દેત્રોજના ગમાનપુરામાં વર્ષોથી ચાલતા ધો. 6 થી 8 ના વર્ગો બંધ કરવાનો સરકારનો નિર્ણય : ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી હંગામો મચાવ્યો

- Advertisement -
Share

દેત્રોજના ગમાનપુરા ગામમાં બધી સરકારી ઓફીસોને તાળાં માર્યાં : નેતા-અધિકારીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો

 

ગુજરાતમાં ચાલતી શાળાઓના વર્ગ ખંડથી લઇને ઓરડા વગેરે બાબતને લઇને દિલ્હીની આમ આદમી પાર્ટી (AAP) ની સરકારના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદીયાએ ગુજરાતની મુલાકાત દરમિયાન ગુજરાતના શિક્ષણમાં લાલીયાવાડી ચાલતી હોવાનો આક્ષેપ કર્યો હતો.

એની સામે ભાજપની ટીમે દિલ્હી જઇને દિલ્હી સરકાર દ્વારા શાળાઓમાં સુવિધા અને મેડીકલમાં અપાતી સુવિધાઓની પોલ ઉઘાડી પાડી હતી.આમ બંને રાજકીય પક્ષો વચ્ચે આમને-સામને આક્ષેપ, પ્રતિઆક્ષેપોને કારણે રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

 

એવા સમયે અમદાવાદથી અંદાજે 70 કિલોમીટરના અંતરે આવેલા દેત્રોજ તાલુકાના ગમાનપુરા ગામમાં વર્ષોથી ચાલતા ધો. 6 થી 8 ના વર્ગો બંધ કરવાનો કડકપણે અમલ કરવાની જાહેરાત કરતાં ગ્રામજનોમાં હંગામો મચી જવા પામ્યો છે.

 

ગમાનપુરા ગામથી લગભગ 3 કિ.મી. દૂર આવેલા લક્ષ્મીપુરા ગામની શાળામાં ગમાનપુરા ગામના વિદ્યાર્થીઓને અભ્યાસ કરવાની ફરજ પડી છે.

બાળકોની સલામતીને લઇને ગ્રામજનોમાં ભારે રોષ ભભૂકી ઉઠયો છે. સરકારના પગલાં સામે ગ્રામજનોએ રીતસરનો જંગ છેડી દીધો છે.

જો ગામમાં શાળા પૂર્વવત નહીં થાય તો આંદોલનને ઉગ્ર બનાવવાનું એલાન આપ્યું છે. જેના ભાગરૂપે જ ગામમાં ધો. 1 થી 5 ની ચાલતી ગમાનપુરા પ્રાથમિક શાળાને જ નહીં આંગણવાડી, પોસ્ટ ઓફીસ અને ગ્રામ પંચાયતની ઓફીસને તાળાં મારી દીધા છે.
એટલું જ નહીં પરંતુ ગામના નોટીસ બોર્ડ પર રાજકીય પક્ષો અને સરકારી કર્મચારીઓને ગામમાં પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

 

અમદાવાદથી લગભગ 70 કિલોમીટરના અંતરે આવેલા દેત્રોજ તાલુકાના ગમાનપુરા ગામમાં 1200 ની વસતી વસવાટ કરે છે.

 

આ ગામમાં પટેલથી માંડીને રબારી સમાજ, ઠાકોર સમાજ, રાવળ સમાજ, અનુસૂચિત જાતિ અને પ્રજાપતિ સમાજના લોકો રહે છે.

 

ગ્રામજનો માટે ગામના પ્રવેશદ્વાર પાસે જ 1955 માં ધો. 1 થી 8 ની શાળા શરૂ કરાઇ હતી. તા. 20/11/2020 ના રોજ સરકાર દ્ધારા ધો. 6, 7 અને 8 ના વર્ગો બંધ કરવાની જાહેરાત કરાઇ હતી.

