ડીસા-પાલનપુર હાઇવે પર 4 વાહનો વચ્ચે વિચિત્ર અકસ્માત, ત્રણ વાહનનો આગમાં બળીને ખાખ, બેનાં મોત

Share

બનાસકાંઠામાં ડીસા-પાલનપુર નેશનલ હાઇવે પર ભોયણ ગામના પાટીયા નજીક આજે સવારે ચાર વાહનો વચ્ચે થયેલા વિચિત્ર અકસ્માતમાં ત્રણ વાહનો ભડભડ સળગી ઉઠ્યા હતા અને આગમાં બળીને ખાખ થઇ ગયા. અકસ્માતમાં 2 ટ્રક વચ્ચે ફસાયેલી રીક્ષા પણ ભડભડ સળગી ગઇ હતી. અકસ્માતમાં રીક્ષામાં બેઠેલા એક મુસાફર જીવતો જ ભૂંજાયો હતો. જ્યારે એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આમ બનાવમાં કુલ બે લોકોના મોત નિપજ્યા છે.

 

[google_ad]

આ ગોઝારા અકસ્માતની વિગત એવી છે કે, ડીસા-પાલનપુર હાઇવે પર ભોયણ ગામના પાટીયા નજીક આજે શુક્રવારે સવારે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જેમાં ભોયણ ગામના પાટીયા નજીક હાઇવે પર ડીવાઇડર વચ્ચે પડેલા કટમાં એક ટ્રક વળાંક લેવા જતા તેની સાઇડમાં રીક્ષા ઉભી રહી ગઇ હતી. આ સમયે પાલનપુર તરફથી પથ્થર ભરીને આવતાં ટ્રેલરે બંને વાહનોને અડફેટે લેતાં બે વાહનો વચ્ચે રીક્ષા ચગદાઇ ગઇ હતી.

 

[google_ad]

જ્યારે ડીસાથી પાલનપુર તરફ જતી ઇકો કાર પણ ટ્રકને ધડાકાભેર અથડાઇ હતી. આ રીતે ચાર વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જોકે, બંને ટ્રકો વચ્ચે ફસાયેલી રીક્ષામાં અચાનક આગ લાગતાં ટ્રક, ટ્રેલર અને રીક્ષા ભડભડ સળગવા લાગ્યા હતા.

 

[google_ad]

આગ એટલી તીવ્ર હતી કે, ધૂમાડાના ગોટેગોટા ત્રણથી ચાર કિલોમીટર દૂર સુધી દેખાવા લાગ્યા હતા. રીક્ષામાં મુસાફરો બેઠેલા હોવાથી અને તેઓ બહાર ન નીકળી શકતા અફડા-તફડી સર્જાઇ હતી.

[google_ad]

ડીસા અને પાલનપુર નગરપાલિકાના ફાયર-ફાઇટર વિભાગને જાણ કરાતા બંને ફાયર-ફાઇટરો તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જ્યારે ડીસા તાલુકા પોલીસ, મામલતદાર સહીત અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જ્યારે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.

 

[google_ad]

ફાયર-ફાઇટરોએ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. જે બાદમાં ક્રેન દ્વારા ટ્રક, ટ્રેલર ખસેડાતા રિક્ષામાં બેઠેલો એક મુસાફર જીવતો ભૂંજાયો હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે ઇકો વાનમાં સવાર મુસાફરો પૈકી એક મુસાફરનું ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

[google_ad]

ચાર દિવસમાં પાંચ ગમખ્વાર અકસ્માતમાં બનાસકાંઠા જીલ્લામાં અકસ્માતોની વણઝાર હજુ યથાવત છે. ચાર દિવસમાં અલગ-અલગ પાંચ જગ્યાએ સર્જાયેલા અકસ્માતમાં કુલ નવ લોકોના કરૂણ મોત નિપજ્યા છે. અકસ્માતોને પગલે જીલ્લા ટ્રાફીક વિભાગની કામગીરી સામે પણ અનેક સવાલ થઇ ગયા છે. અકસ્માતને પગલે ટ્રાફીકજામના દ્રશ્યો સર્જાયા હતા.

મૃતકોના નામ
– નદીમભાઇ બીલાલભાઇ ચંદેલ (રહે. પૂરગ્રસ્ત કોલોની, ડીસા)
– સુરેશભાઇ શ્રવણજી ઠાકોર (ઉં.વ. આ. 15) (રહે. રસાણા નાના, તા. ડીસા)

ઇજાગ્રસ્તોના નામ
– તારાબેન સાજનભાઈ વણજારા
– ગૌતમ ફુલાજી વણજારા (ઉં.વ. આ. 11)
– મમતાબેન લાલુજી વણજારા (ઉં.વ. આ. 8)

(તમામ રહે. હાલ રહે. ઉંઝા, લાલ બહાદુર શાસ્ત્રીનગર સોસાયટી, વિસનગર ચોકડી, તા. ઉંઝા, જી. મહેસાણા) (મૂળ રહે. પાલનપુર સર્કીટ હાઉસની પાછળ, વણજારા ટેકરા, તા. પાલનપુર)

– ઇકો ગાડી નં. GJ-01-RK-6404
– રીક્ષા નં. GJ-08-AT-1799
– ખાલી ટ્રક નં. GJ-25-U-9441
– ટ્રક નં. RJ-09-GC-2614

 

 

From – Banaskantha Update


Share