સમગ્ર વિશ્વ જ્યારે 60મા વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી કરી રહ્યું છે ત્યારે બનાસકાંઠા જિલ્લા ગ્રાહક અદાલતમાં પ્રમુખ એ.એસ. ગઢવી અને સભ્ય બી.વી.ત્રિવેદીએ આ ગ્રાહક અધિકાર દિવસને એક ગ્રાહક માટે વિશેષ બનાવ્યો છે.
ફરિયાદની વિગતો મુજબ ડીસા રામજી મંદિર પાસે રહેતા અર્જુનકુમાર બનાવાલા તે ધી ઓરિએન્ટલ ઇનસ્યોરાન્સ કંપનીની મેડિક્લેમ વીમા પોલિસી ધરાવતા હતા. જેમાં તેમના પત્ની મીનાબેન અને અર્જુનભાઈ બન્ને ના રૂ. 5 લાખની મર્યાદામાં મેડિકલ જોખમો આવરી લેવાતી પોલિસી અમલમાં હતી તે દરમિયાન વીમાધારક મીનાબેન અર્જુનભાઈ બનાવાલાને આંખની તકલીફ થતાં અને ડોકટરની સલાહ મુજબ સારવાર કરાવતા સારવાર પાછળ રૂ. 81,176/- નો ખર્ચ થયેલ જે બાબતે ગ્રાહકે વીમા કંપનીનો સંપર્ક કરી વીમા કંપનીના માંગ્યા મુજબના તમામ દસ્તાવેજો સાથે વીમા ક્લેમ મુકેલ.
વીમા કંપનીએ ગ્રાહકના રૂ. 81,176/-ના વીમા ક્લેમની સામે માત્ર રૂ, 21,600/- ચૂકવી આપેલ અને આમ વિમા કંપનીએ રૂ. 57,576/- ઓછા ચૂકવી વીમા ક્લેમની અપૂરતી રકમ ચુકવતાં ગ્રાહકે વીમા કંપનીની કચેરી જઈને રૂબરૂ રજુઆત કરતાં વીમા કંપનીએ ગ્રાહકની રજુઆત ધ્યાને ના લેતાં ગ્રાહક અર્જુનભાઈ અને મીનાબેન બનાવાલાએ ગુજરાતની જાણીતી ગ્રાહક હિત, હકક રક્ષક સંસ્થા શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ, ડીસાના પ્રમુખ કિશોરભાઈ દવેને રૂબરૂ મળી પોતાની આપવીતી જણાવી વીમા કંપની વિરુદ્ધ લેખિત ફરિયાદ આપી હતી.
ગ્રાહકની ફરિયાદને ગંભીરતાથી લઇ જાણીતા ગ્રાહક ચળવળકાર કિશોર દવેએ વીમા કંપનીને નોટિસ આપી ગ્રાહકના બાકીના નાણાં ચૂકવી આપવા તાકીદ કરેલ હતી. નોટિસ વિગેરેની કાર્યવાહી બાદ દવેના માર્ગદર્શન મુજબ શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળના મંત્રી પ્રિતેશ શર્માએ બનાસકાંઠા જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન સમક્ષ ફરિયાદ નંબર 91/2019થી ફરિયાદ દાખલ કરેલ હતી અને ગ્રાહકની ફરિયાદના સમર્થનમાં પ્રિતેશ શર્માએ ગ્રાહક અદાલત સમક્ષ ધારદાર દલીલો કરતાં બનાસકાંઠા ગ્રાહક અદાલતના પ્રમુખ એ. એસ. ગઢવી અને સભ્ય બી.બી. ત્રિવેદીએ દલીલો માન્ય રાખી ગ્રાહકને લેવાની બાકી રહેતી વીમા ક્લેઈમની રકમ રુ.59,576/- ફરિયાદ દાખલ તારીખથી નાણાં ના ચૂકવાય ત્યાં સુધી 9% સાદા વ્યાજ સહિત, તેમજ ફરિયાદ ખર્ચના રૂ. 1,500/- અને માનસિક ત્રાસના રૂ. 1,000/- મળી કુલ રૂ. 76,821/- ચૂકવી આપવા વીમા કંપનીને ફરમાન કર્યું છે.
સતત અને સળંગ 19 વર્ષથી ગ્રાહકોની પડખે ઊભી રહેતી સંસ્થા શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ, ડીસાના પ્રયાસોથી વિશ્વ ગ્રાહક અધિકાર દિવસે જ બનાસકાંઠાની ગ્રાહક અદાલતના માધ્યમથી ન્યાય અપાવવામાં સફળતા મળી છે.
From – Banaskantha Update