તીડોએ પાક નષ્ટ કરી નાખતાં થરાદ તાલુકાના ભરડાસર ગામની મહિલા ધ્રૂસ્કે ધ્રૂસ્કે રોઇ પડી હતી

- Advertisement -
Share

થરાદના 7 ગામોમાં ખેતીપાકોનો સફાયો, તીડોએ પાક નષ્ટ કરી નાખતાં મહિલા ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડી

વાવ, દાંતીવાડા, ભાભર, સુઇગામઃ પાક. અને રાજસ્થાન તરફથી ઘૂસેલા કરોડો તીડ છેલ્લા બે સપ્તાહથી બનાસકાંઠાને ઘમરોળી રહ્યા છે. બુધવારે 100થી વધુ ગામોમાં તીડનો આતંક જોવા મળ્યો હતો અને 6 હજાર હેક્ટરથી પણ વધુ વિસ્તારમાં પાકનો સફાયો બોલાવી દીધો છે. બનાસકાંઠામાં ઉડતી આફતના વધી રહેલા આક્રમણને લઇ ખેડૂતો સાથે સરકાર પણ હચમચી ગઇ છે. મંગળવારે રાજસ્થાનમાંથી આવેલા વિનાશકારી તીડના ઝુંડે બુધવારે થરાદ તાલુકાના 7 ગામોમાં ખેતી પાકમાં સંપૂર્ણ સફાયો બોલાવી દીધો હતો.તીડના વધતા આક્રમણને લઇ પાલનપુર કલેકટર કચેરીમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઇ હતી. તો થરાદમાં કેમ્પ ઉભો કરી દવા છંટકાવ કરવા અત્યાધુનિક વાહનો તૈનાત કરાયા છે. મુંબઈથી દવાનો વધુ જથ્થો મંગાવાયો છે. નજર સામે તીડોએ પાક નષ્ટ કરી નાખતાં થરાદ તાલુકાના ભરડાસર ગામની મહિલા ધ્રૂસ્કે ધ્રૂસ્કે રોઇ પડી હતી. થરાદના આંતરોલ ગામમાં તીડને ઉડાડવા જીપ ઉપર સ્પીકર લગાવી ગામમાં ફેરવવામાં આવી રહી છે.
ખેડૂતોની નજર સામે જ ઉભા પાકોનો સફાયો બોલાવી દીધો
કહેવાય છે કે પ્રજનનકાળ માટે તીડ ઇરાન-ઇરાક તરફ જતા હતા, જે અહીં ફંટાઇ ગયા હતા. જોકે, સ્થિતિનો તાગ મેળવવા અસરગ્રસ્ત ગામોમાં પહોંચેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી ખેતરમાં તગારા વગાડયા જેમની સાથે અન્ય નેતાઓ પણ જોડાયા હતા. મંગળવારે કરોડોની સંખ્યામાં રાજસ્થાનથી આવેલા તીડ વાવ તાલુકાના સરહદી દૈયપ, મીઠાવીચારણ, મીઠાવીરાણા ગામમાંથી થરાદ તાલુકાના તાખુવા, ભરડાસર અને કાસવી ગામની સીમમાં રાત્રી રોકાણ કર્યું હતું અને બુધવારે ફરીથી ઉડવાની શરૂઆત કરી આજુબાજુના રાણેશ્વરી, શેરાઉ, પાતીયાસરા સહિત સાત ગામોમાં તૂટી પડતાં ખેડૂતોની નજર સામે જ ઉભા પાકોનો સફાયો બોલાવી દીધો હતો. જેને લઈ મહિલા ઘરમાં ઢળી પડી અને ઉભો પાક નષ્ટ થઇ જતાં રોઇ પડી હતી.
તીડનાં ટોળાનો ખાત્મો બોલાવવાની કામગીરી શરૂ કરી દેવાઇ
રાજસ્થાનથી બીજું એક ઝુંડ બુધવારે બપોર બાદ દાંતીવાડા તાલુકાના જેગોલમાં આવી ખેતરોમાં ઉભેલા ઘઉં, રાયડો, રાજગરો, બટાકા સહિતના પાકને ખેદાન-મેદાન કર્યો છે. આ અંગે સરકારી તીડ નિયંત્રણ કચેરીને જાણ કરાતાં તીડ નિયંત્રણની કામગીરી માટે કેન્દ્રની બે ખાસ ટુકડીને જેગોલ આજુબાજુના વિસ્તારોમા મોકલીને તીડનાં ટોળાનો ખાત્મો બોલાવવાની કામગીરી શરૂ કરી દેવાઇ છે. અમીરગઢનાં ખારા, માનપુરીયા, વિરમપુરમાં તીડના ઝુંડે ગણતરીના કલાકોમાં એરંડા, રાયડો,ઘઉં પાક સફાયો કરી રહ્યાં છે. સૂઇગામના કુંભારખા, શેડવ, ભટાસણા, રડકા, એટા અને ભાભર તાલુકાના ચાતરા, તેતરવા, ચેમબુવા, સુથારનેસડી સહિતના ગામોમાં તીડે એરંડા, રાયડા જેવા પાકોને એક કલાકની અંદર નુકસાન કર્યું હતું.
દવાના જથ્થા સાથે વધુ ગાડી ફાળવાઇ
