ડીસાના ગવાડી વિસ્તારમાં મંગળવારે તીનપત્તીનો હાર-જીતનો જુગાર રમી રહ્યા હોવાની બાતમી ડીસા દક્ષિણ પોલીસને મળતાં ગવાડી અખ્ખર પાસે ખુલ્લી જગ્યામાં રેડ કરતાં 4 શખ્સોને ઝડપી પાડ્યા હતા. જેમાં રોકડા રૂ. 11,200 અને ગંજીપાના સાથેનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ અંગે દક્ષિણ પોલીસે ચાર શખ્સો સામે જુગારધારા એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.
આ અંગેની વિગત એવી છે કે, આઇ.જી.પી. બોર્ડર રેન્જ ભૂજ જે.આર.મોથલીયા અને બનાસકાંઠા જીલ્લા પોલીસ વડા તરૂણ દુગ્ગલની સુચનાથી ડીસા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક કુશલ આર.ઓઝાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના માણસો મંગળવારે ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
તે દરમિયાન ખાનગી બાતમીના આધારે ડીસા ગવાડી અખ્ખર નજીક ખુલ્લી જગ્યામાં કેટલાંક શખ્સો ગંજીપાના વડે રૂપિયાની હાર-જીતનો જુગાર રમતાં હોવાની રેડ કરતાં જુગાર રમતાં મહંમદરફીક મહંમદશરીફ કુરેશી (રહે. છોટાપુરા, ગવાડી, તા. ડીસા), જાકીરહુસૈન બશીરભાઇ કુરેશી (રહે. છોટાપુરા, ગવાડી, તા. ડીસા), શોકતભાઇ મહંમદભાઇ કુરેશી (રહે.મહંમદપુરા, ગવાડી, તા. ડીસા) અને રીયાજભાઇ જીલાનીમહંમદ કુરેશી (રહે.ગંજીપુરા, ગવાડી, તા. ડીસા) વાળાઓને ઝડપી પાડી તેઓના પાસેથી રોકડ રૂ. 11,200 અને ગંજીપાના સાથેનો મુદ્દામાલ જપ્ત કરી જુગારધારા એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
From – Banaskantha Update