સુઇગામથી 20 કિ.મી. દૂર નડાબેટ ખાતે બિરાજમાન શ્રી નડેશ્વરી માતાજીના મંદિરે રામનવમીનો ભરાતો પરંપરાગત લોકમેળો કોરોનાની વૈશ્વિક મહામારીને લઈ ચાલુ સાલે પણ બંધ રાખવા ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવાયો છે, જોકે દર્શનાર્થીઓ માટે મંદિર ખુલ્લું રહેશે એવો નિર્ણય લેવાયો છે.
નડાબેટમાં બિરાજમાન શ્રી નડેશ્વરી માતાજીના પ્રસિદ્ધ મંદિરે ચૈત્ર સુદ રામનવમીના દિવસે પરંપરાગત ભાતીગળ લોકમેળો ભરાય છે,પરંતુ છેલ્લા એક વર્ષ ઉપરાંત સમયથી કોરોના મહામારીના કારણે ગત વર્ષે મેળો મોકૂફ રખાયો હતો.
ચાલુ સાલે પણ ગત રવિવારે મંદિરના મિટિંગ હોલમાં નડેશ્વરી ટેમ્પલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓની મિટિંગ યોજાઈ હતી,જેમાં ચાલુ સમયમાં વધતા કોરોના મહામારીના કેસોને લઈ આગામી 21 એપ્રિલે રામનવમીનો યોજાનાર લોકમેળો બીજા વર્ષે પણ મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે.
ટેમ્પલ ટ્રસ્ટના પ્રમુખ હરજીભાઈ ભાણાજી રાજપૂતે જણાવ્યું છે કે નડેશ્વરી માતાજીના 35 પાટોત્સવનો લોકમેળો બંધ રહેશે પણ દર્શનાર્થીઓ માટે મંદિર ખુલ્લું રહેશે.
From – Banaskantha Update