ગુજરાતમાં દંગલ મૂવીને પણ ટક્કર મારે એવી હકીકત : ખેતરને કુસ્તીનો અખાડો બનાવી 6 ખેલાડીઓએ ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવ્યા

Share

બોલીવુડની દંગલ મૂવીને પણ ટક્કર મારે તેવી જમીની હકીકત વચ્ચે હળવદ ગ્રામ્યના એક-બે નહી પણ છ-છ ખેલાડીઓએ ખેતરને જ કુસ્તીનો અખાડો બનાવી રાષ્ટ્રીય કુસ્તી સ્પર્ધામાં ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવતાં ‘રમશે ગુજરાત, જીતશે ગુજરાત’નું સ્વપ્ન સરકારની મદદ વિના સાકાર થયું છે અને આવતાં દિવસોમાં ગોલ્ડ મેડલ મેળવેલા ચારેય ખેલાડીઓ નેપાળ રાષ્ટ્રીય કક્ષાની કુસ્તી સ્પર્ધામાં ભાગ લેશે.

 

 

કોઈપણ સુવિધા, સહકાર કે આર્થિક મદદ મળ્યા વિના હળવદ તાલુકાના નાના એવા મંગલપુર ગામના ખેલાડીઓએ રાષ્ટ્રીય કક્ષાની કુસ્તી સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં 62 કે.જી. કેટેગરીમાં અલ્પાબેન કુડેચાએ ગોલ્ડ મેડલ મેળવ્યો છે. જ્યારે 64 કે.જી કેટેગરીમાં ગેલાભાઈ ભરવાડે, 54 કે.જી કેટેગરીમાં સાગરભાઇ કુડેચા અને 50 કે.જી કેટેગરીમાં ગોપાલભાઈ ઠાકોરે ગોલ્ડ મેડલ મેળવી રાજ્યનું ગૌરવ વધાર્યું છે.

 

 

આ ઉપરાંત 62 કે.જી કેટેગરીમાં મેહુલભાઈ આલ અને 54 કે.જી કેટેગરીમાં વિક્રમભાઈએ સિલ્વર મેડલ મેળવ્યો છે. સાથે સાથે 3,000 મીટર દોડમાં પણ ત્રીજો નંબર આજ ગામના હીતેશભાઈ કુડેચાએ મેળવ્યો છે. જેથી તેમણે પણ બ્રોન્ઝ મેડલ મેળવ્યું છે.

 

 

અત્રે ઉલ્લેખનીય છે કે, ગોલ્ડ મેડલ મેળવેલ 4 ખેલાડીઓ અને સિલ્વર મેડલ મેળવેલ ખેલાડીઓ તેમજ દોડ સ્પર્ધામાં પણ ત્રીજો નંબર મેળવેલ ખેલાડી સહીત સાતેય ખેલાડીઓ કોઈપણની મદદ વગર રાષ્ટ્રીય લેવલની કુસ્તી અને દોડ સ્પર્ધામાં ચમક્યા છે. આ સાતેય ખેલાડીઓ ખેતરને કુસ્તીનો અખાડો બનાવી પ્રેક્ટિસ કરે છે. વધુમાં જણાવ્યું હતું કે , બીજું તો કંઈ નહીં પરંતુ કુસ્તી સમયે મેટ ગાદલાની જરૂર પડે તે જો તે મળે તો પ્રેક્ટિસ સમયે ઘણી વખત ઇજા પહોંચી હોય છે તો તેમાંથી બચી શકીએ.

From-Banaskantha update

 


Share