પાલનપુર ડોકટર હાઉસની એક ખાનગી હોસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દીનું મોત નિપજ્યું હતુ. જ્યાં નાણાંના અભાવે પરિવારજનો અટવાઇ રહ્યા હતા. ત્યારે પાલનપુરના એમ્બલ્યુલન્સ ચાલક તેમની વ્હારે આવી વિનામૂલ્યે મૃતદેહ સિધ્ધપુર મુકી આવ્યા હતા. આ એમ્બ્યુલન્સ ચાલક કોરોનાકાળમાં માત્ર અડધુ ભાડું લઇ ઓક્સિજન સાથે એમ્બ્યુલન્સની સેવા પુરી પાડી માનવતા નિભાવી રહ્યા છે.
હોમ કવોરેન્ટાઇન થયેલા લોકો માટે વિનામૂલ્યે ટિફિન સેવા ચાલી રહી છે. તો કેટલાક લોકો પોતાની એમ્બ્યુલન્સ થકી રાહતદરે દર્દીઓને સેવા પુરી પાડી રહ્યા છે. જ્યાં પાલનપુર હેડ કવાર્ટસ વિસ્તારમાં રહેતા રાજુભાઇ ભીખાભાઇ શ્રીમાળી કોરોના દર્દીઓની વ્હારે આવ્યા છે.
તેમણે જણાવ્યું હતુ કે, બે દિવસ અગાઉ પાલનપુર ડોકટર હાઉસની એક ખાનગી હોસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દીનું મોત નિપજ્યું હતુ. સિધ્ધપુરના આ પરિવાર નાણાંના અભાવે મૃતદેહ લઇ જવા માટે અટવાઇ ગયો હતો. જેઓ મારી પાસે આવી સઘળી હકિકત જણાવતાં હું વિનામૂલ્યે મૃતદેહ સિધ્ધપુર મુકી આવ્યો હતો.

કોરોનાના કપરા સમયે માણસ માણસને મદદરૂપ બની દિલાસો આપે એ જરૂરી છે. એનાથી જ કોરોના સામે જંગ જીતી શકાશે. વર્તમાન સમયે એક તરફ મંદી, મોઘવારીનો સમય છે. ત્યારે કોરોનાના દર્દીઓના પરિવારજનો માટે પાલનપુર શહેરમાં ઓક્સિજન સાથે માત્ર રૂપિયા 300ના નજીવા દરે એમ્બ્યુલન્સ આપી રહ્યો છુ. જે અન્ય એમ્બ્યુલન્સના ચાલકો રૂપિયા 700થી 800 લે છે.
From – Banaskantha Update