2 મહીલાઓ સહીત 4 શખ્સો સામે ડીસા ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ
ડીસાના પલટન મંદિર નજીક પતિ-પત્નીના ઝઘડામાં સમજાવવા ગયેલ સાળા અને સસરા પર બનેવી સહીત તેના પરિવારજનોએ તલવાર વડે જીવલેણ હુમલો કરતાં ચકચાર મચી ગઇ છે.
જેમાં ઇજાગ્રસ્ત 3 વ્યકિતઓને સારવાર અર્થે ભણશાલી હોસ્પિટલમાં ખસેડયા છે. જ્યારે હુમલો કરનાર 2 મહીલાઓ સહીત 4 શખ્સો સામે ડીસા ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે, ડીસાના પલટન મંદિર નજીક રહેતાં લલીતાબેન અને તેમના પતિ હરગોવિંદપુરી ગૌસ્વામી વચ્ચે સામાન્ય બોલાચાલી થતાં લલીતાબેને તેમના પિતા અને ભાઇઓને જાણ કરી હતી.
જેથી તેમના પિતા કનૈયાલાલ અને 2 ભાઇઓ રાજેન્દ્રભાઇ અને રાજેશભાઇ બહેન-બનેવીના ઘરે સમજાવવા માટે ગયા હતા. જ્યાં બંને પરિવારો વચ્ચે બોલાચાલી થતાં બનેવી સહીત 4 શખ્સોએ તલવાર વડે જીવલેણ હુમલો કર્યો હતો.
જેમાં બંને ભાઇઓ અને તેમના પિતાને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ઘટનાને પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત પિતા-પુત્રોને સારવાર અર્થે ડીસાની ભણશાલી હોસ્પિટલમાં ખસેડયા હતા.
હુમલો કરનાર હરગોવિંદપુરી ગૌસ્વામી, રોહીતકુમાર ગૌસ્વામી, તુલસીબેન ગૌસ્વામી અને રીન્કુબેન ગૌસ્વામી સામે ડીસા ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
From-Banaskantha update