ડીસા તાલુકાના વડાવળ ગામમાં બનાવવામાં આવેલા શૌચાલયમાં ગેરરીતિ આચરાઇ હોવાના આક્ષેપ સાથે ગામના અરજદાર દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી હતી. આથી તપાસ બાદ ગેરરીતિ થયાની જાણ થતાં જ મદદનીશ કમિશનર ગાંધીનગર દ્વારા રૂપિયા 1.8 લાખની વસુલાત કરવા આદેશ કરવામાં આવ્યો છે.
વડાવળ ગામના અજમલજી મલાજી વાઘેલા દ્વારા શૌચાલયની કામગીરીમાં ગેરરીતી થઇ હોવા અંગે લેખિત રજૂઆત કરાઈ હતી. આથી અરજદાર દ્વારા દ્રેષભાવ રાખી અરજી કરાઈ હોવાથી ફાઇલે કરવા વડાવળના સરપંચ દ્વારા ગત તા. 31-8-2020 ના રોજ તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી હતી. જયારે તાલુકા વિકાસ અધિકારી ડીસા દ્વારા પણ તા. 3 સપ્ટેમ્બરે ગેરરીતિ ન થઇ હોવાનું જણાવ્યું હતું.
જો કે, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા વડાવળમાં બનેલા શૌચાલય અંગે તપાસ કરતા નવ શૌચાલયમાં ગેરરીતિ થઇ હોવાનું બહાર આવ્યું હતું. આથી જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના તપાસ અહેવાલના આધારે મદદનીશ કમિશ્નર ગાંધીનગર દ્વારા ડીસા તાલુકા વિકાસ અધિકારીને રૂપિયા 1,08,000ની વસુલાત કરવા આદેશ કરવામાં આવ્યો. જો આ અંગે ન્યાયિક તપાસ કરવામાં આવે તો અનેક ગામમાં ગેરરીતિ બહાર આવવાની શકયતાઓ છે.

” શૌચાલયની ગેરરીતિ અંગે વડાવળ ગામના સરપંચ, તલાટી અને તાલુકા વિકાસ અધિકારી દ્વારા રજૂ કરાયેલ અહેવાલ અને જીલ્લા કચેરી દ્વારા કરવામાં આવેલ તપાસમાં ગેરરીતી બહાર આવી છે. આથી કસુરવાર સામે ફોઝદારી કાર્યવાહી થવી જોઈએ. – અજમલજી મલાજી વાઘેલા (અરજદાર)
“તપાસ દરમ્યાન વડાવળ ગામમાં નવ શૌચાલય બન્યા નથી તેવું બહાર આવ્યું છે. આથી શૌચાલયની કામગીરીમાં કૌભાંડ આચર્યું હોવાથી સરપંચ અને તલાટીને રૂપિયા 1.8 લાખની વસૂલાત માટે લેખિત આદેશ કરવામાં આવ્યો છે.” – બી.ડી.સોલંકી (ડીસા તાલુકા વિકાસ અધિકારી)
From – Banaskantha Update