અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટીમાં આવેલા ઇડન-V ફ્લેટમાં ચોથા માળે આજે સવારે આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગવાની ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની આઠથી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને એક કલાકમાં આગને કાબૂમાં લીધી હતી. ફાયર બ્રિગેડના જણાવ્યા મુજબ જ્યારે ફાયર ટીમ ઘરમાં પહોંચી ત્યારે કોઈ ઘરમાં ન હોતું.
સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે, ઘરમાં રહેતા પતિ-પત્ની પહેલા જ નીચે ઉતરી ગયા હતા. ફાયર વિભાગની ટીમે દંપતિને ગ્રાઉન્ડ ફ્લોર પર એકબીજાને છરીથી ઘા માર્યા હોય તેવી હાલતમાં જોયું હતું. ઘરકંકાસના પગલે સમગ્ર ઘટના સર્જાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ ઝઘડામાં બે માસૂમોએ માતાની છત્રછાયા ગુમાવી દીધી છે.
આ પરિવારમાં પતિ અનિલ બઘેલ અને પત્નિ અનિતા બઘેલ સાથે તેમની ધોરણ 6માં ભણતી એક પુત્રી અને ધોરણ 8માં ભણતો પુત્ર પણ રહે છે. બાળકો સવારે સ્કૂલે ગયા હતા અને બાદમાં ઘરે પતિ-પત્નિ વચ્ચે ઝઘડો થયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
ફાયર અધિકારી મિથુન મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, અમને કોલ મળતા તાતકાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઇડન-Vના ચોથા માળે 405 નંબરના મકાનમાં આગ લાગી હતી. ફાયર ફાઈટરની ટીમે જોયું તો ગ્રાઉન્ડ ફ્લોર પર જ પતિ-પત્નીએ એક બીજાને છરીના ઘા માર્યા હોય તેવી રીતે પડ્યાં હતા. જેમાં મહિલાનું મોત નિપજ્યું હતું. જ્યારે પતિને સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.
ઈડન-Vમાં રહેતા આ પરિવારમાં પતિ અનિલ બઘેલ અને પત્નિ અનિતા બઘેલ સાથે તેમની ધોરણ 6માં ભણતી એક પુત્રી અને ધોરણ 8માં ભણતો પુત્ર પણ રહે છે. બાળકો સવારે સ્કૂલે ગયા હતા અને બાદમાં ઘરે પતિ-પત્નિ વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ આગની ઘટના બની હોવાનું સ્થાનિક લોકો પાસેથી જાણવા મળ્યું છે. ઘરકંકાસના પગલે આ આખી ઘટના સર્જાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ઇડન V ફ્લેટના બ્લોકમાં જ્યાં આગ લાગી હતી તે જ બ્લોકમાં રહેતા એક મહિલાએ જણાવ્યું હતું કે, હું ઘરમાં હતી ત્યારે મારા પાડોશમાં રહેતા એક બહેનએ મને કહ્યું કે ધુમાડો નીકળે છે. જેથી મેં મારા પતિને કહ્યું અને અમે બંને બહાર નીકળ્યા તો ધુમાડો જોવા મળ્યો હતો. તરત જ અમે નીચે જવા માટે નીકળ્યા ત્યારે મારા પતિએ કહ્યું ચલો લિફ્ટમાં જઈએ પણ મેં કીધું આવી ઘટના બને ત્યારે લિફ્ટમાં જવાય નહીં, જેથી અમે સીડીઓથી નીચે ઊતર્યા ત્યારે આગ લાગેલી જોવા મળી હતી.
નીચે આવીને જોતા બેથી ત્રણ લોકો ઊભા હતા અને મેં ફાયર બ્રિગેડમાં ફોન કર્યો પરંતુ ફોન લાગ્યો નહીં અને ત્યારબાદ સીધો પોલીસને ફોન કર્યો હતો કે આ જગ્યાએ આગ લાગવાની ઘટના બની હતી. સિક્યુરિટી ગાર્ડ છે તે બંને પતિ પત્નીને નીચે લાવ્યા હતા. પાંચથી દસ મિનિટની અંદર અમને સામેથી ફાયર બ્રિગેડમાંથી ફોન આવ્યો કે કઈ જગ્યાએ આગ લાગી છે અને અમે માહિતી આપી તે એટલે પોલીસ અને ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
આ અંગે ફ્લેટના સિક્યુરિટી ગાર્ડ જીજ્ઞેશ ડામોરે જણાવ્યું કે, ગેટ પરથી સિક્યુરિટીને જાણ કરવામાં આવી કે V બ્લોકમાં ચોથા માળે આગ લાગી છે. જેથી અમે અન્ય ગાર્ડ સાથે તાત્કાલિક દોડી ઉપર ગયા હતા. અમે ત્યાં જોયું કે, 405 નંબરમાં રહેતા અનિલભાઈ બઘેલ દરવાજો ખોલીને બહાર આવતા હતા અને તેમની પત્ની અંદર હતા. બંને પતિ-પત્ની ઈજાગ્રસ્ત હાલતમાં હતા.
જયારે પતિએ પોલીસને હાલમાં નિવેદન આપતા જણાવ્યું કે, છોકરાઓને સ્કુલ પર મૂકીને ઘરે આવતા નાસ્તો બનાવવા જેવી બાબતે ઝઘડો થયો હતો અને પત્નિ અનિતાએ પતિ અનીલ પર છરી વડે હુમલો કર્યો અને બાદમાં ગેસની પાઈપલાઈન કાપી આગ લગાવી દીધી હતી અને અંતમાં પોતાનું જ ગળું કાપી લીધું હતું.
From – Banaskantha Update