કુંભમાં ગયેલી કોઈપણ વ્યક્તિને ગામમાં સીધો પ્રવેશ નહીં મળે, ફરજિયાત RT-PCR ટેસ્ટ થશે અને આઇસોલેટ રહેવું પડશેઃ મુખ્યમંત્રી રૂપાણી
- પણ એક સળગતો સવાલ, શું સરકાર પાસે ગુજરાતથી કુંભ ગયેલા લોકોની યાદી છે?
- બેઠકમાં મુખ્યમંત્રીએ કોરોના નિયંત્રણ માટે વ્યવસ્થા કરવા વહીવટી તંત્રને માર્ગદર્શન આપ્યું
- જામનગર જિલ્લાની કોરોના પરિસ્થિતિને અનુલક્ષી મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ
કોરોનાની સ્થિતિ અને એના નિયંત્રણ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી, જામનગર ખાતે આજે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ છે.
સમીક્ષા બેઠક બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકારોને જણાવ્યું હતું કે કુંભમાં ગયેલી એકપણ વ્યક્તિને તેમના ગામમાં સીધો પ્રવેશ આપવામાં આવશે નહીં. તેમના આરટીપીસીઆર ટેસ્ટ કરાશે અને તેમને ફરજિયાતપણે આઇસોલેટ થવું પડશે. તેમના માટે ગામમાં નાકાબંધી લગાવવા પ્રાંતમાં કલેક્ટરોને સૂચના આપી દેવામાં આવી છે.
કુંભમાં ગયેલા લોકો કોરોના સ્પ્રેડર ન બને એ માટે આપણે અલગ વ્યવસ્થા ઊભી કરી
મુખ્યમંત્રી વિજય રુપાણીએ જામનગરની નિરીક્ષણ મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે કુંભમેળામાં ગયેલા શ્રદ્ધાળુઓ ગુજરાત પરત ફરશે ત્યારે દરેક જિલ્લામાં કલેક્ટરને સૂચના આપવામાં આવી છે કે એ તમામ લોકોને આઇસોલેટ કરવામાં આવે, એ તમામના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવે અને તેમાંથી જે કોઇપણ સંક્રમિત હોય તેને તાત્કાલિક સારવાર આપવામાં આવે.
કુંભમાં ગયેલી કોઇપણ વ્યક્તિને સીધેસીધા પોતાના ગામમાં પ્રવેશ નહીં મળે, તેમના માટે ગામમાં નાકાબંધીની સૂચના પ્રાંતમાં કલેકટરને આપવામાં આવી છે. કુંભમાં ગયેલા લોકો કોરોના સ્પ્રેડર ન બને એ માટે આપણે અલગ વ્યવસ્થા ઊભી કરી છે.
મુખ્યમંત્રી સાથે જામનગર જિલ્લાની કોરોના પરિસ્થિતિને અનુલક્ષી સમીક્ષા બેઠક યોજાઈ
મુખ્યમંત્રી વિજય રૂપાણી અધ્યક્ષસ્થાને અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને કેબિનેટ મંત્રી આરસી ફળદુ અને રાજ્યમંત્રી હકુભા, સાંસદ પૂનમબેન માડમ તેમજ આરોગ્ય સચિવ જયંતી રવિની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી.