પેપર કાંડમાં હેડ ક્લાર્કની પરીક્ષા રદ : મુખ્ય સૂત્રધાર ઝડપાયો

Share

 

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ હેડ ક્લાર્ક પેપર લીક મામલે માહિતી સામે આવી છે. પેપર લીક મામલાનો માનવામાં આવતો મુખ્ય આરોપી જયેશ પટેલની પોલીસે અટકાયત કરી છે. આ સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, ‘હેડ ક્લાર્કની પરીક્ષા રદ કરવામાં આવે છે.’

 

 

પેપર લીક કાંડમાં મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને ઉચ્ચસ્તરીય બેઠક યોજવામાં આવી રહી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સમગ્ર કેસની સી.એમ. ભૂપેન્દ્રભાઇ પટેલને જાણ કરશે. સમગ્ર કેસમાં તપાસ ક્યાં સુધી પહોંચી છે અને આગળ આ મામલે શું કરી શકાય તે અંગે વિગતવાર માહિતી આપશે. આ બેઠક બાદ આ પરીક્ષા રદ થશે કે નહીં તે અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જાણ કરશે.

 

એફ.આઇ.આર.માં જયેશ પટેલનો મુખ્ય આરોપી તરીકે ઉલ્લેખ છે. જયેશ પટેલે જ ગૌણ સેવા પસંદગી મંડળમાં આ પેપર ફોડયું હોવાનું પહેલાં કહેવામાં આવી રહ્યું હતું. પરીક્ષાના એક દિવસ પહેલાં જ કૌભાંડીઓ પાસે પેપર પહોંચી ગયા હતા. આ કાંડની પોલીસ ફરિયાદ પ્રમાણે, પ્રાંતિજ તાલુકાના ઉંછા ગામના જયેશ પટેલે કોઇની મદદથી પેપરની નકલ મેળવી હતી.

 

તેણે ઉંછા ગામના જશવંત પટેલ અને તેના પુત્ર દેવલ પટેલને પેપરની નકલ આપી હતી. જે બાદ દેવલ પટેલ પ્રાંતિજના પોગલું ગામે પોતાના સસરા મહેન્દ્ર પટેલના ઘરે પાંચ પરીક્ષાર્થીઓને લઇને ગયો હતો. જેમા ધૃવ બારોટ પણ હતો. આ પાંચેય પરીક્ષાર્થીઓને પેપર સોલ્વ કરાયા હતા. આ દરમિયાન તેમના મોબાઇલ પણ બંધ કરાવી દેવાયા હતા. બાદમાં તેમને અલગ-અલગ વાહનોમાં બેસાડીને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડયા હતા. પરીક્ષા પુરી થયા બાદ તેમને મોબાઇલ પરત કરાયા હતા.

 

જયેશ પટેલે પેપરની એક નકલ હિંમતનગરના દર્શન વ્યાસને આપી હતી. જેને દર્શને હિંમતનગરના કુલદીપ પટેલને આપી હતી. કુલદીપે પાંચ પરીક્ષાર્થીઓને તેના ઘરે બેસાડી પુસ્તકો આપીને પેપર સોલ્વ કરાવ્યા હતા. બાદમાં તેણે હિંમતનગરના સુરેશ પટેલ અને અન્ય પરીક્ષાર્થીઓને ગાંધીનગરથી એક ગાડીમાં સતિષ પટેલના ઘરે મોકલી આપ્યા હતા.

 

આ સોલ્વ કરેલા પેપર તેણે પરીક્ષાર્થીઓને ગોખવા માટે આપ્યા હતા. સવારે પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડવામાં આવ્યા હતા. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હાથ ધરાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાના પેપર લીક મામલે એવો ખુલાસો સામે આવ્યો હતો કે, પેપર પ્રિન્ટીંગ પ્રેસમાંથી જ લીક થયું હતું. આ અંગે ગાંધીનગરના રેન્જ આઇ.જી. અભય ચુડાસમાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ‘સાણંદમાં આવેલા પ્રિન્ટીંગ પ્રેસમાં હેડ ક્લાર્કનું પેપર લીક થયું હતું.

 

આરોપી કિશોર આચાર્યએ રૂ. 9 લાખમાં મંગેશને આ પેપર વેચ્યું હતું. ગાંધીનગર એલ.સી.બી.એ કિશોર આચાર્યની અટકાયત કરી છે. ઝડપાયેલા આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. પૂછપરછ દરમિયાન પોલીસે આરોપીઓ પાસેથી ઉમેદવારોની વિગતો પણ મેળવી હોવાનું સૂત્રો મુજબ જાણવા મળ્યું છે. પોલીસે અત્યાર સુધી 70 થી વધુ ઉમેદવારોના નામ અને સરનામા મેળવ્યા હોવાનું જાણવા મળ્યું છે.’

 

 

 

From-Banaskantha update

 

 

 


Share