26 DECEMBER જીવદયા દિવસ જાહેર કરવા કરવા જીવદયાપ્રેમીઓની લાગણી સાથે માંગણી

Share

ગત 26 ડીસેમ્બરના ગોઝારા દિવસે જીવદયા પ્રેમી ભરતભાઈ કોઠારીનો જીવનદીપ બુજાયો હતો. 26 ડીસેમ્બરને જીવદયા દિવસ તરીકે મનાવવા આવે તેવી જીવદયા પ્રેમીઓની લાગણી છે. સ્વર્ગસ્થ ભરતભાઈ કોઠારીની પ્રથમ વાર્ષિક પૂણ્યતિથીએ શ્રદ્ધા સુમન અર્પણ કરાશે. જીવદયા પ્રેમી ભરતભાઈ કોઠારી સહિત ત્રણ જીવદયા પ્રેમીઓના રાજસ્થાનના જાલોર નજીક માર્ગ અકસ્માતમાં અકાળે નિધન થયા હતા.

ગત 26 ડીસેમ્બર 2020ના ગોઝારા દિવસે ડીસા સહિત જિલ્લાના જાણીતા જીવદયા પ્રેમી ભરતભાઈ કોઠારી, વિમલભાઈ તેમજ રાકેશભાઇનું રાજસ્થાનના જાલોર નજીક સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં અકાળે નિધન થતાં બનાસ વાસીઓએ આઘાતનો આંચકો અનુભવ્યો હતો.

જાંબાઝ અને બાહોશ જીવદયા પ્રેમી અને અબોલ જીવોના મસીહા ભરતભાઈ કોઠારીના અકાળે નિધનથી જૈન સમાજમાં જ નહીં પરંતુ તમામ સમાજને તેમની ખોટ પડી છે. બનાસકાંઠા સહિત ગુજરાત અને છેક રાજસ્થાનના કતલખાને ધકેલાતા અબોલ જીવોને જીવના જોખમે બચાવનાર ભરતભાઈ કોઠારી જીવદયા પ્રેમી તરીકેની ઉમદા ઓળખ ધરાવતા હતા.

FILE PHOTO

જેઓ મોતના મુખમાં ધકેલાતા અસંખ્ય જીવોને બચાવી સાચા અર્થમાં અબોલ જીવોના તારણહાર પુરવાર થયા હતા. રાજપુર અને કાંટ પાંજરાપોળમાં હજારો નહિ પણ લાખો જીવોને કાયદાના સહારે બચાવી જીવદયા ક્ષેત્રે ખડેપગે રહી અબોલ જીવોના જતન માટે સતત ઝઝૂમતા રહ્યા હતા. તેમના નિધનથી ડીસા સહિતની પાંજરાપોળ અને ગૌશાળાઓના સંચાલકો અને જીવદયા પ્રેમીઓએ મજબૂત અને વિશ્વસનીય સાથી ગુમાવ્યો હોવાની લાગણી દર્શાવી હતી.

FILE PHOTO

આજે જીવદયા પ્રેમી સ્વર્ગસ્થ ભરતભાઈ કોઠારી, વિમલભાઈ તેમજ રાકેશભાઇની પ્રથમ વાર્ષિક પૂણ્યતિથી છે ત્યારે ડીસાના રાજપુર અને કાંટ પાંજરાપોળમાં તેઓને શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવશે. તો બીજી તરફ સ્વર્ગસ્થ ભરતભાઈ કોઠારીના સ્મરણાજંલી રૂપે 26 ડીસેમ્બરને જીવદયા દિવસ તરીકે મનાવવામાં આવે તેવી જીવદયા પ્રેમીઓની સરકાર સમક્ષ લાગણી છે. #26decjivdayadivas

જીવલેણ હુમલા છતાં હિંમત ના હાર્યા

જૈન પરિવારમાં જન્મેલા ભરતભાઈ કોઠારીએ યુવાની કાળથી જ અબોલ જીવોને જીવાડવાનો જીવનમંત્ર બનાવી લીધો હતો. કતલખાને જતા અબોલ જીવોને બચાવવાની કામગીરી દરમિયાન અનેક વખત તેમની ઉપર જીવલેણ હુમલા થયા અને ફરિયાદો પણ થઈ છતાં પણ હિંમત હાર્યા વિના નીડરતાથી તેનો સામનો કરી જીવદયાની અવિરત કામગીરી આજીવન ચાલુ રાખી હતી અને હજારો નહિ પણ લાખો અબોલ જીવોને અભયદાન આપી તેમના મૂંગા આશીર્વાદ મેળવ્યા હતા.

