પાલનપુરમાં શ્વાનો કરડવાના કિસ્સા વધ્યા : એક માસમાં 1,384 લોકો શ્વાનોના શિકાર બન્યા

- Advertisement -
Share

સિવિલ હોસ્પિટલમાં હડકવાના ઇન્જેક્શન લેવા લોકોનો ઘસારો : ગત વર્ષે રોજના 25 થી 30 શ્વાનો કરડવાના કેસ આવ્યા હતા આ વખતે વધીને 37 થી 38 કેસ : શિયાળાની ઋતુમાં મુખ્યત્વે નવેમ્બરથી જાન્યુઆરી માસમાં શ્વાનો કરડવાના કિસ્સા વધુ

 

પાલનપુર સહીત આજુબાજુના ગામમાં રખડતાં શેરી શ્વાનોના કરડવાના બનાવવામાં નોંધપાત્ર વધારો થયો છે. નવેમ્બરથી જાન્યુઆરી સુધીમાં સરેરાશ દર માસે 1,000 કેસો પાલનપુર સિવિલ હોસ્પિટલમાં નોંધાતાં હોય છે.
આ વર્ષે ડિસેમ્બરના 27 દિવસમાં ડોગ બાઇટના 1,384 કેસો નોંધાયા છે. જેમાં કોઇને હડકવા ન ઉપડે તે માટે એન્ટી રેબીક વેક્સિન આપવામાં આવે છે. જેમાં જેમને શ્વાન કરડયું હોય તેને 5 ઇન્જેક્શન લેવા પડતાં હોય છે.
આ અંગે પાલનપુર સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. સુનિલ જોષીએ જણાવ્યું હતું કે, ‘પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં શ્વાનો કરડવાના 1,384 જે કેસ આવ્યા છે. જેમાં 1,108 જનરલ ઓ.પી.ડી. માં અને 276 ઇમરજન્સી ટ્રોમા સેન્ટરમાં સારવાર અર્થે આવ્યા હતા.

 

જેમને જે દિવસે શ્વાન કરડયું હોય તે દિવસે ત્યારબાદ ત્રીજા દિવસે, સાતમા દિવસે, 21 માં દિવસે અને 28 માં દિવસે એમ 5 એન્ટી રેબીક વેક્સિનનું ઇન્જેક્શન આપવું પડે છે.
જેના લીધે તેને હડકવા ન થાય. જે કિસ્સામાં શ્વાનોએ મોંઢે ઉપર કે શરીરના અન્ય ભાગોમાં વધુ ગંભીર પ્રમાણમાં ઇજાઓ પહોંચાડી હોય તેવા પણ 40 થી 50 કેસ આ ડિસેમ્બર માસમાં આવ્યા હતા.’

 

આ અંગે વેટરનરી તબીબ ડો. પ્રતિકભાઇ પંચાલે જણાવ્યું હતું કે, ‘ત્રણેય ઋતુઓની સરખામણીમાં શિયાળામાં શ્વાનો કરડવાના કિસ્સા વધારે બનતાં હોય છે. તેમાં મુખ્યત્વે 3 કારણો છે.
જેમાં એક મુખ્ય કારણ છે. શિયાળાની ઋતુમાં મુખ્યત્વે નવેમ્બરથી જાન્યુઆરી માસોમાં કૂતરીઓના વીયાણનો સમયગાળો હોય છે. જેથી તે વિયાણ બાદ ખતરો લાગે તો તે તરત જ કરડવાની કોશિષ કરે છે.’
હાલમાં પાલનપુરમાં જૂદા-જૂદા વિસ્તારોમાં રખડતાં શ્વાનોની સંખ્યા દિન-પ્રતિદિન વધી રહી છે. જો આ શ્વાનો કરડવાના કિસ્સામાં ઘટાડો લાવવો હોય તો શેરી શ્વાનોમાં અગાઉથી જ હડકવા અંગેનું રસીકરણ
કરવામાં આવે અને તેમને પોષણ યુકત ખોરાક આપવામાં આવે તો આ પ્રકારના કિસ્સાઓની માત્રા ઘટાડી શકાય છે. પાલનપુર નગરપાલિકાએ આમાં ઇનીસીએટીવ લઇને જૂદી-જૂદી ટીમ સાથે રાખીને હડકવા વિરોધી રસીકરણની કામગીરી કરવા માંગ ઉઠી છે.

 

આ અંગે પાલનપુર સિવિલ હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું કે, ‘2019 માં ડિસેમ્બરમાં રોજના 20 થી 25 ડોગ બાઇટના કેસ આવતા હતા. 2021 માં વધીને 25 થી 30 થયા હતા.
જ્યારે આ વખતે વધીને 37 થી 38 કેસ સરેરાશ આવી રહ્યા છે. જેની પાછળનું કારણ એ છે કે, શ્વાનોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. શેરી શ્વાનોમાં લોકો પોષણક્ષમ આહાર આપે છે. જેથી શ્વાનોની સંખ્યા વધી રહી છે.’

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!