ડીસા ઉત્તર પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
ડીસામાં નવા બસ સ્ટેશનના ધાબા પર મંગળવારે વહેલી સવારે આત્મહત્યા કરેલી શંકાસ્પદ હાલતમાં એક યુવકનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઇ છે.
આ ઘટનાને પગલે ડીસા શહેર ઉત્તર પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પી.એમ. અર્થે ખસેડી વાલી વારસોને જાણ કરી હતી.
આ અંગેની વિગત એવી છે કે, ડીસામાં નવા બસ સ્ટેશનમાં મંગળવારે વહેલી સવારે ધાબા પર એક યુવકે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઇ છે.
મંગળવારે વહેલી સવારે ત્યાંથી પસાર થતાં લોકોએ ધાબા પર યુવકનો મૃતદેહ જોતાં જ બસ સ્ટેશનના સત્તાધીશો અને પોલીસને જાણ કરી હતી.
આ ઘટનાને પગલે ડીસા શહેર ઉત્તર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને પ્રાથમિક તપાસ કરતાં યુવકે ધાબા પર આવેલી લોખંડની સીડીમાં ધોતીયા વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.
પોલીસે તપાસ કરતાં તે સૂઇગામનો મુકેશ ઠાકોર હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે તેના પરિવાર સાથે સંપર્ક કરતાં તેનો પરિવાર તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચ્યો હતો.
જેમાં મૃતક યુવકની માતા ગંગાબેન સાથે વાતચીત કરતાં મુકેશ ઠાકોર (ઉં.વ.આ. 25) એક સંતાનનો પિતા હોવાનું અને તેને અન્ય યુવતી સાથે આડા સબંધ હતા.
અને તેમાં તેને દગો થતાં આત્મહત્યા કરી હોવાનું જણાવ્યું હતું. આ અંગે ડીસા ઉત્તર પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
From-Banaskantha update