જીવનના અંતિમ શ્વાસ સુધી જીવદયા

સમગ્ર ગુજરાત અને રાજસ્થાનમાં અબોલ જીવોના રક્ષક એવા ભરતભાઈ કોઠારીએ તેમનું સંપૂર્ણ જીવન જીવદયા પાછળ ખર્ચી નાખ્યું હતું. દિવસ રાત અબોલ જીવોને જીવાડવાના એકમાત્ર લક્ષ્ય પાછળ આજીવન દોડતા રહ્યા. અબોલ જીવો પ્રત્યેની તેમની અનુકંપા અને લાગણી જીવનના અંતિમ સમય સુધી જોવા મળી. રાજસ્થાનના જાલોર નજીક શ્વાનને બચાવવાના પ્રયાસમાં તેમની ગાડી પલટી ખાઈ જતા તેમની અણધારી વસમી વિદાય થઈ હતી.

 

અનેક એવોર્ડથી વિભૂષીત…

માત્ર બે જીવોની કુરબાની અટકાવવા માટે જીવ સટોસટની બાજી ખેલીને શ્રી રાજપુર-ડીસા પાંજરાપોળના નામે વટવૃક્ષ સમી સંસ્થાનું નિર્માણ કરેલ તેમના જીવદયા લક્ષી કાર્યોથી પ્રભાવિત થઈને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગુજરાત સરકારે બહુમાન કરેલ તેમજ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ દ્વારા બહુમાન થયેલ તે સિવાય અનેક સંસ્થાઓ દ્વારા તેઓનું વારંવાર સન્માન થયેલ.

આ સંસ્થા પર 450થી વધુ કેસો દ્વારા એક લાખથી વધુ જીવોને કતલખાને જતા બચાવેલ તેમજ કેટલાય ત્યજાયેલા બાળક અને બાળીકાઓને પણ યોગ્ય પરિવારને સોપીને ઉછેર કરાવેલ છે.

 

જીવદયાનો જીવનમંત્ર…

જીવદયાને જીવનમંત્ર તરીકે અપનાવનાર ભરતભાઈ કોઠારી રાત દિવસ દેખ્યા વિના જીવદયાના કામમાં હરહંમેશ મોખરે રહેતા હતા. કતલખાને જતા પશુ જીવોને જીવના જોખમે બચાવવા સાથે જીવોના યોગ્ય નિભાવ માટે પણ સતત સંઘર્ષ કરતા રહી ઝઝૂમતા હતા. આમ જીવદયાનો પર્યાય બની ગયેલા ભરતભાઈ કોઠારીની નિર્ભયતા બદલ સરકાર અને સામાજિક તેમજ સેવાભાવી અનેક સંસ્થાઓએ જીવદયા ક્ષેત્રે તેમના અમૂલ્ય યોગદાનની કદર કરી અદકેરૂ સન્માન સાથે એવોર્ડોથી પણ નવાજયા હત.

ટ્રેન દ્વારા કતલખાને જતા જીવો બચાવ્યા

એક વખત 1,500થી વધુ વાછરડા ભરીને ટ્રેન કતલખાને લઈ જવાતી હતી. ભરતભાઈ કોઠારીને તેની ખબર પડી તેમણે ટ્રેનને અમિરગઢથી રોકવાનો પ્રયત્ન કર્યો પરંતુ ટ્રેન ન રોકાઈ. ટ્રેન અમદાવાદ પહોચી અમદાવાદમાં જીવદયા કાર્યકરોએ ટ્રેન રોકવાનો પ્રયત્ન કર્યો છતાં પણ ન રોકાઈ. એ ટ્રેન આણંદ પહોચી. ભરતભાઈ અને અનેક ગૌભકતો ત્યાં પહોચ્યા કોર્ટમાં કેસ દાખલ કર્યો કે ટ્રેનમાં ગૌવંશ ભરવાની પરમીશન નથી. કોર્ટે તાત્કાલિક ચુકાદો આપ્યો. ટ્રેન ચેક કરાવી. તો માલુમ પડ્યું કે તેમાં ગેરકાનૂની રીતે વાછરડા ભરેલ હતા.

એ ગૌધનનો કબજો રાજપુર ડીસા પાંજરાપોળને અપાયો. 1,500થી વધુ ગાયો ભરવા કેટલી ટ્રક જોઈએ..? કોર્ટે ચૂકાદો આપ્યો અને આ ટ્રેન પાછી પાલનપુર લઈ જવામાં આવે અને ટ્રેન પાલનપુર પહોચી અને બધા જ અબોલ જીવોને રાજપુર ડીસા પાંજરાપોળમાં સાચવવામાં આવ્યા. આમ ભરતભાઈ અબોલ જીવોની રક્ષા માટે ક્ષત્રિય જેવા શુરવીર હતા. આવા તો અબોલ જીવોને બચાવવાના રૂવાંડા ખડા કરતા બનાવો લોક જુબાને રમી રહ્યા છે.

 

From – Banaskantha Update


Share