 

આ બાળકોને ગમાનપુરા ગામથી અંદાજે ત્રણ-સાડા ત્રણ કિલોમીટર દૂર આવેલા લક્ષ્મીપુરા ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં ખસેડવાનો નિર્ણય કરાયો હતો.
પરંતુ ગ્રામજનોની રજૂઆત અને કોરોનાના કારણે આ શાળા હમણાં સુધી ગમાનપુરામાં જ ચાલતી હતી. હાલમાં ગમાનપુરા પ્રાથમિક શાળામાં ધો. 1 થી 5 માં 45 વિદ્યાર્થી અને ધો. 6 થી 8 માં 27 વિદ્યાર્થી નોંધાયેલા છે. ધો. 6 થી 8 ના વર્ગમાં 27 વિદ્યાર્થી પૈકી 16 વિદ્યાર્થીની અને 11 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

 

ગ્રામજનોના જણાવ્યા મુજબ, લક્ષ્મીપુરા પ્રાથમિક શાળામાં ધો.1 થી 5 માં 44 વિદ્યાર્થી અને ધો. 6 થી 8 માં 22 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

 

વળી પાછા ગમાનપુરા પ્રાથમિક શાળાના ધો. 6 થી 8 ના વર્ગને તા. 30 મી જૂનથી બંધ કરવાની તાજેતરમાં જ જાહેરાત કરવાની સાથે તેનો કડકપણે અમલ કરવાની તાકીદ કરાઇ હતી.

 

જેનાથી અકળાઇ ઉઠેલા ગ્રામજનોએ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીથી માંડીને જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ઉપરાંત અનેક સત્તાધીશો સમક્ષ રજૂઆત કરી હતી.

 

જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો. એમ.એન. પટેલે લેખિતમાં તા. 28 મી જૂનના રોજ ગમાનપુરા પ્રાથમિક શાળા અને લક્ષ્મીપુરા (દેકાવાડા) પ્રાથમિક શાળાના આચાર્યોને રૂબરૂમાં બોલાવ્યા હોવાનું જણાવ્યું હતું.

 

પરંતુ કોઇ જ પરિણામ નહીં આવતાં આખરે કંટાળેલા ગ્રામજનોએ શાળાના વિદ્યાર્થીઓ સાથે દેત્રોજ તાલુકામાં આક્રોશ રેલી કાઢી હતી.

 

જેમાં વિદ્યાર્થીઓ, વાલીઓ સહીત ગ્રામજનો જોડાયા હતા. આ રેલી તાલુકા વિકાસ અધિકારીની કચેરીએ પહોંચી હતી.

 

તાલુકા વિકાસ અધિકારીની ઓફીસની બહાર જ વાલીઓ અને વિદ્યાર્થીઓ બેસી ગયા હતા. એક સમયે પોલીસ, ગામના આગેવાનો અને સામાજીક કાર્યકરો વચ્ચે બોલાચાલી થઇ હતી.

 

જો કે, પાછળથી પોલીસ અધિકારી બી.એચ. ઝાલાએ દરમિયાનગીરી કરીને ગામના પ્રતિનિધિ મંડળની તાલુકા વિકાસ અધિકારી ડી.જી. દેસાઇ સાથે મુલાકાત કરાવીને મામલો થાળે પાડયો હતો.

 

ગમાનપુરા ગ્રામ પંચાયતના સરપંચની રજૂઆતના પગલે રાજ્યના પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણના રાજ્યકક્ષાના મંત્રી તરફથી તા. 18 ડીસેમ્બર-2021 અને તા. 15 જૂન-2022 ના રોજ રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકને ગ્રામજનોની રજૂઆત પરત્વે કાર્યવાહી કરવા વિનંતી કરી હતી પણ કોઇ જ સકારાત્મક પરિણામ આવ્યું ન હતું.

 

ગમાનપુરા પ્રાથમિક શાળામાં ગત તા. 24/06/2022 ના રોજ કન્યા કેળવણી મહોત્સવમાં ભાગ લેવા ગયેલા મેડીકલ ઓફીસરે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતો પત્ર ગ્રામજનોને આપ્યો હતો.

 

જેમાં જણાવ્યું હતું કે, શાળા પ્રવેશોત્સવમાં શાળા પરિવાર અને ગ્રામજનોનો ઉત્સાહ ખૂબ જ હતો. ગમાનપુરા ગામના ગ્રામજનો અને એસ.એમ.સી. અધ્યક્ષ દ્વારા ધો. 6 થી 8 ની શાળા શરૂ કરવાની રજૂઆત કરી હતી.

 

શાળાની ભૌતિક સુવિધા અને મેદાન પરીસર જોતાં તેમની માંગણી યોગ્ય જણાઇ છે. ધો. 6 થી 8 ના વિદ્યાર્થીઓની સંખ્યા 27 છે. તો આ અંગે ઘટતું કરવા વિનંતી કરી છે.

