બનાસકાંઠામાં જળ સંચયના કામોમાં ભ્રષ્ટાચાર આચર્યો

- Advertisement -
Share

સરકારની રૂ. 25 કરોડની ગ્રાન્ટ હડપવાનો કારસો રચ્યો

 

બનાસકાંઠા જીલ્લામાં ઓછા વરસાદના કારણે ભૂગર્ભ જળનો યક્ષ પ્રશ્ન સર્જાયો છે. જેથી વરસાદી પાણીનો સંગ્રહ કરવા રાજ્ય સરકારે જળસંચય અંતર્ગત રૂ. 25 કરોડ જેટલી માતબર ગ્રાન્ટ ફાળવી છે.
પરંતુ સિંચાઇ વિભાગ દ્વારા ઓનલાઇન ટેન્ડરીંગ સહીતની ગેરરીતીઓ આચરી ખાયકીનો ખેલ શરૂ કર્યો હોવાની બૂમરાડો ઉઠવા પામી છે.

રણ વિસ્તાર ધરાવતા બનાસકાંઠા જીલ્લામાં છેલ્લા 4 વર્ષથી અપૂરતો વરસાદ થયો છે. જેથી ભૂગર્ભ જળ ખલાસ થઇ જતાં એક માત્ર ખેતીના વ્યવસાયને મરણતોલ ફટકો પડયો છે.

 

ભૂગર્ભ જળ ઉંચા લાવવા વરસાદના નકામા વહી જતાં પાણીને રોકવાનો જળ સંચય એકમાત્ર રામબાણ ઇલાજ છે.

 

જેથી રાજ્ય સરકારે જળ સંચય માટે ખેત તલાવડી, તળાવના પાળા, વન તલાવડી, તળાવો ઉંડા કરવા, વ્હોળા સફાઇ અને ચેકડેમ રીપેરીંગ જેવા કામો માટે રૂ. 25 કરોડની માતબર ગ્રાન્ટ ફાળવી છે.

 

એટલું જ નહીં, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જળસંચયના આ કામો લોક ભાગીદારીથી પારદર્શક રીતે થાય તે માટે ઓનલાઇન ટેન્ડરીંગ દ્વારા કામ આપવાનું નક્કી કર્યું છે.

 

જેથી સિંચાઇ વિભાગે વિવિધ કામો માટે ઓનલાઇન ટેન્ડર મંગાવતા 85 જેટલી એજન્સીના સંચાલકોએ રૂ. 10,000 ની ડીપોઝીટ સાથે ટેન્ડર ભર્યાં હતા.

 

પરંતુ ગરાસ લૂંટાઇ જવાના ભયે સિંચાઇ વિભાગે ઓનલાઇન ટેન્ડરીંગ સ્થગિત કરી પોતાના લેટરપેડ ઉપર કામોના પ્લાન તૈયાર કરી સરકાર અને કલેક્ટર પાસે મંજૂરી માંગી હતી.

 

કલેક્ટરે પણ વિશ્વાસ રાખી મંજૂરી આપી દીધી હતી. જેથી સિંચાઇ વિભાગે મનગમતી એજન્સીઓને કામો ફાળવી દીધા છે. જેમાં એક એજન્સીને 15 થી 20 કામો આપી દેવાયા છે.

 

જ્યારે ઘણી એજન્સીઓને એક પણ કામ આપવામાં આવ્યું નથી. તેના ઉપરથી ભ્રષ્ટાચારની ગંધ આવી જાય છે. આ હળાહળ ગેરરીતીની જાણ થતાં એજન્સી સંચાલકોમાં રોષ ભભૂક્યો છે.

 

આ બાબતે મહેસાણાના અધિક્ષક ઇજનેર ડી.સી. પટેલને પૂછતાં તેમણે ઓનલાઇન ટેન્ડરીંગમાં માત્ર ઇમરજન્સી કામ કરવાના હોય છે. તેમ જણાવી હાથ અધ્ધર કરી દીધા હતા.

 

તો પછી ઓનલાઇન ટેન્ડરીંગ કેમ રદ કર્યું ? તે સવાલ જાગૃત લોકોને મૂંઝવે છે. હવે એજન્સીઓને ડીપોઝીટ પણ પરત આપવામાં આવી રહી છે.

 

આમ જળસંચયના કામો ફાળવવામાં અધિકારીઓની સાંઠગાંઠથી ખાયકીનો ખેલ શરૂ થઇ ગયો છે. જેથી રૂ. 25 કરોડના બદલે માત્ર રૂ. 5 થી 7 કરોડના જ કામ થશે અને બાકીના ખવાઇ જશે તેવો બળાપો લોકોએ વ્યક્ત કર્યો હતો.

 

જેને લઇ બનાસવાસીઓમાં આક્રોશ છવાયો છે. આ બાબતે જીલ્લા કલેક્ટર સજાગતા દાખવી થયેલ કામોની ઓચિંતી મુલાકાત લે તો અન્ય ઘણી ચોંકાવનારી વિગતો બહાર આવે તેમ છે.

 

જળ સંચયમાં વ્હોળા સફાઇના કામમાં માત્ર મામૂલી ખર્ચ આવે છે. તેમ છતાં તેના માટે પણ રૂ. 3 થી 4 લાખ ફાળવી દેવાયા છે.

 

ડીસા તાલુકાના રાણપુર ઉગમણાવાસ ખાતે 2 વર્ષ અગાઉ વ્હોળાની સફાઇ કરાઇ હતી. હવે આ વખતે પાલનપુરના વંદે માતરમ મહીલા બાળ વિકાસ ટ્રસ્ટને વ્હોળા સફાઇ માટે રૂ. 4.80 લાખમાં કામ સોંપાયું છે.

 

જેમાં માત્ર રૂ. 50 હજારનો ખર્ચ થયેલ છે. જે ગેરરીતી ઉડીને આંખે વળગે છે એટલું જ નહીં, વ્હોળા સફાઇના કેટલાંય કામો માત્ર કાગળ ઉપર દર્શાવી સરકારી ગ્રાન્ટ હડપી લેવાઇ હોવાના ગ્રામજનોએ ગંભીર આક્ષેપો કર્યાં હતા.

 

ગત વર્ષે પણ બનાસકાંઠા અને પાટણ જીલ્લામાં જળ સંચયના કામો માટે રાજ્ય સરકારે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી હતી.

 

પરંતુ અધિકારીઓની સાંઠગાંઠથી કામોમાં નવરી વેઠવાળી સરકારી રૂપિયા હડપી લેવાયા હતા. જો કે, નહીંવત વરસાદ થતાં પાણીનો લેશમાત્ર સંગ્રહ થયો ન હતો.
સાથે તંત્રનો ભ્રષ્ટાચાર પણ ખુલ્લો પડયો ન હતો. હવે બીજા વર્ષે તેનું પુનરાવર્તન થઇ રહ્યું છે. જે તમાશો આમ પ્રજા લાચાર બની જોઇ રહી છે.

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!