પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજનામાં ગામોના વિકાસ માટે કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ

Share

બનાસકાંઠા જીલ્લાના ત્રણ ગામોને કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના હેઠળ પસંદગી કરવામાં આવ્યા છે. અનુસૂચિત જાતિની 50 ટકાથી વધુ વસ્તી ધરાવતા વડગામ તાલુકાના બાદરપુરા, વાવ તાલુકાના જોરડીયાલી અને થરાદ તાલુકાના ચુડમેર ગામમાં વિશેષ માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવી આ ગામોને આદર્શ ગ્રામ તરીકે વિકસાવવાની કામગીરી જીલ્લાની વિવિધ અમલીકરણ કચેરીઓ દ્વારા કરવામાં આવી રહી છે.

[google_ad]

પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજનામાં ગામોના વિકાસ અંગેની સમીક્ષા માટે પાલનપુર ખાતે કલેકટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને જીલ્લા કક્ષાની અનુસરણ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં આ ત્રણ ગામોમાં ચાલતા વિકાસ કામોની ચર્ચા કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજનામાં પસંદ કરાયેલા આ ત્રણ ગામોમાં માળખાકીય ભૌતિક સુવિધાઓ વિકસાવવા માટે પ્રત્યેક ગામને રૂ. 20-20 લાખની ગ્રાન્ટ અલગથી આપવામાં આવે છે. જેમાં રસ્તા, પાણી અને સ્વચ્છતા, શિક્ષણ, આરોગ્ય અને પોષણ, સામાજિક સુરક્ષા, ગ્રામીણ માર્ગો અને ગૃહ નિર્માણ, કૃષિ પધ્ધતિ વગેરે, નાણાંકીય બાબતો, ડીઝીટાઇઝેશન તથા રોજગાર અને કુશળતા વિકાસ પર હાથ ધરાયેલ કામો અંગે ચર્ચા કરવામાં આવી હતી.

[google_ad]

બેઠકમાં કલેકટર આનંદ પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના હેઠળ પસંદ થયેલા ગામોમાં અનુસૂચિત જાતિના વિસ્તાર સહિત સમગ્ર ગામમાં પીવાના પાણી, રસ્તા, શિક્ષણને લગતી માળખાકીય સુવિધાઓ અને વિકાસકામોથી વંચિત ન રહે તેની તકેદારી રાખી આ કામોને અગ્રતાના ધોરણે પુરા કરીએ. ગામના વિકાસ માટે ખુટતી કડીઓ પુરી કરવા તથા અનુસૂચિત જાતિના વિસ્તારમાં રહેતા લોકોને યોજનાનો મહત્તમ લાભ મળે તેની કાળજી રાખવા તેમણે જણાવ્યું હતું. તેમણે ગામલોકોની જરૂરીયાત જાણવા અધિકારીઓને ગ્રામજનોનો સંપર્ક કરવા પણ જણાવ્યું હતું.

[google_ad]

પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજનાના સભ્ય સચિવ અને અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતાના નાયબ નિયામક એચ.આર.પરમારે યોજનાની માહિતી આપતાં જણાવ્યું હતું કે, આ યોજના હેઠળ ગામના વિકાસ માટે પસંદ કરાયેલ ગામને કેન્દ્ર સરકાર દ્વારા ગામદીઠ રૂ. 20 લાખની ગ્રાન્ટ આપવામાં આવે છે. બનાસકાંઠા જીલ્લાના વડગામ તાલુકાના બાદરપુરા, વાવ તાલુકાના જોરડીયાલી અને થરાદ તાલુકાના ચુડમેર ગામમાં આ યોજના હેઠળ જે કામો શરૂ કરવામાં આવ્યા હતાં તેમાંથી મોટાભાગના કામો પૂર્ણતાના આરે છે અને જે કામો પ્રગતિમાં છે તે પણ સમયમર્યાદામાં પુરા કરવા તેમણે અમલીકરણ અધિકારીઓને જણાવ્યું હતું.

[google_ad]

બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર.આઇ.શેખ, જીલ્લા સમાજ કલ્યાણ અધિકારી એ.એમ.છાસીયા, જીલ્લા પુરવઠા અધિકારી એસ.જે.ચાવડા, જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમાર, જીલ્લા ખેતીવાડી અધિકારી પી. કે. પટેલ, લીડ બેંક મેનેજર સહિત સંબંધિત કચેરીના અધિકારીઓ, સરપંચો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

 

From – Banaskantha Update


Share