તીડની સ્થિતિને લઈ આગલા દિવસે ભારત સરકારના સેક્રેટરી સાથે વીડિયો કોન્ફરન્સથી વાત થઇ છે. આજે જોઇન્ટ ડાયરેક્ટર ડો.જે.પી. સિંઘ ઘટના સ્થળની મુલાકાત લઇ કલેકટર કચેરીમાં તમામ બાબતોની સમીક્ષા કરી છે. દવા બાબતે ખેડૂતોને સમજ અપાશે. વધુ ગાડીઓ પણ થરાદ મોકલાઇ છે અને દવા છંટકાવ કામગીરી માત્ર વિસ્તારોમાં જ કરાશે. તીડને આ તરફ આગળ આવવા નહીં દેવાય. ઇરાન અને બલુચિસ્તાનમાં મેટિંગ માટે આ તીડ જઇ રહ્યાં હતાં. જે અસામાન્ય સંજોગોમાં આ તરફ વળી ગયાં છે. અહીં આવવાનું તેમને કોઈ કારણ નથી. આ સ્થિતિમાં જલ્દી સુધાર આવે તે માટે આખું તંત્ર કામે લાગેલું છે. > સંદીપ સાગલે, કલેકટર બનાસકાંઠા
તીડની સ્થિતિ ઝડપથી નિયંત્રણ આવી જશે
ભારત સરકારના કૃષિ કલ્યાણ મંત્રાલય દ્વારા ખૂબ તાકાતથી કામ કરાઇ રહ્યું છે. મેનપાવર અને મશીનરીની કોઇ કમી નથી. આવનારા દિવસોમાં સફળતા મળશે. રાજસ્થાનમાં પણ અનેક ટીમો કામ કરી રહી છે. માત્ર કેટલાક ઝુંડ ગુજરાતમાં આવ્યા છે. તેમની પર નિયંત્રણ આવી જશે. આ ઝુંડ બલુચિસ્તાન ઇરાન માઈગ્રેટ થઈ રહ્યું હતું. જે ભોજન માટે અહીં રોકાઈ ગયું છે.> ડો.જે.પી. સિંઘ, જોઇન્ટ ડાયરેક્ટર, કૃષિ કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર
30 ફૂટ સુધી દવા ફેંકી શકે તેવા મશીનનો પહેલીવાર થરાદમાં ઉપયોગ કરાશે
થરાદમાં તીડના આતંક સામે અત્યાધુનિક દવા ફેંકવાનું મશીન પહેલીવાર થરાદમાં ઉપયોગ કરવામાં આવનાર છે. ફાલ્કન મશીનની ખાસિયત એ છે કે 30 ફૂટ દૂર 8 ફૂટ ઊંચે દવા ફેંકી શકે છે. આવા 3 નવા મશીનો મુકવામાં આવશે. જે એક દિવસમાં 120 એકર કવર કરી લેશે.
તીડ વારંવાર ખાય અને ખાધેલું તરત કાઢી નાખે
તીડ જે ખાય તે જલ્દી બહાર કાઢી નાખતા હોઈ તેઓની ભૂખ શાંત થતી નથી અને ખા-ખા કરે છે. આમ કદમાં નાનું પણ મોટું નુકસાન કરતી જીવાત છે. તીડો દિવસે ઉઠતા જાય ને ખેતરમાં લીલું દેખે ત્યારે ખેતરમાં ઉતરી પાકો ખાઇ જાય છે અને રાતે જ્યાં રોકાણ કરે ત્યાં સફાયો કરે છે.
સતલાસણાના 4 ગામોમાં ફરી તીડ દેખાતાં ખેડૂતોમાં ફફડાટ
બનાસકાંઠા તરફથી મહેસાણાના સતલાસણા તરફ તીડનું મોટુ ઝુંડ બુધવારે બપોરે ફરી આવતા ખેડૂતોના જીવ અધ્ધર થયા હતા. સતત બે કલાક સુધી ખારી, મોટીભાલુ, સુદાસણા, જસપુરીયા ચાર ગામ પટ્ટા ઉપર હવામાં તીડનું ઝુંડ ચકરાવોમાં રહીને સાંજે બનાસકાંઠાના હળવદ પોશીના તરફ ફંટાયુ હતું. જોકે આ મોટા ઝુંડમાંથી ભૂલા(છુટા) પડેલા 50-150 તીડના નાના નાના ઝુંડ સાંજે સતલાસણાના જસપુરીયા, સુદાસણા ગામના પટ્ટામાં છૂટાછવાયા રહેતા ખેતીપાકને લઇને ખેડૂતો ચિંતામાં મૂકાયા હતા.આ ચારેય ગામ ખેડૂતોએ ઢોલ, તપેલા ખખડાવી, તાપણા કરીને ખેતરમાં જ દિવસ પસાર કર્યો. જ્યારે વિસ્તરણ, મદદનીશ ખેતી નિયામક, ગ્રામસેવક સહિતની ટીમ તીડની દિશામાં સર્વેલન્સમાં રહ્યા હતા.
ઢોલ-નગારા વગાડવાનું ચાલુ રાખ્યું
ખારી ગામના મહિલા સરપંચના પતિ સરતાનજી ઠાકોરે કહ્યુ કે, સવારે તીડનું એક ઝુડ હવામાં દોઢ કલાક ઘુમરાયુ અને આગળ ચાલ્યુ. બપોરે 3 વાગ્યે તીડનું મોટુ ઝુડ આવ્યુ અને બે કલાક ઉંચાઇએ ઉડતું રહ્યું. ખેડૂતો ખેતરોમાં આખો દિવસ ઢોલ નગારા વગાડવાનું ચાલુ રાખેલુ. આજે તીડ બેઠા નહોતાં. પણ બે દિવસ પહેલા તીડના ઝુંડ ઘઉં, વરિયાળી પાકના ઘણા ખેતર ઉજ્જડ કરી ગયા હતા.


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!