આગથળા પોલીસે કરજણથી ગુમ થયેલ રાજસ્થાની યુવકનું પરીવાર સાથે મિલન કરાવ્યું

Share

રાજસ્થાનનો યુવક મુંબઇથી નવ મહિના અગાઉ લકઝરી બસમાં ઘરે આવતો હતો ત્યારે બસ વડોદરાના કરજણ ગામે ઉભી રહેતા યુવક નીચે ઉતર્યો હતો અને થોડીવાર બાદ બસ ઉપડી જતાં યુવક રહી ગયો હતો. આથી માનસિક સંતુલન જતું રહેતા 26 ડિસેમ્બરના રોજ લાખણીના આગથળા પોલીસને યુવક મળી આવ્યો હતો.1

 

રાજસ્થાનનો ભરતસિંહ ભવરસીંહ ભાટી (ઉં.વ.38,રહે.સેરૂના (નારસીસર), તા.ડુંગરગઢ) નામનો યુવક મુંબઇ નોકરી કરતો હતો. જે યુવક નવ મહિના પહેલાં લકઝરી બસમાં રાજસ્થાન(વતન)માં આવતો હતો અને રસ્તામાં વડોદરાના કરજણ ગામે લકઝરી બસ ઉભી રહેતાં યુવક પણ ઉતર્યો હતો. જોકે, ત્યારબાદ બસ ઉપડી જતાં તે રહી ગયો હતો.

આથી તેનું માનસિક સંતુલન ગુમાવી દીધું હતું. બીજી બાજુ તેની ચીજવસ્તુઓ બિકાનેર પહોંચી ગઇ હતી. પરંતુ યુવક નહી પહોંચતાં પરિવારને શોધખોળ દરમિયાન ઉપરોક્ત ઘટનાની જાણ થતાં પરિવારે આવીને તા.23 માર્ચ-2021 ના રોજ કરજણ (વડોદરા ગ્રામ્ય) પોલીસને જાણ કરતાં ગુમ રજીસ્ટરે નોંધ પણ કરાઇ હતી.

 

જ્યારે તા.26 ડિસેમ્બર-2021 ના રોજ આગથળા પોલીસ સ્ટેશનના (PSI) પી.એન.જાડેજા તથા સ્ટાફ વિક્રમદાન ભવાનીદાન અને મહેન્દ્રસીંહ વસનાજીને પેટ્રોલિંગ દરમિયાન આગથળા તા.લાખણી ખાતેથી આ યુવક મળી આવ્યો હતો. જેની મનોદશા ઠીક ન જણાતાં પોલીસ મથકમાં લાવીને પુછતાછ કરતાં તેણે બિકાનેરનું નામ આપતાં પોલીસે ઇ-ગુજકોપમાં ખોવાયેલ વ્યકિતમાં જઇ સર્ચ કરી બિકાનેર તપાસ કરી પરિવારને જાણ કરી હતી અને વિડીયો કોલથી વાત પણ કરાવી હતી. જ્યારે રવિવારે રાજસ્થાનથી પરિવાર દોડી આવ્યો હતો અને પોલીસે તેમને સોંપ્યો હતો.

 

From – Banaskantha Update


Share