8 મી માર્ચ, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પાલનપુર કલેકટર કચેરી ખાતે કલેકટર આનંદ પટેલના હસ્તે પાંચ દિકરીઓને રૂ. 25-25 હજારની લાડલી ગિફ્ટ યોજનામાં ફિક્સ ડીપોઝીટની ભેટ આપવામાં આવી હતી. ડૉ. વિક્રમભાઈ એમ. મહેતા મિત્ર વર્તુળ-પરિવાર, મુંબઈના અનુદાનિત ફંડમાંથી છેલ્લાં નવ વર્ષથી નિયમિત પાંચ શ્રેષ્ઠ દિકરીઓને લાડલી ગીફ્ટ યોજનાનો લાભ આપવામાં આવે છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ બનાસકાંઠા જિલ્લાની શ્રેષ્ઠ પાંચ દિકરીઓને કલેકટરના હસ્તે વ્યક્તિગત રૂ. 25,000/-ની લાડલી ગિફ્ટની ફિક્સ ડિપોઝીટ તેમજ તેમના પરિવારજનોમાંથી આવેલ માતાઓનું સન્માન કરાયું હતું. વર્ષ 2012-13 થી શરૂ કરવામાં આવેલ લાડલી ગિફ્ટ યોજનામાં આજ સુધીમાં 45 જરૂરીયાતમંદ દિકરીઓને લાભ આપવામાં આવ્યો છે.
આ પ્રસંગે બનાસકાંઠા કલેકટર આનંદ પટેલે વિશ્વ મહિલા દિવસની શુભેચ્છા પાઠવતાં જણાવ્યું કે, આજે સમગ્ર જિલ્લામાં વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. તેમણે મહિલા કલાનિધિ ટ્રસ્ટ કાણોદર અને દાતાઓની કામગીરીને બિરદાવતાં જણાવ્યું કે, કુદરતે જેમને છોડી દીધા છે તેમની સેવા કરનારાઓને હું સેલ્યુટ કરું છું. તેમણે દિકરીઓ માટે આપેલા દાનને સમગ્ર કુંટુંબ માટેનું દાન ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે, દિકરીઓના વિકાસની કામગીરીને આગળ વધારી સમાજ સેવાનું ઉત્તમ કામ કરી શકાય છે.
માસુમ ફુલની કળી જેવી નવજાત ત્યજી દેવાયેલ દત્તક દિકરીઓ જેના માતા-પિતા કોઇ ગંભીર બિમારીથી પિડાતા હોય, અશક્ત, દિવ્યાંગ હોય અથવા જેના માતા-પિતાનું આકસ્મિક અવસાન થયું હોય તેવી બનાસકાંઠા જિલ્લાની એકથી પાંચ વર્ષની દિકરીઓના જીવનમાં ઉજાસ પાથરવા મુંબઇ સ્થિત પાલનપુરના જૈન શ્રેષ્ઠીથઓના સહયોગથી મહિલા કલાનિધિ ટ્રસ્ટ કાણોદર દ્વારા અનોખું અભિયાન ચલાવવામાં આવે છે.
દાતાઓની ઉમદા ભાવના મુજબ લાડલી ગિફ્ટ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય તે દિકરીઓનું તેમના પરિવારમાં લક્ષ્મીદરૂપે સન્માન થાય તેમજ રૂ. 25,000/- ની રકમ તે દિકરીઓના નામે ફિક્સ ડિપોઝીટ મુકવાથી 18 વર્ષની થાય ત્યાં સુધીમાં મળનારી આ રકમનો ઉપયોગ માત્રને માત્ર તે દિકરીઓના ઉચ્ચ શિક્ષણ, લગ્ન પ્રસંગ કે દિકરીના આરોગ્યને લગતો કોઇ ખર્ચ કરવાનો થાય તે માટે ખર્ચ કરવાની બાંહેધરીની શરતોને આધિન તેમને આ લાડલી ગિફ્ટ યોજનાનો લાભ આપવામાં આવે છે.

પ્રારંભમાં સ્વાગત પ્રવચન કરતાં મહિલા કલાનિધિ ટ્રસ્ટના પ્રમુખ રશ્મિબેન હાડાએ જણાવ્યું કે, છેલ્લા 14 વર્ષથી દાતાઓના સહયોગથી આ ટ્રસ્ટ અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે. જેમાં રમકડાં બેંક, અંકુર કેર યુનિટ, મિશન સુપોષણ, કુસુમ બાળ સંસ્કાર કેન્દ્ર, મિશન વસ્ત્રમ, દિકરી શ્રેણી 90.4. એફ. એમ. રેડીયો પાલનપુર, લાડલી ગિફ્ટ યોજના, માતૃવંદના, બેટી વધાવો- બેટી પઢાવો સહિતના કાર્યક્રમોનો સમાવેશ થાય છે.
From – Banaskantha Update