ઇજાગ્રસ્ત ખેડૂતે 3 શખ્સો સામે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
ડીસા તાલુકાના વાસડા ગામમાં ખેતર માલિકે પોતાના ખેતરમાંથી પસાર થતાં 3 શખ્સોને ઝાપો બંધ કરવાનું કહેવા જતાં 3 શખ્સો ઉશ્કેરાઇ ગઇ હથિયાર વડે દંપતી ઉપર જીવલેણ હુમલો કરતાં ચકચાર મચી ગઇ હતી.
આ અંગે ઇજાગ્રસ્ત ખેડૂતે 3 શખ્સો સામે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના વાસડા ગામમાં રહેતાં મોહનજી કસ્તુરજી માળી ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જેઓ ખેતરમાં જ પરિવાર સાથે રહે છે.
જેઓ બુધવારની રાત્રે જમીને પરિવાર સાથે ખેતરમાં સૂતા હતા. તે દરમિયાન ગામના જ ભુદરાજી કસ્તુરજી માળી, દેવચંદજી ભુદરાજી માળી અને શૈલેષજી ભુદરાજી માળી તેમના ખેતરમાંથી ઝાપો ખોલી પસાર થયા હતા.
અને તે દરમિયાન ખેતર માલિકે તેમને ઝાપો બંધ કરવાનું કહેતાં 3 શખ્સો એકદમ ઉશ્કેરાઇ ગયા હતા અને ખેતર માલિકને અપશબ્દો બોલવા લાગ્યા હતા.
અને હાથમાં કુહાડી અને ધોકા લઇ આવી ખેતર માલિક ઉપર હુમલો કરી માર મારવા લાગ્યા હતા. તે દરમિયાન ખેતર માલિકના પત્ની વચ્ચે છોડાવવા પડતાં આ શખ્સોએ તેમને પણ માર મારવા લાગતાં
તેઓ બૂમો પાડતાં આજુબાજુમાં રહેતાં અન્ય લોકો દોડી આવ્યા હતા અને તેમને મારમાંથી છોડાવ્યા હતા. જયારે જતાં જતાં 3 શખ્સોએ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઇ ગયા હતા.
જો કે, બાદમાં ખેતર માલિકને ઇજાઓ હોઇ સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગે ડીસા તાલુકા પોલીસ મથકે 3 શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
From-Banaskantha update