 

દેત્રોજ તાલુકાના ગમાનપુરા ગામના સરપંચ-સભ્યો દ્વારા તા. 28 મી જૂન-2022 ના રોજ સામૂહીક ગ્રામસભા કરીને ગમાનપુરા ગામની પ્રાથમિક શાળામાં ધો. 6, 7, 8 ના વર્ગો પુનઃ ચાલુ કરવાની માંગ

 

છેલ્લા 2 વર્ષથી કરવામાં આવતી હોવા છતાં આજદિન સુધી રાજ્ય સરકારના સબંધિત અધિકારીગણ દ્વારા કોઇ જ નિર્ણય કરવામાં આવ્યો ન હોવાથી સામૂહીક રીતે નિર્ણય કરીને શાળામાં બાળકોને નહીં મોકલવાનો

 

નિર્ણય કર્યો હતો. તેની સાથે ગુરુવારથી ગમાનપુરા ગામની માંગ મુજબ ધો. 6, 7 , 8 ના વર્ગો ચાલુ કરવા માટે લડત ચાલુ કરવાનો પણ નિર્ણય કર્યો હતો. તે અંગે ઠરાવ પસાર કર્યા હતા.

 

(1) ગમાનપુરા ગામમાં ગ્રામજનોની માંગ મુજબ કાર્યવાહી ન થાય ત્યાં સુધી સરકારી તમામ કાર્યક્રમોનો સામૂહીક બહીષ્કાર કરવાનું નક્કી કર્યું હતું.

 

(2) ગમાનપુરા ગામમાં સરકારી કામ કરવા આવતા તમામ કર્મચારીઓનો બહીષ્કાર કરવામાં આવે છે.

 

(3) ગમાનપુરા ગામમાં સરકારી કામ અર્થે આવતા તમામ રાજકીય પક્ષના કાર્યકરો અને ચૂંટાયેલા જન પ્રતિનિધિઓનો સામૂહીક બહીષ્કાર કરવાનું નક્કી કર્યું છે.

 

(4) આ પ્રશ્ન માટે લડત આપવા માટે ગમાનપુરા શિક્ષણ અધિકાર સમિતિનું ગઠન કરાયું હતું.

 

(5) આ પ્રશ્ન માટે શિક્ષણ અધિકાર સમિતિના નેજા હેઠળ અહિંસક આંદોલન ચલાવવા અને સબંધિતોને આ નેજા હેઠળ રજૂઆત કરવાનું નક્કી કરાયું હતું.
ગમાનપુરા ગામના વિદ્યાર્થીઓ, વાલીઓ અને ગ્રામજનોની આક્રોશ રેલીમાં વિદ્યાર્થીઓએ હાથમાં સ્લેટ અને પૂઠા પર સૂત્રો લખેલા દર્શાવ્યા હતા. જેમાં શાળા બંધ કરશો તો દીકરીઓનું શું થશે. ભણવું અમારો હક્ક છે.

 

ન્યાય આપો, અમને ન્યાય આપો, ગમાનપુરાની શાળા ચાલુ કરો, અમારે ભણવું છે, અમને ભણવા દો. શું ભણવાનો હક્ક માગવો ગુનો છે.
અમારું શું વગેરે પ્રકારના સૂત્રો દર્શાવ્યા હતા અને અમારી માંગ પૂરી કરો, ગમાનપુરાની શાળા ચાલુ કરો વગેરે પ્રકારના સૂત્રોચ્ચારો પોકાર્યા હતા. આ આક્રોશ રેલી સૂત્રોચ્ચાર કરતાં કરતાં તાલુકા વિકાસ અધિકારીની કચેરીએ પહોંચી હતી.

 

વિદ્યાર્થીનીઓએ દેત્રોજ તાલુકાના તાલુકા વિકાસ અધિકારી (T.D.O.) દેસાઇને વિદ્યાર્થીનીઓએ ગુજરાતના મુખ્યમંત્રીને સ્લેટ પહોંચાડવા માટે 5 જેટલી સ્લેટ અર્પણ કરી હતી.

