શિયાળાની શરૂઆત પૂર્વે જ પાણીના ધાંધીયા : દિવસમાં માત્ર અડધો કલાક અને તે પણ ધીમું પાણી આવતાં લોકોને પાણીની ખૂબ જ તંગી વેઠવી પડે છે
ડીસામાં શિયાળાની શરૂઆત પૂર્વે જ પાણીના ધાંધીયા શરૂ થઇ ગયા છે. વોર્ડ નં. 4 માં પીવાનું પૂરતું પાણી નહીં મળતાં શુક્રવારે રહીશોએ નગરપાલિકા કચેરીએ આવી ઉગ્ર રજૂઆત કરી હતી અને જો તાત્કાલીક પૂરતું પાણી આપવામાં નહીં આવે તો ચૂંટણી બહીષ્કારની ચિમકી ઉચ્ચારી હતી.
ડીસામાં વોર્ડ નં. 4 માં છેલ્લા ઘણા સમયથી પાણી મળતું નથી. જેના કારણે રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. દિવસમાં માત્ર અડધો કલાક અને તે પણ ધીમું પાણી આવતાં લોકોને પાણીની ખૂબ જ તંગી વેઠવી પડે છે.
જેના માટે વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ કાર્યવાહી ન થતાં આખરે સ્થાનિક રહીશોનું ટોળુ શુક્રવારે ડીસા નગરપાલિકા કચેરીએ આવી પહોંચ્યું હતું. જયારે પૂરતું પાણી આપવા માટે ઉગ્ર રજૂઆત કરી હતી.
આ અંગે રહીશોએ જણાવ્યું હતું કે, ‘જો ડીસા નગરપાલિકા દ્વારા તેમના વિસ્તારમાં સમયસર અને પૂરતું પાણી આપવામાં નહીં આવે તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે અને જરૂર પડે તો ચૂંટણી બહીષ્કાર કરી સરકાર સામે વિરોધ દર્શાવશે.’
From-Banaskantha update