બનાસકાંઠા જીલ્લાની સરકારી પ્રાથમિક સ્કૂલોમાં શિક્ષકોની કામગીરીનું જાત નિરક્ષણ કરવા જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ 35 દિવસમાં 170 જેટલી સ્કૂલોમાં સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધર્યું હતું.
જેમાં 24 જેટલાં શિક્ષકો ફરજમાં ગુલ્લી મારતાં અને ફરજમાં લાપરવાહી દાખવતા હોવાનું સામે આવતાં આ શિક્ષકોને કારણદર્શક નોટીસો ફટકારી ખુલાસા મંગાવવામાં આવ્યા છે.
બનાસકાંઠા જીલ્લામાં હાલ કોરોના મહામારીને લઇ સરકારી પ્રાથમિક શાળાઓમાં બાળકોનું પ્રત્યક્ષ શિક્ષણ બંધ છે અને સ્કૂલોમાં શિક્ષકો દ્વારા ઘરે બેઠા બાળકોને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.
ત્યારે જીલ્લામાં કેટલાંક પ્રાથમિક શિક્ષકો ફરજમાં ગુલ્લી મારતાં હોવાથી અને ફરજમાં લાપરવાહી દાખવતા હોઇ જીલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે ભાભર, અમીરગઢ, પાલનપુર અને દાંતા મળી 4 તાલુકાની વિવિધ 10 સ્કૂલોની ઓચિંતી મુલાકાત લીધી હતી.
જેમાં 24 શિક્ષકોની અનિયમિતતા અને ફરજમાં લાપરવાહી સામે આવતાં આ શિક્ષકોને કારણદર્શક નોટીસો ફટકારી ખુલાસો રજૂ કરવા જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી બોલાવવામાં આવ્યા હતા. જેને લઇ ફરજમાં ગુલ્લી મારતાં શિક્ષકોમાં ફફડાટ પ્રસરી જવા પામ્યો હતો.
From-Banaskantha update