 

જેમાં એક સ્લેટમાં ગમાનપુરાના વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને ઉદ્દેશીને લખ્યું હતું કે, દેત્રોજના ગમાનપુરા ગામમાં ધો.6,7,8 ના વર્ગો કયારે શરૂ કરશો ?
ન્યાય આપો અમને ન્યાય આપો, ધો. 6 થી 8 ની ગમાનપુરા શાળા ચાલુ કરો વગેરે પ્રકારના સૂત્રો લખ્યા હતા.

 

આ અંગે દેત્રોજ તાલુકાના રામપુરા ગામના રહીશ અને સામાજીક કાર્યકર કનુભાઇ મંગળભાઇ સોમેસરાએ જણાવ્યું હતું કે, ‘ગમાનપુરા શાળાને તાળાબંધી કરાઇ હતી. ત્યારે અમે શાળાની મુલાકાત લીધી હતી.

 

અમે સરકારને કહેવા માંગીએ છીએ કે, શાળામાં બાળકોની સંખ્યા વધે તે માટે શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમો યોજી રહી છે. ભણશે ગુજરાત, રમશે ગુજરાતના કાર્યક્રમો યોજી રહ્યા છે.

 

ત્યારે ગમાનપુરા પ્રાથમિક શાળામાં ધો.6, 7, 8 ના વર્ગો બંધ કર્યા છે. ગ્રામજનોનો આક્રોશ હોવાથી શાળાને તાળાબંધ કરી છે. તો કેવી રીતે ભણશે બાળકો ?’

 

આ અંગે ગમાનપુરા ગ્રામ પંચાયતના સરપંચ અને માજી શિક્ષક દીપસંગજી ધોળાજીએ જણાવ્યું હતું કે, ‘અમારુ આંદોલન ગમાનપુરા ગામમાં ધો.6 થી 8 શાળા રાબેતા મુજબ ચાલતું હતું.
આ વર્ગોને નજીકની શાળામાં મર્જ કરી દીધી છે. તે બાબતે અમે આંદોલન કરી રહ્યા છે. આંદોલનના ભાગરૂપે શાળા બંધ કરીને તાળા મારી દીધા છે. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખીશું.’

 

ગમાનપુરા ગ્રામ પંચાયતના માજી સરપંચ કનુભાઇ અમારી શાળા 2 વર્ષ પહેલાં ધો. 1 થી 8 ના વર્ગો ચાલતા હતા. વર્ષ-2020 પછી અમારી શાળાને બાજુના ગામમાં મર્જ કરી દીધી છે.

 

તેના વિરોધમાં અમે 2 વર્ષથી લડતા આવ્યા છીએ. ન્યાય નહીં મળતાં આખરે શાળાએ તાળાબંધી કરીને બેઠા છે. જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.

 

જો આ અંગે આગામી સમયમાં નિર્ણય નહીં થાય તો અમારી પંચાયતની બોડી સામૂહીક રાજીનામા સરકારને ધરવા તૈયાર છીએ.

 

આ અંગે સામાજીક કાર્યકર કિરીટ રાઠોડે જણાવ્યું હતું કે, ‘નવસર્જન ટ્રસ્ટ અને દલિત અધિકાર મંચ દ્વારા દેત્રોજ, વિરમગામ, માંડલમાં જાગૃતિ અભિયાનનું કામ કરીએ છીએ. અમે આ આંદોલનને સમર્થન આપ્યું છે.
સરકારને કહેવા માંગીએ છીએ કે, તમે જ પ્રવેશોત્સવના તાયફાઓ કરો છો. એની જગ્યાએ ગામમાં જે શાળાઓ છે તે ચાલુ રાખો આ પ્રકારના પગલાં લેવાની ખાસ જરૂર છે. જો શાળાઓ ચાલુ નહીં હોય તો બાળકો ભણશે કેવી રીતે ? રમશે કેવી રીતે ? પ્રવેશોત્સવ કેવી રીતે થશે ?

 

વિદ્યાર્થીઓએ ગુરુવારે આક્રોશ રેલી કાઢી હતી. જેમાં વિદ્યાર્થીનીઓએ તાલુકા વિકાસ અધિકારીના માધ્યમથી મુખ્યમંત્રીને અમારી ગામના શાળાના ધો.6, 7 અને 8 ક્યારે શરૂ કરવા માગો છો.

