પાલનપુરના યુવક સાથે થઇ 5 લાખની છેતરપિંડી : સરકારી પરીક્ષામાં પાસ કરાવવાની આપી હતી ગેરંટી

- Advertisement -
Share

બનાસકાંઠામાં સરકારની પરીક્ષાઓમાં પાસ કરાવી આપવા બાબતે છેતરપિંડીની ઘટના સામે આવી છે. જેમાં દોઢ વર્ષ અગાઉ એક વ્યક્તિને શિક્ષકની નોકરીમાં પાસ કરવાનું કહી પાંચ લાખની છેતરપિંડી અચારી હતી. યુવકને છેતરપિંડી થઇ હોવાનું માલૂમ થતાં આરોપીઓ સામે પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં એલસીબી પોલીસે બે વ્યક્તિની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

ગુજરાતમાં પરીક્ષા કૌભાંડોને લઈ સરકાર પર અનેક આક્ષેપો થાય છે. પેપર ફૂટી જવાની ઘટનાઓ પણ અગાઉ બની ચૂકી છે. ત્યારે બનાસકાંઠામાં સરકારી પરીક્ષાઓમાં પાસ કરાવી આપવાની ખાતરી આપી છેતરપિંડી કરનાર 4 લોકો સામે ફરિયાદ નોંધાતા ખળભળાટ મચ્યો હતો. જેમાં પોલીસે બે વ્યક્તિની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

આ અંગે જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે, દોઢ વર્ષ અગાઉ એક વ્યક્તિને શિક્ષકની નોકરીમાં પાસ કરાવવાનું કહી 5 લાખની છેતરપિંડી આચરવામાં આવી હતી. આ છેતરપિંડીમાં યુવક છેતરાયો હોવાનું માલુમ થતાં તેને આરોપીઓએ પાસે પૈસા પરત માંગ્યા હતા. તેને લઇ આરોપીઓએ અઢી લાખ રૂપિયા પરત આપ્યા હતા, પરંતુ બાકીના અઢી લાખ રૂપિયા પરત ન આપતા યુવકે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે 4 સામે ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે હાલ બે વ્યક્તિઓની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. તેમજ બીજા બે વક્તિને પકડવાની તજવીજ હાથ ધરી હતી છે. આરોપીઓ તાજેતરમાં આવનારી પરીક્ષા સાથે સંડોવાયેલા હોય તેવું હાલમાં પોલીસને જાણવા મળ્યું નથી. ઈસમો અન્ય ભરતી કૌભાંડમાં સામેલ છે કે નહીં તેને લઇ વધુ તપાસ હાથ ધરી છે.

 

માસ્ટર માઇન્ડ કિર્તિ પરમાર અને તેના ત્રણ સાગરિતોએ પરીક્ષા આપ્યા વિના તલાટી તરીકે સીધા પાસ થવા માટે હાલ પાલનપુર અને મુળ થરાદ તાલુકાના કુંભારાના મહેન્દ્રસિંહ સ્વરૂપાભાઇ પઢીયારને જાળમાં ફસાવ્યા હતા અને એક કાફે ઉપર બોલાવી રૂપિયા 5,00,000ની માંગણી કરી હતી. જોકે, મહેન્દ્રસિંહે આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં સમગ્ર કારસ્તાન ખુલ્લુ પડ્યું હતુ.

 

કિર્તી પરમાર વર્ષ 2018માં કલેકટર કચેરીની ગૃહશાખા, મહેસુલ વિભાગમાં હંગામી કમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતો હતો. ત્યારે કચેરીના સિક્કા ચોરી કરી તેના ઉપરથી નકલી સિક્કા બનાવ્યા હતા. જેના આધારે શિક્ષકના નકલી નિમણૂંક પત્રો બનાવ્યા હતા. જે નિમણૂંક પત્ર દાંતાના મંડાલીના કેતનભાઇ પ્રજાપતિને આપી રૂ. 7,00,000 પડાવ્યા હતા. પોતાની સાથે છેતરપીંડી થઇ હોવાનું બહાર આવતાં કેતનભાઇએ કિર્તિ પરમાર સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે કેસ હાલ કોર્ટમાં ચાલી રહ્યો છે.

 

2018માં કિર્તિ પરમારે શિક્ષકની નોકરીનો નકલી નિમણૂંક પત્ર આપી છેતરપીંડી આચરી હતી. જે પછી તેની સામે ફરિયાદ નોંધાતા પોલીસે કાનુની કાર્યવાહી હાથ ધરી હતી. પરિણિત કિર્તિ પરમારને સંતાનમાં એક દીકરી છે. નોકરીમાંથી છુટો થયા પછી સેન્ટીંગનું મજુરી કામ કરતો હતો. જોકે, દેવું વધી જતાં પુન: છેતરપીંડી કરવાનું શરૂ કર્યુ હતુ.

 

કોની શું ભૂમિકા:-

1. કિર્તિ બાબુભાઇ પરમાર (રહે. પેડાગડા તા. પાલનપુર) : મુખ્ય ભેજાબાજ જેણે પ્લાન બનાવી અમલમાં મુક્યો પોલીસે તેની અટકાયત કરી છે.

2.ભરત વાસ્તાભાઇ ચૌધરી (રહે. છીંડીવાડી તા. ધાનેરા) : સહ આરોપી જેણે રૂપિયા 5.20 લાખ મેળવ્યા, રૂપિયા 1 લાખ ઓનલાઇન કિર્તિ પરમારના ખાતામાં ટ્રાન્સફર કર્યા, બાકીની રકમ હાથોહાથ આપી તેમજ બીજી વખત પાલનપુરના મહેન્દ્રસિંહ સ્વરૂપાભાઇ પઢીયારને કાફેમાં મળી રૂપિયા 5 લાખની માંગણી કરી હતી. પોલીસે તેની પણ અટકાયત કરી છે.

3.રાજેશ ચૌધરી (રહે. મજાદર તા. પાલનપુર) : નોકરી વાંચ્છુ પ્રકાશભાઇ ચાૈધરી પાસેથી રૂપિયા 5.20 લાખ લાવ્યા, જેની અટકાયત બાકી છે.

4. પ્રકાશભાઇ ઇશ્વરભાઇ ચૌધરી (રહે. પેછડાલ તા. ડીસા)એ પરીક્ષા આપ્યા વિના નોકરી મેળવવા માટે રૂપિયા આપ્યા. જેની અટકાયત બાકી છે.

 

છેતરપીંડીની તપાસમાં આ શખ્સો દ્વારા આજે લેનારી પીએસઆઇની ભરતી કે હવે પછી લેનારી અન્ય કોઇ સરકારી પરીક્ષા માટે કોઇ ઉમેદવાર પાસેથી નાણાં લેવાયા નથી. એક વર્ષ અગાઉ તેમણે આ કારસ્તાન આચર્યુ હતુ.:તરૂણ દુગ્ગલ (જિલ્લા પોલીસવડા)

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!