સીપુ ડેમમાં પાણીનો જથ્થો ઘટતાં ધાનેરા અને દાંતીવાડાના 57 ગામોને પાણી નહીં મળે તો સંકટમાં મૂકાશે

Share

 

 

બનાસકાંઠા જીલ્લામાં નહીવત વરસાદને લઇ સીપુ ડેમ ખાલી થઇ ગયો છે. જેને લઇ ધાનેરા અને દાંતીવાડાના 57 ગામોમાં સીપુ ડેમના આરક્ષિત જથ્થામાંથી અપાતું પાણી બંધ કરાયું છે. જેથી ગ્રામજનો પાણી વિના તોબા પોકારી ગયા છે. સમસ્યાના હલ માટે પાણી પુરવઠા દ્વારા ટેન્કરો મારફત પાણી પહોંચાડાય છે. દાંતીવાડા તાલુકાના સીપુ ડેમમાં ચાલુ વર્ષે ઉપરવાસમાં અને સ્થાનિક વિસ્તારમાં વરસાદ ન વરસતાં ડેમમાં પાણીની આવક ન નોંધાતા ડેમના તળીયા ઝાટક જ રહ્યો હતો.

 

 

પાણી પુરવઠા નિગમ દ્વારા પણ સીપુ ડેમ આધારીત 57 ગામમાં પીવાનું પાણી મળી રહે તે માટે નરભેનાથ મંદિર નજીક રહેલા પીવાના પાણીનો આરક્ષિત જથ્થો હતો તેનો યેન કેન પ્રકારથી ઉપયોગ કરી પીવાનું પાણી પુરૂ પાડતાં હતા તે પાણી પણ હવે પુરૂ થતાં પીવાના પાણીનો સપ્લાય બંધ થતાં પંથકમાં પાણીની અછત સર્જાઇ છે. 57 ગામના લોકોને પીવાના પાણીની સમસ્યા ન સર્જાય તે માટે જ્યાં પાણીના બોરવેલ નથી ત્યાં ટેન્કરો મારફતે પાણી પહોંચાડવામાં આવે છે.

 

પાણી પુરવઠા દ્વારા જે ગામમાં બોર બનાવ્યા છે તેવા 10 બોર કાર્યરત કરવા માટે પ્રોસેસ ચાલુ કરી છે અને નવિન 10 બોર પણ જે ગામમાં જરૂરીયાત છે ત્યાં બનાવાશે. વળી પાણી પુરવઠા દ્વારા જે ગામમાં નાગરીક કે પંચાયત સ્વૈચ્છાએ પોતાની માલિકીનો બોર વપરાશ માટે આપે છે તે જગ્યાએ પાઇપલાઇન ગોઠવી પાણીનો ઉપયોગ છે તે સાતરવાડા, નાની મહુડી અને ભાટરામ જેવી જગ્યા પર ટૂંક સમયમાં ચાલુ કરાશે.

 

પાણી પુરવઠા દ્વારા 57 ગામના લોકોને પાણીની અછત ન સર્જાય તે માટે દાંતીવાડા ડેમથી રૂ. 22 કરોડના ખર્ચથી પાંથાવાડા સીપુ હેન્ડ વર્ક સુધી પાઇપલાઇન મારફતે દાંતીવાડા ડેમનું પાણી લાવવાની કામગીરી યુધ્ધના ધોરણે ચાલુ છે. પાણી પુરવઠા દ્વારા દાવો કરાઇ રહ્યો છે કે, આ કામ પછી કોઇ સમસ્યા નહીં રહે. પાઇપલાઇનની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી 57 ગામના લોકોને પીવાના પાણીની સમસ્યા ન સર્જાય તે માટે જ્યાં બોરવેલ નથી ત્યાં ટેન્કરો મારફતે પાણી પહોંચાડાય છે.

 

ધાનેરા તાલુકાના મોટી-નાની ડુગડોલ, રામપુરા, સીલાસણા, રામપુરા મોટા, જનાલી અને એઠાલ વગેરે ગામમાં પાણી પુરવઠાના પાણીના ટેન્કરો દ્વારા દરરોજના 15 થી વધુ ફેરા થઇ રહ્યા છે તો બીજી તરફ પાણી પુરવઠા દ્વારા જે ગામમાં બોર બનાવ્યા છે તેવા 10 બોર કાર્યરત કરવા માટે પ્રોસેસ ચાલુ કરી છે અને નવિન 10 બોર પણ જે ગામમાં જરૂરીયાત છે ત્યાં બનાવાશે.

 

From-Banaskantha update

 

 


Share