 

તો હું મુખ્યમંત્રીને પૂછવા માગું છું કે, જો સરકારમાં ત્રેવડ હોય તો આ બાળકોનો જવાબ આપીને બતાવે. આ ગમાનપુરા ગામમાં શાળામાં વર્ગો ચાલુ હતા.

 

તે ચાલુ કરીને બતાવે અને રાજ્યના શિક્ષણમંત્રીને પણ પ્રશ્ન પૂછવા માંગીએ છીએ કે, તમે શિક્ષણની સારી નીતિની વાત કરો છો. તો ગુજરાતમાં ગમાનપુરા જેવા હજારો ગામડાઓ છે.

 

જે મર્જ કરવાની નીતિના કારણે અનેક બાળકોના ભવિષ્ય અંધકારમાં મુકાઇ ગયા છે. અહીં ગમાનપુરા ગામના બાળકો બાજુમાં 3 કિલોમીટર દૂર લક્ષ્મીપુરા કોઇપણ સુવિધા નહીં હોવા છતાં શાળા મર્જ કરી છે.

 

તો મોટાભાગની દીકરીઓ ભણે છે. અહીં ગ્રામજનો મજૂરી કરે કે દીકરા-દીકરીઓને મૂકવા જાય. ટ્રાન્સપોર્ટેશનની વાત કરે છે. પણ તે કેટલી અમલમાં છે તે પણ જોવાનું થાય છે.

 

બહુ જ દુઃખની વાત છે કે, છેલ્લા 2 વર્ષથી આંદોલન થતું હોય. મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી અને ડી.પી.ઓ. સુધી આ વાત પહોંચી હોય તેમ છતાં આ સરકારી તંત્રનું પેટનું પાણી ન હલે અને ગ્રામજનોએ તાળાબંધી કરવી

 

પડે તેમ છતાં પણ કલેકટર, જીલ્લા વિકાસ અધિકારી કે સ્થાનિક અધિકારી જોવા સિધ્ધા ન આવે તો આ લોકશાહી છે કે, કેમ એની સામે બહુ મોટો પ્રશ્ન ઉભો થયો છે.

 

તો આ દેશના તમામ નાગરિકોને શિક્ષણ મેળવવાનો અધિકાર હોય તો આ સરકાર તરાપ ના મારી શકે. રાજય સરકારને કહેવા માંગીશ કે તમારી શાન ઠેકાણે લાવવા માટે આ ગ્રામજનોએ અનેક કાર્યક્રમો આપવાના છે.

 

જેમાંનો એક કાર્યક્રમ ગ્રામ પંચાયતના સરપંચથી માંડીને દરેક સભ્ય રાજીનામા આપી દેશે. જરૂર પડયે રોડ-રસ્તા ચક્કાજામ કરી દેવામાં આવશે અને ગમાનપુરાથી ગાંધીનગર સુધીની યાત્રા કાઢવામાં આવશે.
આ બધા કાર્યક્રમો ન થાય અને તમારૂ નાક ન કપાય તે માટે ધો. 6 થી 8 ના વર્ગો ફરીથી ચાલુ કરવા અમે માંગણી કરીએ છીએ.’
આ અંગે ધો. 8 માં અભ્યાસ કરતી પ્રિયા રબારીએ જણાવ્યું હતું કે, ‘2020 થી અમારી શાળા બંધ છે. 2 વર્ષથી અમારુ ભણતર બગડે છે. સરકાર અમારી ધો. 6 થી 8 ની શાળા શરૂ કરતી નથી.
જેથી અમને ભણવામાં ખૂબ તકલીફ પડે છે. 2 વર્ષથી અમે કશું ભણ્યા નથી. સરકારને વિનંતી છે કે, અમારી શાળા તાત્કાલીક ચાલુ કરે. અમારા ગામના સરપંચ સહીત બધા ધક્કા ખાય છે.
પણ કોઇ જવાબ આપતું નથી. સરકાર કહે છે કે, દીકરીઓને ભણાવો, અમે દીકરીઓ ભણવા તૈયાર છીએ. પણ અમને ભણાવવા કોઇ તૈયાર નથી. તો અમારી વિનંતી છે કે, ધો.6 થી 8 ની શાળા શરૂ કરે.’

