.64 લાખનો મુદ્દામાલ સીઝ કરી વધુ તપાસ હાથ ધરી છે. બે દિવસ પહેલાં રાત્રિ દરમિયાન દિયોદર જી.આઇ.ડી.સી.માં ખાનગી ગોડાઉનમાં રેશનીંગના ઘઉં અને ચોખાનો જથ્થો પડ્યો હોવાની બાતમી જીલ્લા પુરવઠા અધિકારીઓને મળતાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી અને જી.આઇ.ડી.સી.ના પ્લોટ નં. 50માં આવેલા ખાનગી ગોડાઉનમાં સસ્તા અનાજની દુકાનના ઘઉં અને ચોખાના 696 જેટલાં કટ્ટાઓ મળી આવ્યા હતા અને આ જથ્થા અંગેના ગોડાઉન સંચાલક પાસે કોઇ જ આધાર પૂરાવા ન હોઇ પુરવઠાની ટીમે ટ્રક સહીત રૂા. 8.64 લાખનો જથ્થો સીઝ કર્યો હતો.
[google_ad]
આ અંગે બે દિવસ પહેલાંની ઘટના સમયે દિયોદર પુરવઠા અધિકારી પી.આર.ઠાકોરે જણાવ્યું હતું કે, ‘પોલીસને સાથે રાખી ગોડાઉનની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ઘઉં અને ચોખાનો જથ્થો મળી આવતાં જે જથ્થાની ખરીદી અંગેના બીલો માંગતાં બીલો રજૂ ન કરતાં હોવાથી ઘઉંના કટ્ટા 318 જેની કિંમત રૂા. 3,18,000 અને ચોખાના કટ્ટા 378 જેની કિંમત રૂા. 3,96,000 અને ગોડાઉન એક ટ્રક અંદર પડેલું હતું જેની કિંમત રૂા. 1,50,000 આમ કુલ કિંમત રૂા. 8,64,900નો માલ અને ટ્રક સીઝ કરાયું છે. ગોડાઉનને પણ સીલ મારવામાં આવ્યો છે. જ્યારે પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.’
From – Banaskantha Update