મુખ્ય રસ્તાઓ નવેસરથી બનાવવામાં આવે તેવી અનેક કોર્પોરેટરોએ નગરપાલિકાથી લઇ છેક ગાંધીનગર સુધી રજૂઆત કરી હતી
ડીસામાં ઘણા સમયથી તૂટી ગયેલા મુખ્ય રસ્તાઓનું નગરપાલિકા દ્વારા નવિનીકરણ કરવામાં આવતાં લોકોમાં ખુશીની લહેર પ્રસરી છે.
છેલ્લા ઘણા સમયથી ખરાબ રસ્તાઓનું નગરપાલિકા દ્વારા રૂ. 4,00,00,000 ના ખર્ચે નવિનીકરણ કરવામાં આવતાં લોકોની મુશ્કેલીઓ હલ થશે.
ડીસામાં મુખ્ય માર્ગ ગણાતાં જલારામ મંદિરથી બગીચા રોડ, બગીચાથી ફૂવારા રોડ, એસ.સી.ડબ્લ્યુ હાઇસ્કૂલ રોડ, જી.આઇ.ડી.સી.માં આવેલો મુખ્ય રોડ સહીતના રસ્તાઓ છેલ્લા ઘણા સમયથી તૂટી ગયા હતા.
ત્યારે નગરપાલિકા દ્વારા દર વર્ષે દિવાળી ઉપર રસ્તાનું મરામત કરાવતી હોય છે. પરંતુ ચાલુ વર્ષે તો દિવાળી પર પણ કોઇ પ્રકારના રસ્તાનું સમારકામ કરાયું ન હતું.
જેથી લોકો અને વાહનચાલકોને ખૂબ જ અગવડ પડી રહી હતી. જયારે મુખ્ય રસ્તાઓ નવેસરથી બનાવવામાં આવે તેવી અનેક કોર્પોરેટરોએ નગરપાલિકાથી લઇ છેક ગાંધીનગર સુધી રજૂઆત કરી હતી.
ત્યારે હવે નગરપાલિકા દ્વારા રૂ. 4,00,00,000 ના ખર્ચે મુખ્ય માર્ગોનું નવિનીકરણ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં શહેરનો મુખ્ય ગણાતો જલારામ મંદિરથી બગીચાનો રસ્તો નવો બનાવી સમગ્ર રસ્તાનું નવિનીકરણ કરી રીસર્ફેસિંગ કરતાં પ્રજાને ખૂબ જ રાહત થઇ છે.
આ સિવાય છેલ્લા ઘણા સમયથી જી.આઇ.ડી.સી.નો મુખ્ય રસ્તો તૂટેલો હતો જેને પણ નગરપાલિકા દ્વારા સંપૂર્ણ રીતે નવો બનાવવામાં આવ્યો છે.
From-Banaskantha update