ACB ની સફળ ટ્રેપથી આસીસ્ટન્ટ ન્યુટ્રીશન ઓફીસર અને કુક કમ હેલ્પર રંગેહાથ લાંચ લેતાં ઝડપાયા

Share

 

ધાનેરા તાલુકા હેલ્થ ઓફીસમાં ગુરૂવારે બાળ સંજીવની કેન્દ્રના આસીસ્ટન્ટ ન્યુટ્રીશન ઓફીસર અને કુક કમ હેલ્પર કુપોષિત બાળકોને સરકાર દ્વારા મળતી સહાય લાભાર્થીને અપાવવા લાભાર્થી પાસેથી રૂ. 1,000 ની લાંચ લેતાં પાટણ એ.સી.બી. પોલીસે ઝડપી પાડયા હતા.

 

 

આ અંગેની વિગત એવી છે કે, રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા બાળ સંજીવની યોજના હેઠળ કુપોષિત બાળકોના વાલીઓને રૂ. 5,000 ની સહાય આપવામાં આવે છે. જેમાં ધાનેરા તાલુકા હેલ્થ ઓફીસમાં ધાનેરા તાલુકાની એક મહીલાએ પોતાની બે બાળકીઓ માટે કુપોષિત યોજના અંતર્ગત સહાય મેળવવા અરજી કરી હતી.

 

 

જે સહાયના નાણાં અપાવવા માટે ધાનેરા હેલ્થ ઓફીસના બાળ સંજીવની કેન્દ્ર વિભાગના આસીસ્ટન્ટ ન્યુટ્રીશન ઓફીસર ટીનાબેન ડાયાભાઇ દેવડા અને બાળ સંજીવની કેન્દ્રના કુક કમ હેલ્પર વસંતીબેન નરેન્દ્રભાઇ ચૌહાણ દ્વારા લાભાર્થી પાસે રૂ. 1,000 ની લાંચની માંગણી કરાઇ હતી. જો કે, લાભાર્થી આ લાંચની રકમ આપવા માંગતા ન હોય તેઓએ લાંચ રૂશ્વત વિરોધી દળનો સંપર્ક કર્યો હતો.

 

 

જેથી બોર્ડર રેન્જ ભૂજના એ.સી.બી. એકમના મદદનીશ નિયામક કે.એચ.ગોહીલના માર્ગદર્શન હેઠળ પાટણ એ.સી.બી. પોલીસ સ્ટેશનના પી.આઇ. જે. પી. સોલંકી દ્વારા ગુરૂવારે છટકું ગોઠવતાં આ બંને આરોગ્ય વિભાગના કર્મચારી ધાનેરા બાળ સંજીવની કેન્દ્રની સામે રોડ પર રૂ. 1,000 ની લાંચ લેતાં એ.સી.બી.ના હાથે રંગેહાથ ઝડપાઇ ગઇ હતી. આ અંગે પાટણ એ.સી.બી. પોલીસે બંનેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share