 

આ અંગે ગમાનપુરા પ્રાથમિક શાળામાં ધો.8 માં ભણતી નાડીયા શ્રદ્ધાએ જણાવ્યું હતું કે, ‘મારી શાળા 2 વર્ષથી બંધ હોવાના કારણે અમે દીકરીઓનું ભણવાનું બગડી રહ્યું છે.
સરકારને વિનંતી છે કે, અમારી શાળા શરૂ કરે અને ધો. 6 થી 8 ના વર્ગ ફરીથી શરૂ કરે. જેમ અમે પહેલાં ભણતાં હતાં તેમ અત્યારે પણ ભણીએ.
સરકારને વિનંતી છે કે, શાળા ચાલુ કરે અને અમારુ ભણતર બગાડે નહીં. સરકાર ચાહે છે કે, દીકરીઓ ભણે અને આગળ વધે તો તેમને વિનંતી છે કે, ધો. 6 થી 8 ના વર્ગો ચાલુ કરે.’

 

આ અંગે ધો. 8 માં અભ્યાસ કરતાં બળદેવસિંહ ઠાકોરે જણાવ્યું હતું કે, ‘મારા મા-બાપ ગરીબ છે અને મજૂરી કરીને મને ભણાવે છે અને સરકાર અમારી શાળા બંધ કરી છે.
તો સરકારને વિનંતી છે કે, અમારી શાળા શરૂ કરો. અમારે બાજુના ગામમાં ભણવા જવું પડે છે. તો અમારી વિનંતી છે કે, સરકાર અમારી શાળા શરૂ કરે.’
આ અંગે પ્રાથમિક શાળામાં એસ.એમ.સી. અધ્યક્ષ હેમરાજભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, ‘અમારી શાળા વર્ષ-2020 થી સરકારના નિયમથી સંખ્યાના અભાવથી મર્જ કરી હતી. અમારી શાળા પણ મર્જ કરી હતી.
અમારી શાળામાં એક જ ઓછી હતી. અમારે દીકરીઓને ભણાવવાની ઘણી અભિલાષા હતી. બાજુના ગામમાં મર્જ કરી છે. ત્યાં સુવિધા નથી. આવવા-જવા માટે કેનાલ મોટી છે. દીકરીઓ માટે રીસ્કી છે.
અમે ઘણી ઝુંબેશ ચલાવી. ડી.પી.ઓ.ને રજૂઆત કરી, મુખ્યમંત્રીને ટપાલ કરી. અમે ઘણા કાર્યક્રમો કર્યા પણ કોઇ જ કાર્યવાહી થતી નથી. શાળા બંધ કરીને બેઠા છે તો પણ કોઇ જોવા આવ્યું નથી.
તો વહેલી તકે આ શાળાના વર્ગો ચાલુ થાય. બેટી પઢાવો, બેટી બચાવોના કાર્યક્રમો યોજે છે. પણ અહીં તે લાગુ પડતું નથી.’

 

અમે દીકરીઓને ક્યાં મોકલીએ. મજૂરી કરવી કે અમે ભણાવીએ. એટલી અમારી વિનંતી છે કે, શાળા ખોલો અમારી. દીકરીઓને અત્યારે બહાર મોકલવા જેવો જમાનો નથી. કોઇ સરકાર અમારા ગરીબનું સાંભળતી નથી. શું કરીએ કહો તમે, અમને જવાબ આપો.

 

આ અંગે દેત્રોજ તાલુકા વિકાસ અધિકારી ડી.જી. દેસાઇએ જણાવ્યું હતું કે, ‘ગમાનપુરા ગામના ગ્રામજનો, વિદ્યાર્થીઓ, વાલીઓ અને તાલુકાના આગેવાનો આ તાલુકામાં જે શાળાઓને મર્જ કરવામાં આવી છે.
તેના કારણે બાળકોને જે મુશ્કેલીઓ પડે છે તેની રજૂઆત છેલ્લા 1 વર્ષથી ચાલી રહી છે. જેના અનુસંધાને ઉગ્ર રજૂઆત કરી હતી.
તે રજૂઆતને ધ્યાને નહીં લેવામાં આવતાં ગુરૂવારે તાલુકા પંચાયત કચેરીમાં અમારી સમક્ષ આવેદનપત્ર રજૂ કર્યું છે. આવેદનપત્ર તાત્કાલીક જીલ્લાકક્ષાએ મોકલી આપીશું અને તેમની રજૂઆતને વાચા મળે એવો પૂરતો પ્રયત્ન કરીશું.’

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!